ઉડતા સમાચાર, ઉડતાં તીર !

પહેલગામ હુમલા પછી ન્યુઝ ચેનલો અને સોશિયલ મીડિયામાં એટલી બધી ઉડતી ખબરો આવી રહી છે કે એમાંથી ઉઠતા સવાલો પણ એવાં જ ઉડતાં તીર જેવાં છે !

*** 

શિવસેના (યુબીટી)ના નેતા સંજય રાઉત કહે છે કે પહેલગામનો હૂમલો એ મુસ્લિમો સામેના ધિક્કારનું પરિણામ છે !

- અચ્છા ? તો ૨૬/૧૧નો મુંબઈ પર થયેલો હુમલો શું વધારે પડતા પ્રેમનું પરિણામ હતું ?

*** 

અમિતાભ બચ્ચને પહેલગામ હુમલા બાદ પોતાના ‘એક્સ’ એકાઉન્ટમાં ટ્વીટ નંબર સિવાય કશું લખ્યું જ નહીં ! આના કારણે નેટિઝનો ખૂબ ગુસ્સામાં છે….

- અરે શાંતિ રાખો યાર ? જરા સમજો, એમના ઘરમાં જે ‘હોમ મિનિસ્ટર’ બેઠાં છે, એ કઈ પાર્ટીનાં છે !

*** 

પહેલગામ હુમલા પછી અચાનક ચેતી ગયેલી પાકિસ્તાની સેનાનાં ફાઈટર વિમાનો ‘સ્ટેન્ડ-ટુ’ સ્થિતિમાં ગોઠવાઈ ગયું છે ! આર્મીએ ભારતના હુમલા માટે તૈયારી કરી નાંખી છે !

- લો બોલો, ફક્ત ત્રણ જ આતંકવાદીઓએ પાકિસ્તાની આર્મીની ‘લેફ્ટ-રાઈટ’ લઈ નાંખી ને ?

*** 

ભારતે સિંધુ જળ-સંધિ અટકાવી પછી પાકિસ્તાને હુંકાર કર્યો છે કે અમે શિમલા કરાર પણ તોડી નાંખીશું !

- એક મિનિટ, શિમલા કરાર તો ભારત-પાક વચ્ચેની સરહદ ક્રોસ નહીં કરવા વિશેનો છે ને ? હકીકતમાં તો ડર એ છે કે ક્યાંક ભારત એ બોર્ડર ક્રોસ કરીને અંદર ઘૂસી ના આવે !

*** 

પત્રકાર રાજદીપ સરદેસાઈ લખે છે કે કલમ ૩૭૦ હટાવ્યા પછી પણ કાશ્મીરમાં સ્થિતિ ‘સામાન્ય’ નથી થઈ…

- ચિંતા ના કરો રાજદીપભાઈ ! કાશ્મીરનું ટુરિઝમ અટકી પડશે અને અઢી લાખ કાશ્મીરીઓ બેરોજગાર બનશે ત્યારે પેલી ‘સામાન્ય’ સ્થિતિ પાછી આવી જ જશે !

*** 

એક મહિલા પત્રકારે વિડીયો મુક્યો છે કે પહેલગામ હુમલાને ધાર્મિક રંગ આપીને ખરેખર તો મોદીને જ ફાયદો કરાવાઈ રહ્યો છે !

- ઓહો ? મતલબ કે ૧૯૯૬થી ચાલી રહેલો આતંકવાદ તો આખરે ‘હિન્દુ’ જ નીકળ્યો ! હેં ? ૧૯૮૯માં કાશ્મીરી પંડિતોને ભગાડનાર પણ ‘સંઘ’ જ હશે નહીં ?... જેથી મોદીને ૨૦૨૫માં ફાયદો થઈ જાય ! વાહ રે વાહ !

***

- મન્નુ શેખચલ્લી

Comments