પહેલગામ હુમલા પછી અમુક સમાચારો એવા આવી રહ્યા છે કે તેના સાચા ખુલાસા મળતા જ નથી ! એટલે અમે હવે ‘ફેક’ ખુલાસા કરવા માંડ્યા છે ! એન્જોય કરો…
***
ભારત યુદ્ધ કરશે એવા ડરથી ૫૦૦૦ જેટલા પાકિસ્તાની સૈનિકો રાજીનામું આપીને ઘરભેગા થઈ ગયા છે !
હકીકતમાં એ સૈનિકો કેટલા ‘સ્વમાની’ છે ! એ લોકો ભારતના હાથે મરવાને બદલે જાતે જ, પાણી વિના, લોટ વિના અને ‘બૂલેટ’ વિના મરવાનું પસંદ કરશે !
***
ઔવેસી કહે છે કે પાકિસ્તાન યુદ્ધની શેખી મારવાનું બંધ કરે ! એમના આખા દેશ કરતાં ભારતીય સેનાનું બજેટ મોટું છે !
હકીકતમાં ઓવૈસી પોતે જલી રહ્યા છે ! કેમકે ન તો એમને પાકિસ્તાનના બજેટમાંથી કંઈ મળી રહ્યું છે, કે ન તો ભારતીય સૈન્યના બજેટમાંથી !
***
પાકિસ્તાન કહે છે કે પહેલગામના હુમલા પાછળ કોણ છે તેની તપાસ ચીન અને રશિયા દ્વારા થવી જોઈએ !
હકીકત એ છે કે ખૈબર પખ્તુનવામાં ૩૦૦ સૈનિક ભરેલી આખેઆખી ટ્રેન ઉડાવી દેવામાં આવી એની તપાસ તો જાતે કરી શકતા નથી ! એટલે હવે નિષ્પક્ષ તપાસ કરાવવી છે…
***
પાકિસ્તાન પ્રિમિયર લીગમાં રમી રહેલા વિદેશી ખેલાડીઓ હવે પાકિસ્તાન છોડીને જતા રહેવા માગે છે.
કારણ કે એમને ઓવૈસી થકી જાણવા મળ્યું છે કે ક્રિકેટરોને જે પૈસા આપવાના હતા એ તો યુદ્ધ વિમાનોમાં પેટ્રોલ ભરવામાં જ પુરા થઈ ગયા છે !
***
ભારતે ૨૬ નવાં રાફેલ ફાઈટર વિમાનોનો ઓર્ડર આપીદીધો છે. ભારત પાસે ઓલરેડી ૩૨ રાફેલ વિમાનો તો છે જ !
આ આખો નવો પ્લાન છે ! હવે પેલા છૂટક છૂટક આતંકવાદીઓને ગોળી મારવા માટે ડાયરેક્ટ રાફેલ વિમાનો ઉડાડવામાં આવશે !
***
ભારતમાં ૨૦-૨૦ વરસથી રહેતા પાકિસ્તાની નાગરિકોને અરજી કરવા છતાં ભારતનું નાગરિકત્વ મળ્યું નથી !
આનો ખુલાસો સાવ સિમ્પલ છે ! અહીં ૨૦ કલાકમાં આધારકાર્ડ અને મતદાર કાર્ડ તો મળી જાય છે ! પછી નાગરિકત્વનું તમારે શું કામ છે ? તમે સોનિયાજીને પૂછી જુઓ…
એમને પણ ક્યાં ઉતાવળ હતી ?
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment