દિલ્હી હાઈકોર્ટના એક જજ સાહેબના ઘરમાં આગ લાગી હતી કે નહીં એ ઘટના ‘બાલાકોટ ઉપર સર્જિકલ સ્ટ્રાઈક હતી કે નહીં ?’ એના કરતાં ય વધારે શંકાસ્પદ લાગી રહી છે ! કેમકે…
***
જો હોળીના દિવસે આગ લાગી હતી તો એ હોળીના રીવાજ મુજબની પરંપરા પણ હોઈ શકે ને ? નોટોની હોળી પણ હોઈ શકે ને ?
***
અમુક નોટો અડધી બળેલી હતી એનો મતલબ કે નોટો પાણીની પિચકારી વડે પલળેલી પણ હોઈ શકે ને ?
***
જોકે એનો જે વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો એ કોઈ બીજી જગ્યાનો પણ હોઈ શકે ને ?
***
એટલું જ નહીં, સુપ્રીમ કોર્ટની અધિકૃત વેબસાઈટ પર ભલે એ વિડીયો અપલોડ થયો, પરંતુ એ વેબસાઈટ એ સમયે હેક થયેલી પણ હોઈ શકે ને ?
***
ફાયર બ્રિગેડના ઓફિસરે ભલે એમ કહ્યું કે, જજ સાહેબને ત્યાંથી બળેલી નોટો ‘મળી આવી હતી.’ પણ પછી એમણે નોટો ‘નથી મળી’ એવું પણ કહ્યું ને ? અને એ પછી નોટો ‘નથી મળી’ એવું ‘નથી કીધું’ એવું પણ કહ્યું ને ? તો એ ઓફિસરે હોળી નિમિત્તે ‘ભાંગ’ પણ પીધી હોઈ શકે ને ?
***
એ જ રીતે સુપ્રીમ કોર્ટે જજ સાહેબની બદલી ‘તાત્કાલિક’ અલાહાબાદ હાઈકોર્ટમાં કરી તો ખરી પરંતુ એ ‘આગની ઘટના’ને કારણે ‘નથી કરી’ એવું પણ કહ્યું ને ? તો ભાંગની અમુક અસર એટલા દિવસો સુધી ટકી હોય એવું પણ બની શકે ને ?
***
અલ્હાબાદ ‘હાઈકોર્ટ’માં બદલી તો કરી છે પણ હાઈકોર્ટમાં ‘કેસ’ની સુનાવણી નથી કરવાની એવી ‘સ્પષ્ટતા’ કર્યા પછી ‘કંઈ જ કામકાજ નથી કરવાનું’ એવી ‘સ્પષ્ટતા’ પણ નથી કરી ને ? આ હિસાબે જજ સાહેબને ‘અલાહાબાદ ટુરિઝમના પ્રચાર’ માટે જ મોકલાઈ રહ્યા છે, એવું પણ બની શકે ને ?
***
અને હા, દિલ્હી પોલીસે કેસ તો નોંધ્યો છે પણ બળેલી, અડધી બળેલી, પલળેલી કે નહીં પલળેલી એવી કોઈ ચલણી નોટો જપ્ત જ નથી કરી ! તો ભાઈસાહેબ…
પુરાવા ક્યાં છે ?... બાલાકોટમાં ??
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment