આપણા મોદી સાહેબ જાપાનમાં હતા ત્યારે બુલેટ ટ્રેનના ડ્રાયવરોને મળ્યા ! જાપાન ડ્રાયવરો નહીં, ભારતીય રેલ્વેના ડ્રાયવરો ! જેને જાપાનમાં ટ્રેનિંગ માટે મોકલ્યા છે !
એમની વચ્ચે શું વાત થઈ હશે ? કલ્પના કરવા જેવી છે...
***
‘ઓહોહો… મિત્રોંઓં કૈસે હો ?’
‘બહુ મજામાં મોદી સાહેબ ! પણ આપ અહીં શા માટે પધાર્યા ? અહીંના રોડ તો ઓલરેડી સારા છે !’
‘હાહાહા... મજાક સારી છે ! ક્યાંથી લાવ્યા જોક ? અમદાવાદના નિકોલથી ?’
‘તમે પણ બહુ સમજદાર છો, હોં સાહેબ ?’
‘હવે બોલો, અહીં આ બુલેટ ટ્રેન ચલાવવાનું કેવું લાગે છે ?’
‘સાચું કહીએ ? ભેંશ ભાગોળે અને છાશ છાગોળે જેવું લાગે છે.’
‘એટલે ?’
‘હજી તો ગુજરાતમાં ટ્રેનનો એક પણ પાટો ય નથી નંખાયો ત્યાં અમને ટ્રેન ચલાવતાં શીખવા મોકલી આપ્યા ?’
‘અરે ભઈ, જાગ્યા ત્યાંથી સવાર ! કાલ કરે સો... આજ કર...!’
‘એમ ? તો પછી અમારામાંથી બે ત્રણ જણ માટે ચંદ્રયાન ચલાવવાનો કોર્સ પણ અપાવી દેવો હતો ને ?’
‘હો હો ગુડ જોક ! પણ હું એમ પૂછતો હતો કે અહીં કોઈ તકલીફ તો નથી ને ?’
‘ના ના... અડધો કોર્સ તો પતવા આવ્યો છે ! બસ હવે તમે અમારા માટે ગન લાયસન્સવાળી વ્યવસ્થા ગોઠવી આપજો !’
‘ગન લાયસન્સ ? શેના માટે ?’
‘જુઓને, હમણાં તો ટ્રેન ચલાવતાં શીખવાડે છે, પછી બુલેટ ચલાવતાં પણ શીખવાડશે જ ને ? મોંઘવારી સામે રમખાણો ફાટી નીકળે ત્યારે એ જ કામમાં આવશે ને ?’
‘લો, ફરી જોક મારી ? હાહાહા... બાકી મારે લાયક કોઈ કામકાજ હોય તો બોલો.’
‘સર, અમારું રિયાટરમેન્ટ પેકેજ વધારી આપો ને ?’
‘રિટાયરમેન્ટ ? અરે ભઈ, હજી તો તમારી ટ્રેનિંગ શરૂ થઈ છે !’
‘હા, પણ ગુજરાતમાં ખરેખર બુલેટ ટ્રેન ચાલુ થશે ત્યાં સુધીમાં તો અમારું રિટાયરમેન્ટ આવી જ જશેને ?’
‘ના ના, જે રીતે હું ખેડૂતોને વચન આપું છું એ જ રીતે તમને પણ વચન આપું છું કે બુલેટ ટ્રેન ઝડપથી ચાલુ થઈ જશે.’
‘તો એક શરત છે.’
‘બોલોને.’
‘બુલેટ ટ્રેન માટે જે પુલો બને તેના કોન્ટ્રાક્ટ ગુજરાતની કોઈ કંપનીને ના આપતા ! એમાંય જો હાટકેશ્વરનો બ્રિજ બનાવનારને આપવાના હો તો પ્લીઝ, અત્યારથી જ અમને મર્યા પછીનં વળતર આપી દો !’
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment