કમલાબેન જીત્યાં હોત તો ?!

ડોનાલ્ડ ટ્રમ્પ બીજી વાર અમેરિકાના રાષ્ટ્રપતિ ચૂંટાયા અને એ પણ બબ્બે મહિલાઓ સામે ટક્કર લઈને ! જેવી તેવી વાત નથી હા !
પરંતુ જો કમલા હેરિસ અમેરિકાનાં પ્રેસિડેન્ટ બન્યાં હોત તો ?...

*** 

તો, સૌથી પહેલાં તો કમલાજીના મમ્મીના જન્મસ્થળમાં હજી ફટાકડા ફૂટતા હોત !

*** 

એ તો ઠીક, અહીં સૌ લોકો (છપ્પનની) છાતી ફૂલાવીને નારા લગાવતા હોત : ‘ભારત કી નારી… અમેરિકા પર ભારી !’

*** 

અને પેલી ‘કમલા પસંદ પાન મસાલા’ને તો ચાર-ચાર વરસ સુધી જાહેરખબરનો ખર્ચો કરવાની જરૂર જ ના પડી હોત !

*** 

અમિતાભ બચ્ચન, રણવીર સિંહ, વીરેન્દ્ર સહેવાગ, કપિલ દેવ, સુનીલ ગવાસ્કર વગેરે કમલાજીને અભિનંદન આપતા મેસેજ મુકે તો એ પણ બ્રાન્ડ પ્રમોશન જ લાગતું હોત !

*** 

ઉલ્ટું, ટ્રમ્પનું બગડી ગયેલું ડાચું બતાડીને મિમ ફરતું હોત ‘કમલા ના-પસંદ !’

*** 

બીજી બાજુ કમલા હેરિસ, મોદીજી અને ઇટાલીનાં વડાપ્રધાન મેલોનીને લઈને કંઈ જાતજાતનાં મિમ ફરતાં હોત.. કે…

- મેલોની મોદીને ફોન કરીને પૂછે છે ‘ક્યા યે સચ હૈ કિ તુમ ઉસે ચેન્નઈ મેં મિલે થે ? મુઝે બતાયા ભી નહીં ?’

- મોદી કમલા હેરિસનો ફોટો બતાડીને કહેતા હોત : ‘મુઝે કમલા કી પસંદ પસંદ હૈ !’

- કમલા હેરિસ અને મેલોની ગ્રુપ વિડીયો કોલમાં મોદીને ટેન્શનથી પૂછી રહ્યાં છે : ‘વો હસીના ક્યા અભી ભી ઇન્ડિયા મેં હી હૈ ?’

*** 

અત્યાર સુધી કમલાજીનો સાડીમાં એક પણ ફોટો જોવા મળ્યો નથી પણ જો જીત્યાં હોત તો ડઝનબંધ સાડીની બ્રાન્ડોએ ફોટોશોપ વડે એમને સાડી પહેરાવી દીધી હોત !

*** 

વ્હાઈટ હાઉસનું નામ બદલીને ‘કમલા નિવાસ’ કરી નાંખ્યું હોત અને પ્રેસિડેન્ટ જે ખુરશીમાં બેસે છે તેનું નામ રાખ્યું હોત : ‘કમલાસન !’

*** 

અને ભાજપે એમના સ્વાગતમાં એકાદ સ્લોગન તો એવું બનાવ્યું જ હોત કે : ‘કમલા-આ… કમલ-લા !’

*** 

અને હા, રિશી સુનકે કમલા હેરિસને ખાનગીમાં ચેતવણી આપતાં કહ્યું હોત : ‘ઇન્ડિયનો તમને આજે માથે ચડાવીને ફરે છે, પણ કાલે તમને અચાનક ભૂલી પણ જશે… મારી જેમ જ !’

***

- મન્નુ શેખચલ્લી

Comments