દિલ્હીમાં કેજરીવાલની સજ્જડ હાર પછી એમાંથી શું બોધપાઠ લેવો જોઈએ ? ખાસ કરીને નેતાઓએ….
***
(૧) આટલું બધું ફાસ્ટ ફોરવર્ડમાં નહીં જવાનું !
કેજરીવાલ તો આવતાંની સાથે જ જાણે ભારતમાં રાતોરાત ક્રાંતિ લાવી નાંખવાના હોય એમ મચી પડેલા ! પણ થયું શું ? એટલે પહેલો બોધપાઠ : શાંતિ રાખો ! કોઈને કશી યે ઉતાવળ નથી ! પ્રજાને પણ નથી !
***
(૨) વાયદાઓના બહુ ઢંઢેરા ના પીટો !
અરે ભાઈ, કોંગ્રેસ તો છેક ૧૯૭૦થી ગરીબી હટાવવાની વાતો કરે છે ! પણ એમણે કંઈ કર્યું ? માત્ર ચૂંટણી વખતે જ ‘ખટાખટ ખટાખટ’ બોલવાનું ! પછી ? શાંતિ… શાંતિ…
***
(૩) સાદગી સાથે શીશમહલનું મેચિંગ ના કરાય !
મોદી સાહેબને જુઓ ? લાખ રૂપિયાના સૂટ પહેરે છે, કરોડ રૂપિયાની કારમાં ફરે છે, પણ ઘરમાં ? ચટાઈ પાથરીને યોગાસન કરે છે !
રાહુલ ગાંધીને જુઓ ! એ ધારે તો વર્લ્ડની મોંઘામાં મોંઘી બ્રાન્ડનાં કપડાં પહેરી શકે છે, પણ પહેરે છે શું ? એ જ અડધો ડઝન ટી-શર્ટ, જે વરસ પહેલાં વસાવ્યાં છે ! અને રહે છે ક્યાં ? બિચારા હજી મમ્મીના ઘરમાં રહે છે ! બોલો.
***
(૪) ભ્રષ્ટાચાર સામે બહુ ભસવું નહીં ! સલુકાઈથી યુ-ટર્ન મારતાં શીખો.
કેજરીવાલે તો શરૂઆત જ ભ્રષ્ટાચાર સામે ભસવાથી કરી ! પણ સત્તા મળ્યા પછી ચૂપ રહેવાનું હતું, એમાં માર ખાઈ ગયા !
તમે ભાજપને જુઓ ? એક બાજુ કહેવાનું કે ભ્રષ્ટ સરકારોને ખતમ કરીશું અને બીજી બાજુ ભ્રષ્ટ કોંગ્રેસીઓને ભાજપમાં લીધે રાખ્યા ! પ્રજા કંઈ બોલી ? કેમકે ભાજપ બહુ ભસ્યું જ નથી !
***
(૫) રિયાલિસ્ટીક વચનો નહીં, લોંગ-ટર્મ કાલ્પનિક સપનાં આપો !
દિલ્હીનું પ્રદૂષણ કદી ઘટવાનું જ નથી ! યમુના નદી શુદ્ધ થવાની જ નથી ! પણ ભાજપ શું વચનો આપે છે ? ‘ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવીશું !’ ‘ભારત વિશ્વગુરુ બનશે !’ ‘ભારત થર્ડ લાર્જેસ્ટ ઈકોનોમી બનશે !’
***
અને (૬) કૌભાંડ કરો તો એકલા એકલા ના કરો !
એમાં ‘સૌનો સાથ, સૌનો વિકાસ’ રાખો ! … તો જેલમાં જવાનો વારો જ ના આવે ! સમજ્યા ?
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment