બોલીવૂડ માટે તો ૨૦૨૪નું વરસ ખરેખર તો ‘બેસણા’નું વરસ કહેવાય ! કેમકે બોલીવૂડનું ‘અવસાન’ તો ૨૦૨૦થી જ ચાલુ થઈ ગયું હતું.
ખેર, ૨૦૨૪માં જે ફિલ્મો બની છે એનાં ટાઈટલો એવાં છે કે જેમાં રિ-મેકની ભરપૂર શક્યતાઓ પડી છે ! જુઓ..
***
‘તેરી બાતોં મેં ઐસા ઉલઝા જિયા’
આ નામની હવે ડોક્યુમેન્ટ્રી આવવાની છે. આમાં મોદીજીની તમામ ‘મન કી બાત’ના ફૂટેજ ભેગા કરેલા હશે ! અહીં ફિલ્મનું નામ એટલા માટે ફીટ બેસે છે કે એમાં સાહેબે ક્યાંય મણિપુરની વાત જ કરી નથી !
***
‘લાપતા લેડિઝ’
દેશના રાજકીય ફલકમાંથી ગાયબ થઈ રહેલી બે મહિલાઓની આ બાયો-પિક હશે… એક માયાવતી અને બીજાં સ્મૃતિ ઈરાની !
***
‘કહાં શુરુ કહાં ખતમ’
કોલકતાની કેજી કર હોસ્પિટલમાં મહિલા તબીબ ઉપર થયેલો બળાત્કાર અને હત્યાના કેસ સાથે જોડાયેલી તમામ વાતો, સમાચારો, આંદોલનો, હડતાળો, સરઘસો, કોર્ટ કેસો અને સીબીઆનાં સેંકડો પાનાં ભરેલાં રીપોર્ટો પછી પણ આ ગૂંચવાયેલા કોકડા જેવી ફિલ્મનો ‘ધી એન્ડ’ આવતો જ નથી…
***
‘વનવાસ’
શરદ પવારની પતી રહેલી કરિયર વિશેની આ ફિલ્મના શરૂઆતના સીન તો લખાઈને ભજવાઈ પણ ગયા છે ! જોકે ખરું શૂટિંગ હવે શરૂ થશે…
***
‘સ્ત્રી-ટુ’
આમાં ફાયરબ્રાન્ડ મમતા બેનરજી ડબલ રોલમાં છે ! એક બાજુ તે બળાત્કાર પીડીતાને ન્યાય અપાવવા સરઘસ કાઢે છે અને બીજી બાજુ કોલેજના પ્રિન્સિપાલ પોલીસ ઓફિસર વગેરેની બદલી કરી નાંખે છે !
એક બાજુ હિન્દુ વિરોધી નિવેદનો કરે છે તો બીજી બાજુ બાંગ્લાદેશના હિન્દુઓને બચાવવા માટે યુએનને ફરિયાદ કરે છે ! એક બાજુ કહે છે કે પશ્ચિમ બંગાળનો હું વિકાસ કરી રહી છું અને બીજી બાજુ યુપીથી આવતી માલ-સામાનની ટ્રકો બોર્ડર પર અટકાવી દે છે !
***
‘સરફિરા’
આ એક કોમેડી ફિલ્મ હશે ! જેમાં ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટણ જીત્યા પછી જે બેફામ ધમકીઓ, વાયદાઓ અને વચનો આપી રહ્યા છે તેનું ભેળપુરી જેવું કમ્પાઈલેશન હશે !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment