લો, વધુ એક પૂલ તૂટી પડ્યો ! બિચારા અંગ્રેજો મુરખા હતા કે હાવરા બ્રિજ જેવા સો-સો વરસ લગી ટકી રહે એવા પૂલો બાંધતા હતા !
આજે રિ-સાયકલીંગનો જમાનો એટલો બધો આગળ વધી ગયો છે કે આપણે અમદાવાદમાં હાટકેશ્વર જેવા પૂલો બાંધી દીધા છે, જેના ઉદ્ઘાટન પહેલાં જ એને તોડીને ‘રિ-સાઈકલ’ કરવાનો છે !
પણ આ તો કંઈ નથી. હવે તો એવો સમય આવશે કે…
***
મંત્રીશ્રી નવા બંધાયેલા પૂલનું લોકાર્પણ કરવા માટે ત્યાં નાળિયેર ફોડવા જતા હશે ત્યાં જ પૂલનો કોન્ટ્રાક્ટર એમને રોકતાં કહેશે :
‘સાહેબ, નાળિયેર ના ફોડા ! ક્યાંક પૂલ તૂટી પડ્યો તો તમારો જ વાંક આવશે !’
***
પૂલ ઉપર તમે દાખલ થાવ ત્યાં ત્રણ પાટિયાં મારેલાં હશે :
‘દુર્ઘટના ઝોન’
‘સાવધાન યહ પૂલ ભાજપ સરકાર દ્વારા બનાયા ગયા હૈ !’
‘બાદ મેં મત કહના કિ બોલા નહીં થા !’
***
એ તો ઠીક, આજકાલ જે રીતે ટોલ-ટેક્સ પાસે નાનાં નાનાં ટેબલ લઈને ‘ફાસ્ટેગ’વાળા બેઠાં હોય છે એ જ રીતે આવનારા દિવસોમાં એવાં નાનાં નાનાં ટેબલો પર આવા બનેરો લાગ્યાં હશે :
‘આગળ પૂલ છે એ પહેલાં વીમો કરાવી લો..’
‘જીવનવીમો પ્લસ વાહન વીમો… માત્ર ૨૦૦ રૂપિયામાં બે લાખનો કમ્બાઈન વીમો ઉતરાવી લો ! (વેલીડીટી : પૂલ પાર કરવા સુધી જ.’)
‘એલઆઈસી પૂલ-બીમા : પૂલ કે સાથ હી, પૂલ કે બાદ નહીં !’
***
પણ હા, એક દિવસે એક કોન્ટ્રાક્ટરનું જાહેર સન્માન થતું હશે !
સ્ટેજ ઉપર મોટાં મોટાં બેનરો લાગ્યાં હશે ‘છેલ્લાં ૨૦ વરસમાં અમે બાંધેલા ૫૦ પૂલોમાંથી એક પણ પૂલ તૂટ્યો નથી !’
એક પત્રકારને નવાઈ લાગશે ‘સાલું, આ તો ગજબ છે !’
ત્યારે બાજુમાં ઊભેલો મંત્રીશ્રીનો ચમચો કહેશે : ‘એમાં ગજબ શું ? પચાસે પચાસ પૂલ ‘ઓન પેપર’ બનેલા છે !’
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment