‘સત્યમ્ શિવમ્ સુંદરમ્’ને રાજ કપૂરની એકમાત્ર સૌથી ખરાબ ફિલ્મ શા માટે ગણવી જોઈએ ?
અથવા તો એમ પૂછો કે રાજ કપૂર જેવા ધુરંધર સર્જકના હાથમાંથી આખી ફિલ્મ આટલી ખરાબ રીતે છટકી ગઈ એનું કારણ શું ? તો સાહેબો, કારણ તો એક જ લાગે છે. અને એ છે ઝિનત અમાન !
***
મૂળ તો આ વિષય રાજ સાહેબના મનમાં વરસોથી પડ્યો હતો પરંતુ ‘બોબી’ હિટ ગયા પછી જ્યારે એમણે હિરોઈન તરીકે ‘બોબી’ની જ હિરોઈન ડિમ્પલ કાપડીયાને ઓફર આપી ત્યારે ડિમ્પલબેન રાજેશકાકાને પરણીની ડિમ્પલકાકી બની ગયાં હતાં. (રાજેશ ખન્નાને બધા ‘કાકા’ કહેતા હતા એ હિસાબે ‘કાકી’… પાચા તમે કંઈ ઊંધું ના સમજતા) એટલે ડિમ્પલે ના પાડી.
એમ તો ‘સપનોં કા સૌદાગર’માં હેમા માલિનીને પહેલો બ્રેક આપવાના નાતે રાજ સાહેબે હેમાજીને પણ એપ્રોચ કરેલો. પણ હેમાજીને ધરમપાજી જોડે જોરદાર ‘ઈલુ ઈલુ’ ચાલતું હતું. એવામાં જો પોતે બ્લાઉઝ વિનાની સફેદ સાડી લપેટીને કેમેરા સામે ઊભી રહે તો ? પછી ધરમપાજી ‘કૂત્તે… કમીને… મૈં તેરા ખૂન પી જાઉંગા…’ કરતાં ધસી જ આવ્યા હોત ને ?
આમાંને આમાં ના-છૂટકે રાજસાહેબે ઝિન્નત અમાનનું કાસ્ટિંગ કરી નાંખ્યું હશે ! અને આખી ફિલ્મનો ઘડો લાડવો એમાં જ થઈ ગયો !
કેમકે રાજ સાહેબને શૂટિંગના પહેલા જ દહાડે સમજાઈ ગયું હશે કે બહેનના મોં ઉપર હાવભાવ લાવવા એ લોઢાના ચણા ચાવવા જેવું છે ! તો પછી બીજો રસ્તો શું રહ્યો ? એ જ કે મોં સિવાયના ડિપાર્ટમેન્ટો તરફ વધારે ધ્યાન આપવું ! બસ, આમાં ને આમાં…
***
યસ, આમાં ને આમાં આખી ફિલ્મમાં તમામ લોજિક માળિયામાં ચડાવી દેવામાં આવ્યાં. તમે ગણતા જ જાવ…
સૌથી પહેલું તો એ કે ભૈશાબ, આ રૂપા (ઝિનત અમાન) ગામના એક બ્રાહ્મણ ભજનકારની એકની એક દિકરી છે. ભલે એને ‘અભાગણી’ કહેતા હોય, પણ શું એના કારણે એનો બાપ એને બે-ચાર સરખાં બ્લાઉઝ પણ ના સીવડાવી આપે ?
***
અને એવો તે કેવો ભજનકાર બ્રાહ્મણ બાપ, કે એની જવાનજોધ દિકરી ફક્ત એક સફેદ સાડીમાં આખા ગામને શારિરીક ‘દર્શન’ આપવાની હોય તેમ મંદિરનાં પહેલા થાંભલે ઊભી જ હોય, તો એને ખખડાવે ય નહીં ?
અરે, બ્લાઉઝ ઇસ્ત્રીમાં આપ્યું હોય તો જઈને અરજન્ટમાં લઈ આવે ! અથવા કમ સે કમ ધોબીને ઘઘલાવી નાંખે ! પણ આવું સાવ ‘ઉઘાડું’ મંદિરમા ચાલતું હશે ?
***
એક તો રૂપાનો દરજી પણ મુંબઈની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમા આઈટમ સોંગ પર નાચ કરનારીઓનાં બ્લાઉઝો સીવતો હશે ! કેમકે એકપણ બ્લાઉઝનું ગળું, જે ઢાંકવાનું છે એ તો ઢાંકતું જ નથી !
***
મને તો એ ગામના લોકો માટે પણ સખ્ખત નવાઈ લાગે છે ! પહેલાં તો એવો જ વિચાર આવતો હતો કે રૂપાનું આવું ‘રૂપ’ જોઈને ગામના એકાદ વિલનનો ‘ડોળો’ બગડશે ! અને તે રૂપા ઉપર બળાત્કાર કરવા જતો હશે ત્યારે શશી કપૂર ‘ઢીશૂમ ઢીશૂમ’ કરતો આવી પહોંચશે !
પણ અફસોસ, આખા ગામમાં એવા ‘ડોળાવાળો’ એકેય વિલન જ નથી ! પછી તો અમને ફૂલ ડાઉટ થઈ ગયો કે બોસ, એ ગામના તમામ લોકોની આંખે કાં તો ‘મોતિયો’ આવી ગયો છે અથવા ભગવાનની કોઈ મેન્યુફેક્ચરીંગ ડિફેક્ટના કારણે સૌની ‘આંખો આડા કાન’ આવી ગયા છે !
