'સંગમ'માં આખો મર્ડર પ્લાન હતો ?

ભલે ‘સંગમ’ પહેલી એવી ફિલ્મ હતી જેમાં બબ્બે ઇન્ટરવલ પડતા હતા, ભલે પહેલી એવી ભારતીય ફિલ્મ હતી જેનું ઘણું બધુ શૂટિંગ યુરોપના ત્રણ-ચાર દેશોમાં થયું હતું, અરે, ભલે એવી એકમાત્ર સુપરહિટ ફિલ્મ છે કે આજે ૪૦ વરસ પછી પણ તેના એક સુપરિહટ ગાયનની ધૂન પરથી બનેલું ભજન આજે પણ ગુજરાતનાં મંદિરોમાં ગવાય છે !

જી હા, ‘મેરે મન કી ગંગા’ની ધૂન ઉપરથી એ જમાનાના પ્રખ્યાત નંદુ ભગતે બનાવેલું ભજન ‘વારેવારે અવસર નહીં આવે રે ફરી, બોલ માનવ બોલ, કૃષ્ણ ગોવિંદ હરિ..’ આજે પણ મંદિરોમાં ડોશીઓ મોજથી ગાય છે ! એમાંથી અમુકને તો ખબર પણ નથી કે ફિલ્મમાં એ ગાયન વખતે વૈજયંતિમાલા માત્ર બિકીની પહેરીને સ્નાન કરી રહ્યાં હતાં !

*** 

એમ તો, ‘સંગમ’માં આપણા કોલમિયા વિવેચકો લખતા હોય છે એવો એક ‘મેટાફર’ પણ છે ! શું છે એ ‘મેટાફર’ ? 

તો જુઓ, ફિલ્મનાં મુખ્ય પાત્રોનાં નામો શું છે ? ગોપાલ, રાધા અને સુંદર, બરોબર ? હવે પુરાણકથાનો સંદર્ભ લ્યો તો પણ રાધા કદી કૃષ્ણને (એટલે કે ગોપાલને) પરણી શકી નહોતી, છતાં તે કૃષ્ણના દેવસ્વરૂપ (યાને કે સુંદર, શ્યામસુંદર)ને જીવનભર પોતાના સ્વામી માનતી રહી હતી. બરોબર ? 

તો ફિલ્મમાં પણ એજ છે ને ? રાધા (વૈજયંતિમાલા) ગોપાલને (રાજેન્દ્રકુમારને) પ્રેમ તો કરે છે પરંતુ પોતાના પતિ તરીકે તન, મન અને આત્માથી કોને સ્વીકારી લે છે ? સુંદરને ! (રાજકપૂરને)

*** 

ચાલો, એ મેટાફર - બેટાફરને આઘો મુકો તો પણ ‘સંગમ’માં એક ચોંકાવનારી વાત એ છે કે રાજકપૂરે રીતસર રાજેન્દ્રકુમારના ‘આપઘાત’નો પ્લાન બનાવ્યો છે !

હવે, આમ ચોંકી જવાની જરૂરી નથી, મિ. લોર્ડ ! કેમકે તમને જો આજે પણ ફિલ્મ યાદ હોય તો એની સ્ટેપ બાય સ્ટેપ મોડસ ઓપરેન્ડી સમજાઈ જશે…

*** 

સૌથી પહેલી વાત તો એ કે સુંદર (રાજકપૂર) છેક બાળપણથી જાણતો હતો કે રાધા ગોપાલને જ પ્રેમ કરે છે.

અને યુવાન થયા પછી ‘મેરે મન કી ગંગા’ ગાયન ગાતાં પહેલાં ઝાડ ઉપર બેઠેલો સુંદર શું કહે છે ? ‘રાધા, મેરે દિલ કી બાત તો સુન લો ? માન લો કી યહ ગાના ગોપાલ ગા રહા હૈ !’ આનો મતલબ શું થયો ? કે ભાઈસાહેબ, બહુ પરફેક્ટલી જાણે છે કે રાધાના દિલમાં તો ગોપાલ જ છે !

*** 

એથી પણ આગળ, એક સીનમાં તે પોતે સગી આંખે જુએ છે કે રાધાએ ગોપાલને પહોંચાડવા માટે ધાબા પરથી નાંખેલો લેટર ઝાડમાં ફસાઈ ગયો છે. છતાં એ પત્ર જાણે રાધાએ પોતાના માટે લખ્યો હોય એમ ઢંઢેરો પીટી નાંખે છે !

