એક તો ૧૯૭૦માં આવેલી ફિલ્મ, ઉપરથી સાઉથમાં બનેલી, એમાંય પાછી સાઉથની જ મુવીની રિ-મેક એટલે એનાં કલર કોમ્બિનેશનો જોઈને જ ચક્કર આવી જાય ! લીલા કલરની દિવાલો હોય, પીળા કલરના જાડા જાડા થાંભલા હોય અને શોકિંગ પિન્ક કલરના પરદા હોય !
એમાંય બાકી હોય તેમ જિતેન્દ્ર પીળા કલરનું પેન્ટ અને પીળા કલરનું શર્ટ પહેરીને આવે ! એક સીનમાં તો લાલ શર્ટ અને લાલ પેન્ટ છે ! આવાં ક્રેઝી કપડા પહેરવાની ક્રેડિટ આમ તો ગોવિંદા લઈ જાય છે પરંતુ અહીં તો કોમેડી ફિલ્મ નથી છતાં આવો ‘કોમિક ટચ’ ઠેર ઠેર દેખાય છે. ધન્ય છે !
***
જોકે 'હમજોલી‘ ફિલ્મને એ સમયે ફિલ્મો થકી ‘સ્પોર્ટ્સ’ને પ્રોત્સાહન આપવા બદલ વિશેષ પુરસ્કાર આપવાની જરૂર હતી ! તમને થશે કે યાર, આવી સ્પોર્ટ્સ-ફિલ્મો તો સન ૨૦૦૦ પછી બનવા માંડી, એમાં છેક ૧૯૭૦ની કોઈ ફિલ્મમાં 'સ્પોર્ટ્સ' હતી જ ક્યાં ?
પણ ઊભા રહો. જરા અમારી વાત પણ સાંભળી લો. આ ફિલ્મમાં ત્રણ ત્રણ મહત્વની સ્પોર્ટ્સ માટે ખાસ સ્પેશીયલાઈઝ્ડ ગાયનો બન્યા છે ! જુઓ પહેલું જે ગાયન છે તેને કેપીએલ યાને કે ‘કબડ્ડી પ્રિમિયર લીગ’નું એન્થમ બનાવવા જેવું હતું !
યાદ કરો એ ગાયન ‘હોંશિયાર ખબરદાર…’ જેમાં લીના ચંદાવરકર અને અરુણા ઈરાનીની મહિલા ટીમો સામસામે ગાયન ગાતાં ગાતાં કબડ્ડી રમે છે ! એટલું જ નહીં, ગાયન પતે ત્યાં સુધીમાં મેચ પણ પતી જાય છે ! એમાંય ગીત ગાતાં ગાતાં આશાજી જે રીતે ‘તોતોતો… તોતોતો…’ કરે છે, એમાં તો સીટ ઉપરથી ઉછળીને છેક સ્ક્રીન સુધી ‘અડી’ આવવાનાં ઝનૂનો ચડે તેવું હતું !
મજાની વાત એ પણ ખરી કે બંને ટીમોની છોકરીઓ ચસોચસ ફીટિંગવાળા પંજાબી ડ્રેસ પહેરીને ટાંટિયાખેંચ રમે છે. (જોકે ટીશર્ટ અને ચડ્ડી પહેરાવ્યાં હોત તો ગાયન વધારે પડતું હિટ થઈ જાત.)
***
કબડ્ડી પછીની સ્પોર્ટ્સ છે ‘ફ્રી સ્ટાઈલ કીક બોક્સિંગ’ ! જી હા, આનું પણ એક ગાયન છે !
આનંદ બક્ષી જાણે પોતે કોચની ભૂમિકામાં આવી ગયા હોય તેમ કડક સૂચનાઓ આપી છે : ‘ચલ શુરુ હો જા, ચલા મુક્કા, જમા થપ્પડ, લગા ટક્કર… વન ! ટુ ! ચલ જરા ફિર સે ગિરા નીચે, ફસા ટંગડી, લગા લંગડી…’
જોયું ? માત્ર મુખડામા જ મારામારીના કેટલા ‘દાવ’ આવી ગયા (૧) મુક્કા (૨) થપ્પડ (૩) ટક્કર (૪) ગિરા નીચે (૫) ફસા ટંગડી (૬) લગા લંગડી… યાર, આનાથી સારું કોચિંગ કોણ આપી શકે?
નવાઈ એ વાતની છે કે ૧૯૭૦ પહેલાં અને ૧૯૭૦ પછી હિન્દી ફિલ્મોમાં એકમાત્ર ઘટના એવી છે જ્યાં ફાઈટ માસ્ટર અને ડાન્સ માસ્ટરે ભેગા મળીને કામ કર્યુ હોય !
***
હજી ત્રીજી સ્પોર્ટ છે. અને એ ગાયન તો ફેમસ છે : ‘ઢલ ગયા દિન, હો ગઈ શામ…’ આમાં જિતેન્દ્ર અને લીના ચંદાવરકર બેડમિંગ્ટન રમે છે ! એ પણ રાત્રે, અને એ પણ સ્કોર ગણ્યા વિના ! (કેમકે આખા ગાયનમાં ‘લવ-ઓલ’ જ છે !)
કાશ, એ સમયે પ્રકાશ પદુકોણે આ ફિલ્મ જોઈ હોત, અને કાશ, એમણે આ ગાયન બેડમિંગ્ટન ચેમ્પિયન થયા પછી દેશમાં પ્રચલિત કર્યુ હોત…
જો એમ થયું હોત તો આજે બેડમિંગ્ટન ક્રિકેટ પછીની બીજા નંબરની રમત હોત કે નહીં ? (અને ફરી અફસોસ કે આ સ્પોર્ટ્સમાં પણ લીના ચંદાવરકરે આંતરરાષ્ટ્રિય ધારાધોરણ મુજબ સ્કર્ટ-ટીશર્ટ પહેર્યાં નથી ! બાકી જિતેન્દ્ર ચડ્ડી પહેરે એમાં કોને રસ હોય ?)
***
ફિલ્મની સ્ટોરી શું હતી ? એમા પડવાં જેવું નથી (એ વખતે પણ નહોતું.) પરંતુ ‘હમજોલી’માં જે રીપીટ વેલ્યું હતુ તે મહેમૂદની કોમેડી હતી.
સ્ટોરીમાં કોઈપણ જાતના લોજિક વિના મહેમૂદના બાપા રાજકપૂરની મિમિક્રી કરે છે અને દાદા પૃથ્વીરાજ કપૂરની ! એમનું એક ગાયન પણ છે : ‘યે કૈસા આયા જમાના…’ જેમાં મહેમૂદનો અવાજ કીશોરકુમારે કાઢ્યો છે અને પૃથ્વીરાજ કપૂરના અવાજમાં મહેમૂદે પોતે ખતરનાક રીતે પેરોડી કરી છે.
આજે નવાઈ લાગે કે મહેમૂદે જે રીતે ઉગાડેછોગ રાજકપૂર અને પૃથ્વીરાજ કપૂરની મિમિક્રી કરી, એ જોઈને રાજસાહેબ બગડ્યા હશે કે નહીં ?
***
મહેમદૂની કોમેડીનાં કુલ ૩૦-૪૦ મિનિટનાં દ્રશ્યો જો કાઢી નાંખો (કેમકે મૂળ વાર્તા સાથે કોઈ લેવાદેવા નથી) તો ‘હમજોલી’ ઊંધે માથે પટકાઈ ગઈ હતો. પરંતુ મહેમૂદની કોમેડી સિવાય પણ એક રીપીટ વેલ્યુ હતી. તે હતો મુમતાઝનો ડાન્સ : ‘ટિક ટિક ટિક મેરા દિલ બોલે…’
એ જમાનામાં ‘આઈટમ સોંગ’ જેવો કોઈ શબ્દ પ્રચલિત નહોતો પરંતુ મુમતાઝે આની પહેલાં ‘મેરે સનમ’માં પણ આવો એક ગેસ્ટ એપિયરન્સ કર્યો હતો. (યે હૈ રેશ્મી ઝુલ્ફોં કા અંધેરા) આ ગાયનમાં જોવા જેવી વાત એ છે કે ડાન્સ ચાલી રહ્યો છે એક રેસ્ટોરન્ટમાં, જેમાં ખાણી-પીણીના ટેબલોની બરાબર ઉપર ‘માળિયા જેવા’ ફ્લોર પર એકસ્ટ્રાઓ નાચી રહ્યા છે !
***
એમ તો ફિલ્મનાં દરેક ગાયનોમાં જિતેન્દ્રને નાચતો વો એ પણ એક લ્હાવો છે. કેમકે સારું છે કે જિતેન્દ્રનું ઉપનામ ‘જમ્પિંગ જેક’ પડી ગયું હતુ, બાકી ‘ડાન્સ પ્રિન્સ’ કે એવું કંઈક નામ હોત તો માથે પડ્યું હોત.
જિતેન્દ્રના ડાન્સ-ગીતોમાં આજે પણ એક ડીટેલ જોવાની મજા પડે છે, તે એ, કે જિતેન્દ્રનો ડાબો પગ હંમેશા ભોંય પર, સ્ટેપ મુજબ, એક ને બદલે બબ્બે વાર પછડાતો હશે ! માર્ક કરજો તમે !
***
અને હા, જિતેન્દ્રએ પોતાના ભાઈ પ્રસન્ન કપૂર સાથે શરૂ કરેલી કંપની ‘તિરૂપતિ પિકચર્સ’ની આ પહેલી ફિલ્મ હતી. પરંતુ નફામાં તેમણે મહેમૂદને ભાગ આપ્યો કે નહીં, તે જાણવા મળતું નથી…
***
ફિલ્મની જાણી અજાણી વાતો...
* ‘હમજોલી’ ૧૯૬૪માં આવેલી તામિલ ફિલ્મ ‘પનાક્કારા કુડુમ્બમ’ ફિલ્મનો રિ-મેક હતી.
* પ્રોડ્યુસર તરીકે જિતેન્દ્રની આ પહેલી ફિલ્મ હતી.
* મૂળ તામિલ ફિલ્મમાં મહેમૂદનો ટ્રિપલ રોલ હતો જ નહીં. ટ્રિપલ રોલનો આખો આઇડિયા મહેમૂદનો હતો.
* કહેવાય છે કે મહેમૂદે પોતાના પ્રોડ્યુસર મિત્ર મિ. સાધુ માટે આ પ્રોજેક્ટ ઊભો કર્યો હતો. મહેમૂદે જ ડિરેક્ટર, સિનેમેટોગ્રાફર તથા કલાકારોને સાઈન કરી આપ્યા હતા. પરંતુ મિ. સાધુના અચાનક મૃત્યુ પછી જિતેન્દ્રએ પૈસા રોકીને આખો પ્રોજેક્ટ પોતાના હાથમાં લઈ લીધો હતો.
* ફિલ્મના ડિરેક્ટર ટી.આર. રામન્નાને હિન્દી આવડતું નથી. આ કારણે શૂટિંગ વખતે જેને તામિલ તથા હિન્દી બંને આવડતું હોય એવો એક ‘ડાયલોગ ડિરેક્ટર’ રાખવો પડતો હતો. (સાઉથની અનેક ફિલ્મો આ રીતે બનતી હતી.)
* ૧૯૭૦માં ‘હમજોલી’ કમાણીની રીતે આઠમા નંબરે રહી હતી.
***
- મન્નુ શેખચલ્લી
હમજોલી ફિલ્મમાં છુપાયેલ હાસ્યને સુંદર રીતે આલેખવા બદલ અભિનંદન 🌹
ReplyDelete