ફિલ્મી સેલિબ્રિટીઝને શુભેચ્છાઓ !

દર વરસે આપણે એકબીજાને સુખ, સમૃધ્ધિ અને શાંતિની શુભેચ્છાઓ પાઠવીએ છીએ પણ છેવટે તો ત્યાંના ત્યાં જ હોઈએ છીએ.

એનાં કરતાં આપણી ફિલ્મી સેલિબ્રિટીઝને જરા અલગ ટાઈપની શુભેચ્છાઓ પાઠવીએ તો કેવું ? જેમકે…

*** 

અમિતાભ બચ્ચન
ઇશ્વર કરે ને આપને આ વરસે નાનકડા અકસ્માતમાં નાનકડું ફ્રેકચર થાય ! જેથી તમને થોડો ‘આરામ’ તો મળે ?

*** 

અભિષેક બચ્ચન
આ ભાઈને કંઈક એવું થાય જેનાથી એની ઊંઘ જ ઊડી જાય ! કેમકે તો જ એ ભાઈ કંઈક કામધંધે લાગશે. (હવે તો આરાધ્યા મોટી થઈ ગઈ. એનાં બાળોતિયાં ધોવાનું ‘કામ’ પણ ક્યારનું પતી ગયું.)

*** 

કરણ જોહર
તમે છો એવા ને એવા જ રહો ! અને જેવી રેઢિયાળ અને ફૂહડ ફિલ્મ બનાવો છો એવી જ બનાવતા રહો ! જેથી વર્ષના અંતે બધી ફિલ્મો ફ્લોપ થવાથી તમને થોડી અક્કલ તો આવે ?
અને હા, સાથે સાથે આદર પૂનાવાલાના પણ પૈસા બરબાદ થતા અટકે !

*** 

સલમાન ખાન
શાબ્બાશ ! આ જ રીતે આખા વરસ દરમ્યાન તમે સેંકડો સુરક્ષાકર્મીઓ તથા બોડીગાર્ડને રોજગારી આપતા રહેજો ! જુગ જુગ બચો !

*** 

કંગના રાણાવત
ભગવાન કરે ને તમારી જીભમાં એકાદ ફોલ્લી થાય, જે આખું વરસ મટે જ નહીં ! દેશને શાંતિની જરૂર છે…

*** 

અક્ષય કુમાર
આ શુભેચ્છા બોલીવૂડના નિર્માતાઓ, ડિસ્ટ્રીબ્યુટરો અને થિયેટરોના માલિકો તરફથી છે કે ‘તમે આ વરસે હોલીવૂડમાં જઈને ડંકો વગાડો ! જેથી અહીં ભારતમાં અમને છેલ્લાં પાંચ વરસથી થતું નુકસાન તો બચે !’

*** 

પેઈડ ફિલ્મ-રિવ્યુકારો
આ વરસમાં ભગવાન કરે ને તમારી ‘આંખો ખુલી જાય !’ જેથી ખરાબ ફિલ્મ ખરાબ જ લાગે ! અને તેનો રિવ્યુ પણ ખરાબ જ લખો ! તમે સમજો મિત્રો, આમાં દેશના લાખો પ્રેક્ષકોના હજાર કરોડ રૂપિયા વેડફાતા બચી જશે !

***

- મન્નુ શેખચલ્લી

Comments