કહેવાય છે કે કોઈ માણસ ‘પરણેલો’ પણ હોય અને ‘સુખી’ પણ હોય એવું ભાગ્યે જ બને છે ! જોકે એ સિવાયનું ઘણું એવું છે જે તો તમારે માનવું જ પડશે કે…
***
કોઈ નેતા ‘ઇમાનદાર’ હોય, અને કોઈ વકીલ ‘સત્યવાદી’ હોય..
એવું ભાગ્યે જ બને !
***
કોઈ કરિયાણાની દુકાનવાળો ‘કવિ’ હોય અને કોઈ પસ્તીનો વેપારી ‘લેખક’ હોય…
- એવું ભાગ્યે જ બને !
***
કોઈ ઐતિહાસિક સ્થળનો ગાઈડ ‘ઇતિહાસ’ વિષયમાં પાસ થયેલો હોય અને પુરાણાશાસ્ત્રોમાંથી વિજ્ઞાનના પ્રયોગો શોધી આપનારા જ્ઞાની ‘સાયન્સ ગ્રેજ્યુએટ’ હોય…
- એવું ભાગ્યે જ બને !
***
એમ તો ફ્રી ઓફરમાંથી ‘ફૂદડી’ ના નીકળે… અને ફૂદડીમાંથી ‘શરતો લાગુ’ ના નીકળે…
- એવું ભાગ્યે જ બને !
***
આઈપીએલની મેચો ‘સિકસરો’ વિનાની નીકળે અને મોટાભાગનાં રિઝલ્ટો ‘ફિકસરો’ વિનાનાં નીકળે…
- એવું પણ ભાગ્યે જ બને !
***
ફ્રેશ ટોમેટો કેચઅપમાં ‘ટામેટાં’ હોય અને ‘કોકોનટ બિસ્કીટ’માં થોડુંક નાળિયર પણ હોય…
- એવું ભાગ્યે જ બને !
***
લગ્નમંડપમાં બેઠેલી કન્યાનો ફોટો, અને દસ દિવસ પછી કીચનમાં કામ કરતી એજ કન્યાનો ફોટો ‘સેમ’ હોય…
- એવું ભાગ્યે જ બને !
***
શેરબજારના ખેલાડીને ‘બીપીની’ તકલીફ ના હોય, અને આજની ટીનએજર જનરેશનને ‘ડિપ્રેશન’ની તકલીફ ના હોય…
- એવું ભાગ્યે જ બને !
***
બાકી કોઈ મોદીજીનો ‘ભક્ત’ હોય છતાં વોટ રાહુલજીની કોંગ્રેસને આપી આવ્યો હોય..
- એવું ભાગ્યે જ બને !
(કેમકે એનાથી ઊંધુ, રાહુલજીનો ભક્ત રાતોરાત ભાજપમાં જોડાઈને મોદીજીને વોટ આપી આવે એવું તો વારંવાર બને જ છે.)
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment