૧૯૯૦ની આસપાસનો આ કિસ્સો છે. એ સમયે સુરત શહરની નજીક ‘ભેસ્તાન’ નામનો વિસ્તાર ચાલીઓ અને ઝુંપડપટ્ટીઓ વડે આડફાડ વધી ગયેલો હતો.
આવી જ એક ચાલીમાં છેલ્લા દિવસથી સતત ઝરમર ઝરમર વરસાદ પડી રહ્યો હતો.
‘ભપ્પ !’
એવા એક અવાજ સાથે ચાલીની તમામ લાઈટો ગુલ થઈ ગઈ ! જોકે ઘસઘસાટ ઊંઘી રહેલા ચાલીવાસીઓને એની ખબર સુધ્ધાં પડી નહીં પરંતુ બે ચાર મિનિટ પછી એક ચીસ સંભળાઈ:
‘લાઆઆઆ…શ ! લા… શ !’
એ ચીસ એક ચાલીવાસી છોકરડાની હતી. એને સવાર સવારની લાગેલી ‘પીપી’ ! એને થયું ‘એની બેનને, આ અંધારામાં બાથરૂમની મંઈ જવા, ને અંધારામાં જ મૂતરવા, એની કરતાં પછાડી (પાછળ) બાજુ ઝાડી ઝાંખરામાં જ કરી લાખું, તો કોણ હહરીનું જોવાનું છે ?’
પણ હજી એ પાછલુ બારણું ખોલીને બહાર નીકળવા જાય છે ત્યાં ધૂંધળા અજવાળામાં એનો પગ કોઈ ચીજમાં આટવાયો ! જરીક આંખો ચોળીને જુએ છે તો ત્યાં કોઈની લાશ પડી છે !
‘લાઆઆ… શ ! લાઆઆ… શ !’
એણે બૂમાબૂમ કરી મુકી. જોતજોતામાં ચાલીમાં ઊંધી રહેલા લોકો પથારીમાંથી બેઠા થઈને અહીં દોડી આવ્યા. એકાદ બે જણાની ટોર્ચના અજવાળે જે દૃશ્ય દેખાયું તે બિહામણું હતું !
અહીં એક ચડ્ડી-બનિયાનધારી માણસ ચત્તોપાટ પડ્યો હતો ! એના શરીરની ચામડી કાળીભઠ્ઠ થઈ ગઈ હતી. બે હોઠની ફાડ વચ્ચેથી જરીક ફીણ નીકળીને ગાલ પર રેલાઈ રહ્યું હતું. ગરદન ત્રાંસી, પગ અક્કડ લાકડા જેવા !
એના એક હાથમાં પક્કડ-પાના જેવું લોખંડનું ઓજાર હતું અને બીજા હાથ પાસે ભેજવાળી ભીંતમાંથી ઊખડી આવેલો વીજળીનો તાર લટકી રહ્યો હતો !
‘હહરો નક્કી આપડી ચાલીમાં ચોરી કરવા આવેલો લાગે ! એની બેનને… એ જ લાગનો છે.’
‘આ પછાડીનું (પાછળનું) બારણું ખેંચીને ખોલવા ગિયો ઓહે, તેમાં આ લાઈટનો વાયર ખેંચાઈ આવલો લાગે.’
‘જોયું ? ખાડો ખોદે તે પડે.’
‘આમાં ખાડો ક્યાંથી આઈવો ?’
‘અરે, ચોરી કરવા આઈવો, તો જ કરંટ લાઈગો કેનીં ?’
‘હાય હાય ! કરન્ટ લાઈગો ?’ ચાલીની એક સ્ત્રીને ફાળ પડી ‘તો તો મરી ગિયો ઓહે !’
‘ના ના, બેભાન જ થેલો લાગે.’
‘એક કામ કરોનીં, એની ઉપર પાણી છાંટોનીં ? બેભાન ઓહે તો ભાનમાં આવી જહે.’
‘ઓ અક્કલના બારદાન ! પાણી લાખવાની કાં વાત કરે ? આ જોનીં, વાયર ખુલ્લો પડેલો ? પાણીને લીધે, કરંટ લાઈગો તો ?’
‘અરે ભાઈ ! લાઇટ જ ગેલી (ગયેલી) છે તો કરંટ કાંથી લાગવાનો ?’
‘આ લાઈટનો કોઈ ભરોહો નીં મલે ! મંઈ જીરીક જીરીક કરંટ ચાલતો બી ઓહે તો ?’
‘એક કામ કરોંની, આને કોઈનું જુતું હુંઘાડો. કદાચ છે ને ભાનમાં આવી હો જાય.’
ચાલીના જ્ઞાનીઓની ચર્ચા ઈલેક્ટ્રીક એન્જિનિયરીંગથી વળીને જુતાં તરફ વળી ગઈ. એમાં વળી બૈરાંઓએ ઝુકાવ્યું :
‘મેં તો રબ્બરની સ્લીપર જ પે’રતી છે.’
‘મારાવાળી હો નીં ચાલે, કેમકે તે તો સેન્ડલ છે ! ને તેમાં બી સેન્ટની સુગંધ આવતી છે.’
‘મારી પાંહે ચાર જોડી ચંપલ ખરી, પણ નવી નક્કોર તો નીં ચાલે ને ?’
આમાં વળી કોઈ કાકાએ ડહાપણ ઉમેર્યું. ‘મારાં જુતાં તો બો જુનાં, પણ હહરીનાં આ ચોમાહામાં કાદેવ (કાદવ) વારાં થઈ ગેલાં ! તેનાંથી થોડો ભાનમાં આવવાનો ?’
‘એક કામ કરો. આ ભાનુમામાના મોજાં હુંઘાડો ! તે તો પંદર ફૂટ આઘેથી ઘંતાતાં છે !’
આમાં જે ભાનુમામો હતો તે બગડ્યો ! ‘તારી તો.. હમણાં કે’મ (કહું) તે… હાહરીનાં, મારાં મોજાં કંઈ એટલાં બધાં ઘંતાતાં નીં મલે !’
‘બિલકુલ ખોટી વાત !’ ભાનુમામાની બૈરીએ બળાપો કાઢવાનો ચાન્સ લઈ લીધો. ‘મેં તો કે’ઈ કે’ઈને થાકી જાઉં, પણ તે મોજાં ધોવા જ નીં લાંખે તો મેં બી હું કરું ?’
‘અ’વે જોઈ મોટી મોજાં ધોવાવારી ! તારાં પોતાનાં જ લબાચા હરખાં નીં ધોતી છે, તાં ?’
આ વિવાદ ચાલતો હતો એ દરમયાન કોઈ ભાનુમામાના ઘરમાં જઈને તેમનાં બે મોજાં મરેલા ઉંદરડાની માફક ઊંચકી લાવ્યું ! બીજા એક બહાદુરે તેમાંનું એક મોજું પકડીને પેલા ચત્તાપાટ પડેલા ચડ્ડી-બનિયાનધારીના નાક સામું ધર્યું…
પણ પરિણામ શૂન્ય.. પેલો સળવળ્યો પણ નહીં ! હવે ?
‘એક કામ કરો. કોઈ એના નાક પાંહે આંગળી ધરી જુવો… એના શ્વાસ ચાલતા છે કે ?’
એક નવા બહાદુરે એ કામ કરી જોયું. પછી જાહેર કર્યું : ‘પતી ગિયું ! આ તો મરી ગેલો લાગે !’
ચાલીવાસીઓમાં ખળભળાટ મચી ગયો. એવામાં કોઈકને અક્કલ સુઝી : ‘એલા, કોઈ પોલીસને ફોન કરો !’
ત્યાં તો બીજાને પ્રેક્ટિકલ બુધ્ધિ-પ્રકાશ થયો : ‘ઓય ખબરદાર જો પોલીસને ફોન કઈરો છે તો ? આમાં તો આપણે બધાંને જેલમા જવા પડહે !’
‘કેમ ? કેમ ?’ના જવાબમાં તેણે ખુલાસો કર્યો : ‘હહરીનાઓ, આપડી આ ચાલી લાઈટનું આખું કનેક્સન જ આપડે ઇલ્લીગલ રીતે વાયર તાણીને લીધેલું છે ! ભૂલી ગિયા ?’
‘એની બેનને… આમાં તો મર્ડરનો ચાર્જ લાગવાનો !’
ચાલીવાસીઓમાં સોપો પડી ગયો. આ તો ભારે થઈ ! એક તો સવાર સવારમાં લાઈટ ગઈ, ઉપરથી ચાલીનો જ વાયર હાથમાં ઝલાઈ જવાને કારણે એક ચોર મરી ગયો !
ધીમે ધીમે આકાશમાં સવારનું અજવાળું થઈ રહ્યું હતું અને બીજી બાજુ ચાલીના રહેવાસીઓના દિમાગમાં ‘ટ્યુબલાઈટ’નું અજવાળું થઈ રહ્યું હતું કે ‘હહરીના આ તો આપણે ઊંધા ભરાઈ પઈડા !’
હવે આગળ શું કરવું એનો કોઈ ઉપાય સુઝતો નહોતો ત્યાં તો દૂરથી રોક્કળના અવાજ સંભળાયો !
કમરેથી વળી ગયેલો એક ડોસો, સાવ માંદલી જેવી દેખાતી એક સ્ત્રી, બીજા બે ચાર માણસો વગેરે આ તરફ આવી પહોંચ્યાં.
લાશને જોતાંની સાથે જ પેલી માંદલી બાઈએ પોક મુકી.
‘અરેરે… હમરા છોરા મર ગયા રે !’
બીજા બે-ચાર પુરુષો જે એમની સાથે આવ્યા હતા એમણે તો સીધો આરોપ જ મુક્યો : ‘હમાર છોરે કો આપ લોગન ને માર ડાલા !’
‘દેખોના, કઈસે કાલા પડ ગયા હૈ.’
‘ઇન લોગોં ને બિજલી કા તાર પકડાઈ કે મરવા ડાલા !’
‘અરેરેરે… હમાર છોરા કો મારા ડાલા રેએએ….’
બાઈની પોક સાંભળીને બાજુની ઝુંપડપટ્ટીમાં રહેતા બીજા લોકો પણ આવી પહોંચ્યા. ચાલીવાસીઓ ખુલાસા કરી રહ્યા હતા.
‘અરે, યે હાહારા અહીંયા, ચોરી કરવા આયેલા થા. તે ઉસ ને જાતે જ જીવતા વાયર પકડા… એમાં હમેરા ક્યાંથી વાંક હૈ ?’
‘ઉપર સે હમેરા ઘર કા લાઈટ બી જતા રૈલા હૈ…’
‘અરે !! તુમ્હારી લાઈટ કી તો ઐસી કી તૈસી !’
ઝુંપડપટ્ટીવાળાઓ બગડ્યા. એ બધા ઘાંટા પાડવા લાગ્યા : ‘હમ પુલીસ કો બુલાયેંગે ! જબ તક ન્યાય નહીં મિલાગે, હમ લાસ નહીં ઉઠાયેંગે.’
મામલો અવળે પાટે જતો લાગ્યો એટલે એક બે વહેવારુએ ‘ગુજરાતીપણું’ દાખવીને સાઈડમાં જઈને વાટા ઘાટો શરૂ કરી. ‘કેટલા રૂપિયા લેશો ? ના ના, એટલા બધા તો હોતા હશે ?’
આ બધું ચાલી રહ્યું હતું એટલામાં એ ચાલીની સામેના બંગલામાં રહેતા એક સજ્જન આવી પહોંચ્યા. એ રિટાયર્ડ જજ હતા. સુધાકર દેસાઈ એમનું નામ. બધા એમની આસપાસ વીંટળાયા.
પણ સુધાકર દેસાઈ કહે ‘એક વાર જરા ખાતરી કરી લઈએ કે માણહ ખરેખર મરી ગિયો છે કે કેમ…’
દેસાઈ સાહેબે પેલા ચત્તાપાટ પડેલા માણસની બાજુમાં ઉભડક બેસીને તેમણે તેના નાક પાસે આંગળી અડાડી રાખી. પછી શી ખબર શું ધૂન ચડી, તે એક જણાના ઘરમાં જઈને ગેસ પર મુકેલું નહાવા માટેનું ગરમ પાણીનું તપેલું લાવીને સીધુ પેલા માણસ પર રેડી દીધું !
પાણી પડતાંની સાથે જ એ ‘લાશ’ ફટાક કરતી બેઠી થઈ ગઈ !
બસ, પછી શું ? ચાલીવાસીઓએ પહેલાં તો એ ચડ્ડી-બનિયનધારીને પકડીને બહુ માર્યો. પછી તેનું વળતર લેવા આવેલ ઝુંપડપટ્ટીવાળાને ભગાડી મુક્યા. છેવટે, બધું પત્યું ત્યારે સૌએ જસ્ટિસ દેસાઈને પૂછ્યું :
‘તમે કેમ જાઈણું કે આ ઢોંગ કરતો છે ?’
નિવૃત્ત જસ્ટિસ દેસાઈ બોલ્યા ‘આવા તો મેં બો’ કેસ જોયેલા ! પણ આ હહરીનો જબરો ઉતો ! તેનો શ્વાસ જરીક બી નીં ચાલતો લાઈગો… ત્યારે મને થિયું કે ગરમ પાણી લાખી તો જોવા દે ? જીવતો ઓહે તો બેઠો થહે, ને મરેલો ઓ હે તો જોયું જહે !’
***
-મન્નુ શેખચલ્લી
(કથાબીજ : જયેન્દ્રભાઈ દેસાઈ, પારડી)
Comments
Post a Comment