એટલું જ નહીં, ‘મુઝે હિન્દી નહીં આતી’ એવું બહાનું કાઢીને ખુદ ગોપાલ પાસે એ લેટર મોટેથી વંચાવડાવે છે ! (આમા બિચારા ગોપાલને એટલો બધો ઇન્ટ્રોવર્ટ બતાડ્યો છે કે તે રાધા આગળ પ્રેમનો ‘પ’ પણ બોલી શકતો નથી.)

*** 

મિ લોર્ડ, આ બે ઘટનાઓનો ઉલ્લેખ એટલા માટે કર્યો કે સુંદર રાધાની સાથે લગ્ન કરતાં પહેલાં જ બધું જાણતો હતો ! પરંતુ એના ‘મર્ડર પ્લાન’ અથવા આત્મહત્યાની ‘દુષ્પ્રેરણા’નો અસલી ખેલ લગ્ન પછી શરૂ થાય છે… (હવે ધ્યાનથી વાંચજો !)

*** 
સ્ટેપ નંબર વન : યુરોપમા હનીમૂન પર ગયા પછી રાધા સંપૂર્ણપણે સુંદરમય બની ગઈ છે એની ખાત્રી કર્યા પછી સુદંર જીદ કરીને ગોપાલને ત્યાં બોલાવે છે ! એટલું જ નહીં, વારંવાર બંનેને એકલા મુકીને જતો રહે છે જેથી બંને જણા ‘ઓકવર્ડ’ હાલતમાં ફસાઈ જાય… ટુંકમાં ‘ગિલ્ટી ફિલીંગ’ની શરૂઆત.

*** 

સ્ટેપ નંબર ટુ : સુંદર ગોપાલને પોતાના ઘરે બોલાવે છે અને વાર્તા સંભળાવે છે કે ‘આર્મી’માં મારો એક સાથી હતો, એના ખાસ દોસ્તે એની પ્રેમિકા સાથે પરણીને કેવો દગો કર્યો...’ એવી આખી કરુણ દાસ્તાન સંભળાવે છે. અને ઉપરથી ‘દોસ્ત દોસ્ત ના રહા, પ્યાર પ્યાર ના રહા’વાળું ગાયન ગાય છે !

એટલું જ નહીં, ગાયન પતે ત્યારે સુંદર પોતાનું માથું પિયાનોમાં પછાડીને ધ્રુસકે ધ્રુસકે રડવાનું નાટક કરે છે ! પાછળ બેઠેલાં બિચારાં રાધા અને ગોપાલ હવે ફૂલ ‘ગિલ્ટ’માં !

ત્યાર બાદ જાણે ઘા ઉપર મીઠું ભભરાવતો હોય એમ સુંદર કહે છે ‘ઇસ સે તો અચ્છા હોતા વો દોસ્ત મર જાતા !’ 

જોયું ? અહીં જ સુંદર ગોપાલના દિમાગમાં આત્મહત્યાનું ‘બીજ’ રોપી રહ્યો છે !

*** 

સ્ટેપ નંબર થ્રી : રાધાના કબાટના લોકરમાં સંતાડેલો ગોપાલનો પ્રેમપત્ર મળી આવે છે ત્યારે રાજકપૂર ‘હિન્દી’માં વાંચવા લાગે છે ! ‘યે મેરા પ્રેમપત્ર પઢકર..’ વગેરે ! 

અરે ભાઈ, અગાઉ તો ‘મુઝે હિન્દી નહી આતી’ એવું કહીને રાધાનો પત્ર ગોપાલ પાસે વંચાવડાવ્યો હતો ! હવે છેક યુરોપ જઈને હિન્દીના ક્લાસ ભરી આવ્યા ?

*** 

સ્ટેપ નંબર ફોર : એ પ્રેમપત્ર મળ્યા પછી સુંદર વારંવાર પિયાનો પર ‘દોસ્ત દોસ્ત ના રહા…’ ગાવા બેસી જાય છે ! એનો હેતુ શું છે ? બિચારી, રાધા ઉપર સતત ટોર્ચર કરતા રહેવાનું !

અહીં એક આડવાત પણ ઉમેરી લેવા જેવી છે કે ગીતકાર શૈલેન્દ્ર અને હસરત જયપુરીને આ મોડસ ઓપરેન્ડીની પહેલેથી જ ખબર હતી ! એટલે જ શૈલેન્દ્રએ ‘હર દિલ જો પ્યાર કરેગા’ ગાયનમાં ગોપાલના અંતરામાં શું લખ્યુ છે ? ‘ખામોશી કા યે અફસાના રહ જાયેગા બાદ મેરે…’ અરે ભાઈ, ‘બાદ મેરે એટલે શું ? મરી ગયા પછી જ ને ?’

એ જ રીતે હસરત જયપુરીએ ‘યે મેરા પ્રેમપત્ર’… ગીતમાં લખ્યું છે ‘અગર મર જાઉં, રૂહ ભટકેગી તેરે ઇન્તેજાર મેં !’ (અર્થાત્‌ ગોપાલમાં પહેલેથી જ ‘સૂસાઈડલ ટેન્ડન્સી’ હતી !)

*** 

સ્ટેપ નંબર ફાઈવ : રાધાએ ફાડી નાંખેલા પ્રેમપત્રના ટુકડા જોડ્યા પછી સુંદર શું કરે છે ? રાધાની સામે જ પોતાની રિવોલ્વર કાઢીને ધમકી આપે છે ‘મૈં ઉસે માર ડાલુંગા ! બતા દો કૌન હૈ વો ?’ 

એટલું જ નહીં, વચ્ચે વચ્ચે સુંદર ગોપાલ આગળ પોતાની પીડા કહેવાને બહાને કહેતો રહે છે કે 'રોયેંગે તો યાર કે કંધે પર, જાયેંગે તો યાર કે કંધે પર...' (આ પોતાના યાર માટે જીવ આપી દેવાની હિન્ટ નથી તો બીજું શું છે?)

*** 

સ્ટેપ નંબર સિક્સ : એ નાટકબાજીની શું અસર થાય છે ? રાધા સુંદરના હાથમાંથી રિવોલ્વર છીનવી લે છે અને રિવોલ્વલ રઈને સીધી ક્યાં જાય છે ? ગોપાલ પાસે !

મતલબ કે ગોપાલના દિમાગમાં ‘ગિલ્ટ’ તો હતો જ, હવે આત્મહત્યા કરવાનું ‘હથિયાર’ પણ પહોંચી ગયું !

*** 

સ્ટેપ નંબર સેવન : (ફાઈનલ સ્ટેપ) 
હથિયાર ગોપાલ પાસે  પહોંચી ગયું છે એની ખાત્રી થતાં જ સુંદર ગોપાલના ઘરે ધસી આવે છે ! અહીં એ રડારોડ, કકળાટ અને ડ્રામાબાજી કરતાં કહે છે ‘ગોપાલ તુમ મુઝે ગોલી માર દો, તાકિ ઇસ કહાની કા અંત હો જાય !’

જોયું ? આને કહેવાય અલ્ટીમેટ સુસાઈડ ‘સજેશન’ ! (જે આજના મોબાઈલનાં અમુક એપ્સ કરી રહ્યાં છે.) અને છેવટે ‘ધી એન્ડ’ શી રીતે આવે છે ? ગોપાલ જ પોતાની જાતને ગોળી મારી દે છે ! પત્યું ?

હજી અમારી થિયરી ઉપર ભરોસો ના બેસતો હોય તો મોબાઈલમાં ‘સંગમ’નો છેલ્લો એક કલાક જોઈ લેજો.

***

ફિલ્મની જાણી અજાણી વાતો...

* ૩ કલાક ૫૦ મિનિટ લાંબી ફિલ્મનું એડિટીંગ રાજકપૂરે જાતે જ કર્યું હતું.

* ૧૯૬૪માં રિલીઝ થયેલી ‘સંગમ’ માત્ર આઠ લાખમાં બની હતી અને અધધ આઠ કરોડ કમાઈ હતી.

* યુરોપમાં ફિલ્માયેલા અંગ્રેજી કમ ફ્રેન્ચ ગાયન ‘ઇશ લાબે દુ’ની ધૂન રાજકપૂરે ‘રામ તેરી ગંગા મૈલી’ના ગાયન ‘સુન સાયબા સુન’મા ફરી વાપરી છે.

* એ જ રીતે યુરોપના દ્રશ્યો ઉપર બેકગ્રાઉન્ડમાં વાગતી એક ધૂનનો ઉપયોગ વરસો પછી ‘લેજા લેજા લેજા મેરા દિલ’ ગાયનમાં શંકર જયકીશને ફરી કર્યો છે.

* વૈજયંતિમાલાના તમામ વસ્ત્રોની ડિઝાઈન ‘ગાંધી’ ફિલ્મથી પ્રખ્યાત થનાર ભાનુ અથૈયાએ કરી હતી.

* રાધાના રોલ માટે વૈજયંતિમાલાએ હા નહોતી પાડી ત્યારે રાજકપૂરે ટેલિગ્રામ કર્યો હતો : ‘બોલ રાધા બોલ, સંગમ હોગા કે નહીં ?’ જેના ઉપરથી સુપરહિટ ગાયન લખાઈ ગયું !

***

-મન્નુ શેખચલ્લી 

Comments