દિવાળી પછીના નવા તહેવારો !

તહેવારોની મેગા-સિઝન ભલે પતી ગઈ પણ આમ જનતાના લાભાર્થે હજી અમુક નવા છતાં સાદા-સિમ્પલ તહેવારોના રિવાજ ચાલુ કરવાની જરૂર છે. જેમકે…

*** 

ખિચડી સાતમ…
દિવાળીની મીઠાઈઓ ખાઈ ખાઈને ડાયાબિટીસ વધી ગયો હોય, મીઠાઈમાં વપરાતો મેંદો કેટલો ભેળસેળવાળો અને વાસી હતો એના સરકારી રિપોર્ટ વાંચ્યા પછી પેટમાં ધ્રાસકો પડ્યો હોય… અથવા સત્તર જાતનાં ફરસાણ ખાધા પછી પેટ બગડ્યું હોય તો આ એક દિવસ જલ્સાથી સાદી સીધી ખિચડી ખાવાનું રાખોને ભૈશાબ ?

*** 

ઓનલાઈન આઠમ…
લક્ષ્મીપૂજન પછી ગૃહલક્ષ્મી શાંતિ માટે પણ વિધિ કરવી જરૂરી છે. ગૃહલક્ષ્મી યાને કે પત્નીને રાંધવામાંથી સદંતર મુક્તિ મળે એવા શુદ્ધ આશયથી આ દિવસે બંને ટાઈમ ઓનલાઈન ભોજન મંગાવીને જમો ! પત્ની પ્રસન્ન થશે ! સંસારમાં શાંતિ રહેશે !

*** 

નાસ્તા નોમ…
ઓ હલો ! નવા નાસ્તા બનાવવાના નથીઈ! આ તો કીચનના ડબ્બાઓમાં જે નાસ્તાઓ હવે ભૂક્કો થઈ ગયા છે, અને આવનારા દિવસોમાં બગડીને ખોરા થઈ જવાના છે, એનો આ શુભ દિને વહીવટ કરી નાંખો ! ઘરની કામવાળીને સરસ મજાના ખોખાંઓમાં ભરીને ‘દિવાળી ગિફ્ટ’ કહીને પધરાવી દો ! આશીર્વાદ મળશે.

*** 

ફેસબુક જલન અગિયારસ…
દશેરામાં રાવણને બાળીએ છીએ તેમ આમાં બીજાઓને ઈર્ષ્યાથી ‘જલાવવાના’ છે ! દિવાળી વેકેશનમાં જ્યાં જ્યાં ફરીને આવ્યા હોઈએ તેના મસ્ત મસ્ત ફોટાનાં રીલ્સ બનાવી બનાવીને સૌને મોકલો !

*** 

સફાઈ પૂનમ…
અરે, ઘરનાં માળિયાં નહીં (અને પેલા ચાંપલા ચિંતનકારો કહે છે એવાં ‘મનનાં માળિયાં’ પણ નહીં) આપણે મોબાઈલનાં માળિયાં સાફ કરોને ? જે સેંકડોની સંખ્યામાં હેપ્પી દિવાલી, હેપ્પી ન્યુ યર, હેપ્પી ભાઈ દૂજ, હેપ્પી ધનતેરસ, હેપ્પી કાલીચૌદસ, હેપ્પી લાભપાંચમના મેસેજો ઉપરાંત પેલા દોઢ ડાહ્યા સુવિચારોનો કચરો ડિલીટ કરો…

- અને ન્યુ યરનું ‘રિ-સ્ટાર્ટ’ મારો !

***

- મન્નુ શેખચલ્લી

Comments