રણઝણસિંહના ભારતીય 'મૂળા' !


‘લ્યો બોલો, ભારતીય મૂળના વિવેક રામાસ્વામી ટ્રમ્પની સરકારમાં મહત્ત્વનો ભાગ ભજવશે ! આપણા માટે ફાયદાની વાત છે ને !’

‘શું ફાયદો ?’ રણઝણસિંહ બોલ્યા. ‘ઓલ્યાં સુનિતા વિલિયમ્સ ય દસ વાર અવકાશયાનમાં ઉડ્યાં છે ! તે કોઈ એમણે આકાશમાંથી ભારત ઉપર ચોકલેટું વરસાવી ?’

‘તમે સાવ આડી વાત કરો છો. આ રામાસ્વામી તો બિઝનેસમેન છે.’

‘તો ? ઓલ્યા સુંદર પિચાઈ પણ ગુગલના સીઈઓ છે કે નંઈ ? એમણે ભારત ઉપર શું વિશેષ કૃપા કઈરી છે ? ઉલ્ટાની ખોટી માહિતીયું હાલવા દીધી છે.’

‘પણ ગુગલ તો સર્ચ એન્જિન કે’વાય. સીધેસીધો બિઝનેસ નો કે’વાય.’

‘એમ ? તો ઓલ્યાં ઇન્દ્રા નૂઈ હતાં ને, પેપ્સીનાં સીઈઓ ? ઈ તો નકરાં બિઝનેસમાં જ હતાં ને ? તો શું એમણે ભારતમાં એક પેપ્સી હાર્યે બીજી પેપ્સી મફતમાં દીધી ? બાકી અંબાણીએ જિયો લોન્ચ કરતી વખતે ત્રણ મહિના લગી હંધુય મફતમાં દીધું ‘તું કે નંઈ ?’

‘પણ ઈ તો હરીફોને તોડી નાંખવા માટે.’

‘તો ભલે ને પેપ્સી કોકાકોલાને તોડી નાંખે ? આપણે કેટલા ટકા ? પણ ભારતના દેશીઓને હરિફાઈનો કાંઈ ફાયદો થ્યો ?’

‘જુઓ, વિવેક રામાસ્વામી પોતે રાજકીય નેતા છે. રિપબ્લિકન પાર્ટીમાં મોટું નામ છે.’

‘તે આપણા ઋષિ સુનક પણ ઇંગ્લેન્ડમાં નેતા જ હતા ને ? ઇ તો વડાપ્રધાન બની ગ્યા ‘તા છતાં ભારતને કાંઈ લાડવા દીધા ? અરે, ઇમના ભારતીય સસરાની કંપનીને ય કાંઈ ફાયદો કરાઈવો હોય તો માનીયે.’

‘એમ અંગત લાભ તો નો દઈ શકાય ને.’

‘તો જાહેર લાભની વાત કર ને ? ઇ એકેય વાર મોદી સાહેબને મળવા ભારત આઈવા ? મોદી સાહેબને ઇંગ્લેન્ડમાં તેડ્યા ?’

હવે અમે જરા ઢીલા પડી ગયા. છતાં કીધું ‘મોદી અને ટ્રમ્પ વચ્ચે ખાસ મિત્રતા છે. એટલે ઇ હિસાબે -’

‘ઇ હિસાબે જ્યારે મોદી સાહેબને ૨૦૧૯માં ચૂંટણી જીતવી હતી ત્યારે ટ્રમ્પ હાર્યે ‘હાઉડી મોદી’ કરીને પોતાનો છાકો પાડી લીધો ! ને જ્યારે ૨૦૨૦માં ટ્રમ્પને હિન્દુ વોટ જોઈતા ‘તા ત્યારે આંયાં મોટેરા સ્ટેડિયમમાં છાકો પાડવા આવી ગ્યા ! આ જ હતી એમની મિત્રતા…’

અમે હવે માથું ખંજવાળતાં થઈ ગયા. રણઝણસિંહે અમારા માથામાં ટપલી મારતાં કહ્યું :

‘મન્નડા, ગુજરાતીમાં કહેવત છે, ‘નીવડ્યે વખાણ !’ અટલે તારો આ દેશી ઉભરો ઠરવા દે અને નીવડે ત્યારે કરજે વખાણ ! હમજ્યો ?’

***

- મન્નુ શેખચલ્લી

Comments