યાદ છે ? એક જમાનામાં બેન્કોમાં વીઆરએસની સ્કીમો ચાલુ થયેલી ? એમાં કંઈ કેટલાય ખડૂસ બેન્ક કર્મચારીઓએ ટપોટપ વીઆરએસ લઈ લીધેલાં…
આવા જ એક કર્મચારી હતા અમારા રાજકોટના ગુણવંતરાય. જોકે એમનું નામ ‘ગણ-વંત-રાઈ’ હોવું જોઈતું હતું કેમકે એમનો હિસાબ પાઈ-પાઈનો હતો હોય જ, પણ ‘રાઈ’ જેટલો ઝીણ ય હોય ! એ પાછા બોલતા નાકમાંથી…
એમણે નાકમાં જ વિચાર્યું : ‘આ બેન્કવાંરાં વીંસ લાંખ દિયે છે ઇંને કોં.ઓંપરેટીવ બેન્કમાં એંફડી કરીંને મુંકી દંઈ તો અઢ્ઢાંર-અઢ્ઢાંર ટકા વિયાજ દિયે છે… ઇ હિસાંબે મહિનાંનાં કેટલાં થિયાં ? ઇ પછી યે આંપણે તો હાંવ નવરાં જ છંઈ ? તો ક્યાંક પાર્ટ-ટાંઈમ નોંકરી ગોતી લઈશું…. ઓહોહો.. ! હિસાબ માંડીને જોંઈં તો હાલમાં જે પગાર મળે છે ઇના કરતાંય કમાંણી વધી જાંઈ !’
આવું ગણિત માંડીને ગુણવંતરાયે નોકરી છોડી વીઆરએસ લઈ લીધું. હાથમાં આવડી મોટી રકમ આવી એટલે એમણે પાંચેક લાખનો એક ફ્લેટ લઈ લીધો. (એ જમાનામાં એટલા જ ભાવ હતા.) સાથે સાથે એક બજાજ સ્કુટર ઉતરાવી લીધુ. (એ જમાનામાં તો સાઈકલને પણ ‘ગાડી’ કહેતા. એ હિસાબે ગુણવંતરાયે ગાડી જ લીધી કહેવાય ને.)
પણ આખરે તો ગુણવંતરાયનો ‘ગણ-વંત-રાઈ’ જેવો સ્વભાવ ખરો ને ? ગાડી છોડાવતી વખતે ખબર પડી કે સ્કુટરની નંબર પ્લેટ માટે જે આરટીઓ પાસિંગ થાય છે એના શો-રૂમવાળા દોઢસો રૂપિયા એકસ્ટ્રા માગે છે.
ગુણવંતરાય કહે ‘હોતાં હંઈશે ? તમેં મનેં કોરી નંબર-પ્લેટવાંરી ગાડી દઈ દ્યો ને, પાસિંગ તો હું મારી મેંળેં કરાવીં લઈશ !’
પછી ખબર પડી કે ગાડીમાં સીટ-કવર, મડ-ગાર્ડ, રિવર્સ-મિરર, બોડીની આજુબાજુ પ્રોટેક્શન માટેની પાઈપો… આવી બાર જાતની ‘એંસેંસરી’ના પણ એકસ્ટ્રા ગણે છે !
ગુણવંતરાય બોલ્યા : ‘આલેલે… ઈ એંસેંસરીંયું વન્યા ક્યા લુઘડાં વનાનાં લાગવાનાં છંઈં ? તમે એક કામ કરો.. એંસેંસરીયું હું મારી જાતે નંખાવરાવી દઈશ !’
એ રોજ પેલું નંબર પ્લેટ વિનાનું સ્કુટર લઈને નીકળે અને જુદે જુદે ઠેકાણે જઈ જઈને ‘એંસેંસરીયું’ના ભાવતાલ કરે. આમાં ને આમાં દિવસો વીતતા ગયા.. પણ ગુણવંતરાયને ક્યાં નોકરીએ જવાનું હતું ? આ જ તો ‘કામ’ હતું !
એવું જ આરટીઓ પાસિંગનું થયું. બે-ચાર એજન્ટો પાસે તપાસ કરી જોઈ, પછી નક્કી કર્યું કે ‘આલેલે… એક ફરફરિયું જેવી અરજી કરવાનાં તે કાંઈ આટલાં દેવાતાં હૈશે ? આ હું જાતે જંઈને સિક્કા મરાવી લૈશ !’
