પ્રયાગરાજના લેટેસ્ટ ફેક-ન્યુઝ !

વધુ એક મોટી ખબર આવી રહી છે ભારતના વિક્રમસર્જક તીર્થસ્થાન પ્રયાગરાજથી…

તમને જણાવી દઈએ કે અહીં ભારતના ૬૬ કરોડ લોકો જ્યાં ડૂબકી લગાવી ચૂક્યા છે ત્યાં અમારા ખાસ ખબરપત્રી હજી નવી નવી ખબરો શોધવા માટે ડૂબકીઓ જ લગાવી રહ્યા છે.

ડૂબકીની વાત કરવામાં આવે તો પ્રયાગરાજના સંગમ સ્થાન ઉપર જ્યાં થોડા સમય પહેલાં હજારો નૌકા ચાલકો હતા ત્યાં હવે માત્ર ડઝનબંધ નૌકાઓ બચી છે, બાકીની નૌકાઓ ડૂબકી લગાવીને ક્યાં ગાયબ થઈ ગઈ છે તે તપાસનો વિષય છે.

જો તપાસમાં વધુ ઊંડે ડૂબકી લગાવવામાં આવે તો એક એવી ચોંકાવનારી વાત બહાર આવી છે કે જે સાંભળીને તમે ચોંકી જશો !

ચોંકવા જેવી વાત એ છે કે અહીંથી બહુ મોટી સંખ્યામાં નૌકાઓ ગાયબ થવાની સાથે સાથે અમુક નૌકાના માલિકો પણ ભૂગર્ભમાં ચાલ્યા ગયા હોવાનું ભૂગર્ભમાંથી બહાર આવ્યું છે !

ભૂગર્ભમાંથી જાણવા મળેલી ઊંડી માહિતીની વાત કરીએ તો આ નૌકાના માલિકો ઇન્કમટેક્સના ડરથી… જી હા, ઇન્કમટેક્ષના ડરથી ગાયબ થઈ ગયા છે !

નૌકા માલિકોના ગાયબ થવા પાછળનું રહસ્ય શું છે ?

પ્રયાગરાજના અમુક જુના નૌકાચાલકોનું માનવું છે કે એ રહસ્ય ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી શ્રી આદિત્યનાથ યોગીની વાણીમાં છૂપાયેલું છે !

મામાલાની ગંભીરતામાં ડૂબકી લગાવતાં અમને સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે યોગીજીએ કોઈ એક નૌકા માલિકે મહાકુંભ દરમ્યાન કુલ ૩૩ કરોડ રૂપિયાની કમાણી કરી હોવાથી, તેમનાં મોંફાટ વખાણ કર્યાં હોવાથી, તે નૌકા માલિક સોશિયલ મિડીયામાં છવાઈ ગયો હોવાથી, તેના વિશે જાત જાતની જૂની વાતો બહાર આવી હોવાથી… છેવટે સરકારના આયકર વિભાગ યાને કે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટને જાણ થઈ હોવાથી તેમણે તે નૌકાચાલકને આવક છૂપાવવા બદલ નોટિસ મોકલી હોવાથી…
… અન્ય નૌકા માલિકો પણ અજ્ઞાતવાસમા ડૂબકી લગાવીને ગાયબ થઈ રહ્યા છે !

દરમ્યાનમાં તમને જણાવી દઈએ કે, ગંગા તટની સાફસૂફી કરતાં ડઝનોની સંખ્યામાં ઇન્કમટેક્સની નોટિસનાં પલળી ગયેલાં કાગળો મળી આવી રહ્યાં છે !

વધુ મનોરંજન માટે જોતા રહો અમારા ફેક ન્યુઝ !

***

- મન્નુ શેખચલ્લી

Comments