અક્કલ વગરની બોધકથા !

આ બોધકથામાં એવું હોય છે કે એક વેપારી વહાણ લઈને દરિયામાં જઈ રહ્યો હોય છે ત્યાં અચાનક તોફાન આવે છે અને વહાણ ડૂબી જાય છે.

છતાં નસીબજોગે પેલો વેપારી બચી જાય છે ને તણાઈને એક સૂમસામ ટાપુ ઉપર પહોંચી જાય છે.

વેપારી આખો ટાપુ ખુંદી વળે છે પણ એને કોઈ બીજું માણસ દેખાતું જ નથી. બિચારો હતાશ થઈ જાય છે.

(હા ભાઈ હા, પણ વહાણમાં બીજા કોઈ હતા જ નહીં ? એમનું શું થયું ? પણ ના, એમની વારતા કરવાની જ નથી !)

વારતા આગળ ચાલે છે. વેપારીને હવે ‘તરસ’ લાગે છે ! અહીં તે એક ઝરણામાંથી પાણી પીએ છે !

(પછી ભૂખ પણ લાગશે ! એટલે તે ફળ ફૂલ ખાઈને પેટ ભરશે… ભઈ, વારતાને લાંબી જ ખેંચવાની છે ને ?)

છેવટે બિચ્ચારો વેપારી એ ટાપુમાંથી ઘાસ-પાંદડાં લાકડાં વગેરે લાવીને એક ઝુંપડી બાંધે છે. છતાં હિંમત હારતો નથી. (હિંમત આપણે રાખવાની છે કે આ હજી કેટલી લાંબી ચાલશે ?)

છેવટે એક દિવસ તે ફળ-ફૂલ શોધવા ગયો ત્યારે આકાશમાંથી વીજળી પડે છે ! અને એની ઝુંપડી સળગી જાય છે !

વેપારી પોકારી પોકારીને ભગવાનને ફરિયાદ કરે છે કે ‘તેં મારું વહાણ તોડી નાંખ્યું, હું કંઈ ના બોલ્યો, મારા સાથીઓને ડૂબાડી દીધા, હું કંઈ ના બોલ્યો, મારે ફળ-ફૂલ ખાઈને જીવવું પડ્યું… હું કંઈ ના બોલ્યો, પણ હવે મારુ ઝુંપડું પણ સળગાવી દીધું ?’

ત્યાં જ દૂરથી એક વહાણ આવતું દેખાય છે ! અંદરથી ખલાસીઓ ઉતરે છે ! વેપારી પૂછે છે ‘તમે મને અહીં સુધી બચાવવા શી રીતે આવ્યા ?’

ખલાસીઓ કહે છે ‘અમને દૂરથી ધૂમાડો દેખાયો એટલે અમે અહીં આવ્યા.’

હવે પેલો વિડીયો બનાવનારો બોધ આપે છે : ‘જોયું ? ઉપરવાલે કે યહાં દેર હૈ પર અંધેર નહીં હૈ !’

(સાલું, આખી વારતા સાંભળ્યા પછી મને તો એક જ ‘કુ-બોધ’ સુઝ્યો કે પેલા માણસે રોજ એક ઝાડ બાળી મુક્યું હોત તો વહેલો બચી જાત !)

અને ના બચે તોય શું ? આજના જમાનામાં ક્યાં આપણે વહાણો લઈને જવાનાં છીએ ? તે આવી સ્ટુપિડ વારતામાં ‘બોધ’ મળશે એમ સમજીને સાંભળ્યા કરીએ છીએ ? 

બોલો, તમે પણ આખી વારતા વાંચીને ?

***

- મન્નુ શેખચલ્લી

Comments