આમ જુઓ તો નોકરી વિનાના થઈ ગયેલાં ગુણવંતરાયને નવો ‘ધંધો’ મળી ગયો હતો. એમાં વળી નવો ‘ધંધો’ ઉમેરાયો… કે ‘કાકા, આ તમારી ગાડીનું ઇન્શ્યોરન્સ કરાઈવું કે નંઈ ?’
હવે ગુણવંતરાયજી ઇન્શ્યોરન્સ કંપનીઓના આંટા મારતા થઈ ગયા ! જોકે અહીં ખબર પડી કે જો કોઈ એજન્ટને પકડીએ તો એજન્ટ પોતે પોતાના કમિશનમાંથી ડિસ્કાઉન્ટ આપે છે !
ટુંકમાં, ગુણવંતરાય એક બજાજ સ્કુટરની પાછળ ત્રણ ત્રણ મોરચે લડી રહ્યા હતાં…. આંરટીઓં પાસિંગ, એંસેસરીયું અને ઇંન્શ્યુંરેન્સ ! એમાંય એમને થતું કે ‘આલેલે… પંદર હજાંરનાં સ્કુટર વાંહે દર વરસેં વીમાના હજાંર દંઈ દેવાંનાં ? આપણેં એંક્સિડેન્ટ નોં થ્યો હોય તોંય ?’
આમાં ઉમેરાયો નવો ધંધો ! પેલો ફ્લેટ લીધો હતો એમાં ફર્નિચર કરાવવાનું બીડું તો બહુ મોટું હતું ! કેમકે ‘આલેલે… ઇન્ટીંરીયલ ડેકોરેટરુંને તો કાંઈ કામ દેવાતું હૈશેં ? આટલાં બધાં રૂપિયાં તો કાંઈ હોતા હંઈશે ?’
ઇન્ટિરીયર ડેકોરેટર પછી વારો આવે મિસ્ત્રીનો. તો ગુણવંતરાયે અલગ અલગ મિસ્ત્રીઓ સાથે ભાવતાલ કરવાના ચાલુ કર્યા. એમાં છેવટે એટલે સમજાણું કે ‘કોઈંને આંખેઆખોં કંત્રાટ (કોન્ટ્રાક્ટ) તો દેંવાય જ નઈ… હંધુંય મટિરીયલ આપણે લાવી દંઈ, ને ઇંને ખાલી ‘લેબર’નું કામ દંઈં તો વાંજબીમાં પડેં !’
બસ, આખા કિસ્સાના હેડિંગમાં જે ‘માથા વિનાની ખીલી’ લખ્યું છે ને, એની વાત હવે આવે છે !
વાત એમ બની કે મિસ્ત્રીએ જે કોઈ મટિરીયલની યાદી લખાવી એની ચીઠ્ઠી લઈલઈને ગુણવંતરાયે સ્કુટર વડે આખું બજાર ફેંદી વળ્યા ! ‘જે દુંકાનેથી જે મટિંરીંયલ સસ્તાંમાં મંળે ન્યાંથી જ લેવાંનું… ને આપણા ઘિરે (ઘરે) પોંગાડવાનીં વળી મજુરી શેંનીં ? આપણા સ્કુટર પર જે લંઈ જંઈ હકાંય ઇંના હાટું કાંઈ લારીના રૂપિયાં દેવાતાં હંઈશેં ?’
આમ, બજાજ નામની ‘ગાડી’નો પુરેપુરો કસ કાઢીને ગુણવંતરાયે ફર્નિચરની કાચી સામગ્રી તો પોતાના ફ્લેટ પર પહોંચાડી દીધી. હવે શરૂ થયું કારીગરોનું કામ…
ગુણવંતરાયે જોયું કે ‘આલેલે… આંવડો આં મિંસ્ત્રી યે માંરો બેટોં હવારનાં પો’રમાં ઓલ્યાં કડિયા નાંકે જંઈને જ કારીગરુંનેં લયાંવે છે ! ઈ તોં મને ય આંવડે ને ?’
પેલો મિસ્ત્રી આપણા ગણેશ્રી-રાયની આ ‘શોર્ટ-કટ’ મેન્ટાલિટી જોઈને કંટાળેલો. એ હવે માત્ર લાઈન-દોરી આપવા પુરતું જ ફ્લેટ ઉપર આવતો હતો.
બસ, આમાં જ પેલી ‘માથા વિનાની ખીલી’ ગુણવંતરાયને ભિટકાઈ ગઈ !
એક દિવસ કડિયાનાકેથી આવેલો ચંદુ નામનો કારીગર કહે છે ‘કાકા, દુકાનેથી સ્ક્રુ લઈ આવો.’
કાકા નંબર પ્લેટ વિનાનું બજાજ લઈને હાર્ડવેરની દુકાને ઉપડ્યા. ત્યાંથી સ્ક્રુનું પડીકું લઈને પાછા આવ્યા. પણ એ પડીકું ખોલીને કારીગર કહે છે ‘કાકા, આપણે પંદર-પાંચના સ્ક્રુ જોઈતા ’તા ! તમે પચ્ચીસ-પાંચના લઈ આયવા છો.’
‘તો હવે ?’ જવાબમાં ચંદુ કારીગર કહે છે ‘હવે વળી શું ? જાઓ સ્કુટર લઈને પાછા, ને બદલાવી લાવો…’
કાકા સ્કુટર લઈને ગયા. દુકાનેથી પચ્ચીસ-પાંચને બદલે પંદર પાંચની સાઈઝના સ્ક્રુ લઈ આવ્યા. પણ ચંદુ કહે છે : ‘કાકા, આપણે મોટા આંટાવાળા સ્ક્રુ લેવાના હતા ! તમે તો નાના આંટાવાળા સ્ક્રુ લયાયવા છો !’
‘તો હવે ?’ જવાબમાં ચંદુ કહે છે. ‘હવે વળી શું ? જાવ પાછા, ને લયાવો મોટા આંટાવાળા, પંદર-પાંચના સ્ક્રુ !’
કાકા ફરી ઉપડ્યા. જઈને દુકાનેથી પડીકું લઈને આવે છે. તે ખોલીને જોતાં ચંદુએ ફરી વાંધો પાડ્યો : ‘આ તો ગોળ માથાવાળા છે ! આપણે ષટકોણ માથાવાળા જોંઈ !’
ગુણવંતરાયજી અક્કળાઈ રહ્યા હતા. પણ થાય શું ? કારીગરને એનું ‘કમિશન’ ખાતો બચાવવો હોય તો આ જ ઉપાય હતો ને ?
થોડો સમય થયો ત્યાં ચંદુ કારીગર કહે છે ‘કાકા, હવેં ખીલીયું લયાવો !’
એમાંય એવું જ થયું… પાંચ ગેજની ખીલીને બદલે સાત ગેજની ખીલી આવી ગઈ ! છતાં કાકાએ વધુ એક ધક્કો ખાધો ! વધુ એક પડીકું પકડાવતાં કાકા કંટાળી ગયેલા. બોલ્યા ‘લે, આ જોઈ લે ! હવે આમાં તો કાંઈ બદલાવવાનું નથી ને ?’
પડીકું ખોલીને ચંદુ કપાળ કૂટતાં કહે છે ‘કાકા, આપણે આ પ્લાયવૂડ પર ફોરમાઈકા મારવાનું છે ! ઈ હાટું માથા વિનાની ખીલીયું જોંઈ !’
કાકા કંટાળ્યા. ‘બંવ ત્રાંસ છે તારોં…! આ લ્યે સ્કુંટરનીં ચાવી… ને તું જાતેં જ જંઈને લયાંવ !’
બસ, ચંદુએ સ્કુટર લઈને ગયો એ ગયો… સાંજ સુધી પાછો જ ના આવ્યો !!
હવે ? સ્કુટર ચોરાઈ ગયું છે એનું ભાન થતાં ગુણવંતરાય પહોંચ્યા ઇન્શ્યોરન્સના એજન્ટ પાસે. જઈને કહે છે ‘સ્કુટર ચોરાંઈ ગ્યું ભાઈ !’
‘પણ કેવી રીતે ?’
જવાબમાં ગુણવંતરાયે આખી વારતા કરી : ‘એમાં સું થિયું કે કારીગરે મને સ્ક્રું લયાવાંનું કીધું, પણ પંદર-પાંચને બદલે પચ્ચીસ-પાંચનાં સ્ક્રુ આંવી ગ્યાં ! ઈ બદલાવીને હું પંદર-પાંચનાં સ્ક્રુ લયાયવો… પણ કારીગરે કીધું કે આંપણે નાના આંટાવાળા સ્ક્રું લાવવાનાં હતાં, પણ તમે મોટા આંટાવાળા લયાયવાં છો… ઇ બદલાવાં હાટું હું ફરીં દુકાંને ગ્યો, ને નાના આંટાવારાં સ્ક્રુ લયાયવો… પણ ઈ જોઈનેં કારીગર કિયે છે કે કાકા, આપણેં ગોળ માંથાંવારા નંઈ, પણ ષટકોણ માથાંવારાં સ્ક્રું જોંઈં છી… તો હું ઈ બદલાવીનેં લાયવો… પછી કારીગર કિયે છે કે ખીલીયું લયાવો ! હું ઇ યે લયાયવો.. તો કારીગર કિયે છે કે આવી નઈ, માથા વનાનીં ખીલીયં જોંઈ છીં… કેમકે પ્લાયવુંડ પર ફોરમાંઈકા લગાવરાવુ છે… આમાં ને આમાં માંરી છંટકી ગંઈ ! મેં કીધું લે, આ સ્કુંટરનીં ચાંવી... ને લયાંવ તંને જોંઈતી હોય એવીં માથાં વનાની ખીલીયું… ને બસ, ઓલ્યો કાંરીગર સ્કુટર લઈનેં ગ્યોં ઈ ગ્યોં !’
ઇન્શ્યોરન્સનો એજન્ટ બોલ્યો : ‘કાકા, આમં તમારો ક્લેમ પાસ નો થાય, કેમકે સ્કુટર લઈ જનાર તમારો ઓળખીતો હતો અને વાહનની ચાવી તમે જાતે આપી છે ! આ ચોરીનો નહીં, ચારસો વીસનો કેસ ગણાય. છતાં એક કામ કરો, પોલીસમાં ફરિયાદ કરો…’
ગુણવંતરાય ગયા પોલીસ સ્ટેશન ! પોલીસ પૂછે છે કે ‘કેમ કરતાં ચોરાયું સ્કૂટર ?’
ગુણવંતરાયે આખી સ્ટોરી એકડે એકથી કરવા માંડી ‘પચ્ચીસ પાંચનાં સ્ક્રુના બદલેં પંદર પાંચનાં સ્ક્રુ… મોટા આંટાવાળાને બદલેં નાના આંટાવાળાં… ગોળ માથાંવાળાં નહીં પણ ષટકોણ માથાંવાળાં… અને માથાંવાળીં ખીલીયું નંઈ પણ માથાં વિનાંની…’
આખી રામાયણ સ્ટોરી સાંભળીને સાહેબનું માથું ફરી ગયું !
એમણે અકળાઈને પૂછ્યું ‘કાકા, પંદર-પાંચ અને પચ્ચીસ-પાંચની ક્યાં માંડો છો ? તમારા સ્કુટરનો નંબર શું છે, ઈ બોલો ને ?’
હવે ગુણવંતરાય ગુંચવણા ! ધીમેથી બોલ્યા : ‘નંબર તોં હજીં લીધોં જ નોંતો નેં… કેમકે-’
પોલીસ ઇન્સ્પેક્ટર બગડ્યા. ‘કાકા નંબર વિનાના સ્કુટરને અમારે ગોતવું કેમ કરીને ? અને ઓલ્યા કારીગર ચંદુનું નામ ચંદુ જ હશે એની શી ખાતરી ? વળી ઈ ચંદુડાએ નવી નંબર પ્લેટ નહીં બનાવરાવી હોય ? અને ઇ ચંદુડો કાઈ મુરખના પેટનો છે કે આ એરિયામાં મોઢું બતાડતો ફરતો હશે ?’
છતાં, જીદ કરીને અમારા ગુણવંતરાયે પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ તો આપી જ આપી.
પણ થયું શું ? પોલીસની ભાષામાં કહે છે તેમ એ ફરિયાદ ‘શ્રી’ થઈ જ નહીં… કેમકે એમાં મૂળ કારણ શું ?
તો કહે છે કે ઓલી ‘માંથાં વિનાંની ખીંલીયું !’
***
(કથાબીજ : ગૌતમ પટેલ - અમદાવાદ)
વાચક મિત્રો, આપના ધ્યાનમાં આ પ્રકારના રમૂજી કિસ્સા હોય તો તે પત્ર દ્વારા અથવા ઈમેલ કરીને મોકલી શકો છો.
ઇમેઇલ : havamagolibar@gujaratsamachar.com
પત્ર માટે : ગુજરાત સમાચાર કાર્યાલય, ખાનપુર, અમદાવાદ-૧
અથવા ડાયરેકટ મને મોકલી શકો છો
E-mail : mannu41955@gmail.com
સરસ કિસ્સો, મઝા આવી
ReplyDeleteમસ્ત, ...
Delete