***
ફિલ્મની સ્ટોરી શું છે ? બાળપણમાં પુરી તળવા જતાં તાવડામાંથી ઉડેલા ઉકળતા તેલથી રૂપાનો ચહેરો દાઝી ગયો છે. (એ સીન પછી જ નાની રૂપા, યાને કે પદમિની કોલ્હાપુરી પાસે ‘બ્લાઉઝ-ત્યાગ’ કરાવીને રાજ સાહેબે સફેદ સાડી પહેરાવી દીધી છે ! માર્ક કરજો.)
હવે ગામમાં નવા આવેલા એન્જિનિયર બાબુ (શશીકપૂર) આ યુવાન રૂપાનું ફેસ સિવાયનું ઉઘાડું રૂપ જોઈને એટલો ઘેલસઘરો બની જાય છે કે ડાયરેક્ટ એના બાપના ઘરે જઈને રૂપાનો હાથ માગી બેસે છે.
પણ લગ્નની પહેલી જ રાતે ફેસ પરનો પેલો ડાઘ જોઈને તે ચીસ પાડે છે ‘તુમ મેરી રૂપા નહીં હો !’ (આનું એક કારણ એ હોઈ શકે કે એન્જિનિયર બાબુને ડાઉટ હશે કે ફિલ્મમાં રૂપાનો ડબલ-રોલ હશે.)
પોતાના પતિનો આ ડબલ-રોલનો ભ્રમ રૂપા ચાલુ રાખે છે અને તે રાતના સમયે ઘરની બહાર ઝાડીઓના અંધારામાં જઈને એન્જિનિયર બાબુ સાથે ડબલ-રોલમાં ‘લવ’ કરતી રહે છે ! બોલો.
આ જ આઈડીયા ઉપરથી જો બીજી રૂપાનું ભૂત બતાડીને હોરર સ્ટોરી બનાવી હોત તો વધારે મજા પડી હોત ! શું કહો છો? કેમકે આખા ગામને આ ‘ઉઘાડે છોગ’ ફરતી રૂપા તો ‘દેખાતી’ જ નથી ને ?
***
અને તમે માનશો ? ‘સત્યમ્ શિવમ્ સુંદરમ્’ જેવી જ સ્ટોરી આજના મોબાઈલ યુગમાં પણ બની રહી છે ! કઈ રીતે ?
અરે, બિચારો છોકરો પેલી છોકરીની મસ્ત ફિલ્ટર મારેલી સેલ્ફીઓ જોઈ-જોઈને પ્રેમમાં પડી જાય છે ! પછી લગ્ન વખતે પણ છોકરી પેલી બ્યુટિપાર્લરવાળીએ ડાચા પર લગાડેલી મેકપના થથેડા વડે બિલકુલ ‘બાર્બી ડોલ’ જેવી જ દેખાય છે ! છોકરો સમજે છે કે હું તો ‘પરી’ પરણીને ઘરે લાવ્યો છું…
અને જ્યારે બીજે દહાડે છોકરી સવારે ઊઠીને મોં ધૂએ… પછી બિચારો છોકરો બૂમો જ પાડે ને, કે ‘નહીંઈંઈંઈં તુમ મેરી રૂપા નહીં હો !’
***
ફિલ્મ પાછળ રાજ સાહેબની મૂળ થિમ એવી હતી કે ‘સુંદરતા તો સૌંદર્ય માણનારની નજરમાં રહેલી છે.' આ હિસાબે ૧૯૭૮માં જે લોકો ટિકીટ લઈને ગયા હતા તેઓ આ ફિલ્મમાં શું જોવા ગયા હતા ? વિચારી જોજો.
છેલ્લે જણાવી દઈએ કે એ બાબતમાં કોલકતાના પ્રેક્ષકો સૌથી રસિક નીવડ્યા, કેમકે ત્યાંના એક થિયેટરમાં આ ફિલ્મ સૌથી વધુ એટલે કે ૩૯ સપ્તાહ સુધી ચાલી હતી ! બોલો.
***
ફિલ્મની જાણી અજાણી વાતો
* ‘સત્યમ્ શિવમ્ સુંદરમ્’ સામે ‘ઓબ્સેનિટી’ યાને કે ‘બિભત્સતા’નો કેસ થયો હતો પણ સુપ્રીમ કોર્ટે અપીલને ઠુકરાવી દીધી હતી.
* ફિલ્મમાં બહુ વરસો પછી ભારતીય સિનેમામાં પહેલીવાર પરદા ઉપર ચુંબન દ્રશ્ય દેખાયું હતું. જોકે સેન્સર બોર્ડે ‘એ’ સર્ટિફીકેટ આપ્યુ હતું.
* ‘યશોમતી મૈયા સે બોલે નંદલાલા’ ગીતને પ્રેરણા ૧૯૪૯માં આવેલી ફિલ્મ ‘ગોપીનાથ’ના ગીત ‘આઈ ગોરી રાધિકા’માંથી લેવામાં આવી છે.
* ઝિનત અમાનના બાળપણના રોલ માટે ૧૦૦થી વધુ છોકરીઓના સ્ક્રીન ટેસ્ટ થયા હતા. છેવટે પદ્મિની કોલ્હપુરીની પસંદગી થઈ, જેને રાજકપૂરે ‘પ્રેમરોગ’માં હિરોઈન બનાવી હતી.
* ‘ભોર ભયે પનઘટ પે’ તથા ‘ચંચલ શીતલ નિર્મલ કોમલ’ ગીતમાં જે ભડકદાર રંગો તથા રંગીન ફિલ્ટરો વપરાયાં છે તેના લીધે ફિલ્મને ‘રાજકપૂરનું હરતું ફરતું કેલેન્ડર’ એવું મજાકિયું નામ અપાયું હતું. (કેલેન્ડર ઇન મોશન)
***
-મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment