આજે બે વરસની વચ્ચેનો ‘વચલો’ દહાડો છે ! તેને ‘પડતર દિવસ’ કહે છે. એને ‘ખાડો’ આથવા ‘ધોકો’ પણ કહે છે. તો એને પણ ઉજવવા માટે કંઈક કરો ! જેમકે…
***
રોડ ઉપર જે ખાડા પડ્યા છે એનું સન્માન કરો ! ખાડામાં દીવા કરો ! ખાડાની ધાર પર અગરબત્તી કરો ! ખાડાઓની આરતી ઉતારો !
કેમકે આ ખાડા પુરવાનાં બજેટમાંથી જ કેટલા બધા કોન્ટ્રાક્ટરો એમના ધરાઈ ચૂકેલા પેટના ખાડા પૂરે છે !
***
અમુક વિશાળ કદના ખાડાઓ ‘પરમેનેન્ટ’ હોય છે ! જેમકે ગટર માટેના ખાડા, ગેસની લાઈન માટેના ખાડા, વીજળીના કેબલ ફોલ્ટ શોધવાના ખાડા…
આ પરમેનેન્ટ ખાડાઓને ‘સ્મારક’ જાહેર કરો ! આજુબાજુ લાઈટોની સિરીઝ ગોઠવીને રોશની કરો ! સેલ્ફી પોઈન્ટ બનાવો !
***
અમુક રસ્તાઓમાં રોડ ઓછો અને ખાડાઓ વધારે છે ! એના ફોટા તો ચંદ્રની સપાટી જેવા આવે છે !
તો એનાં નવેસરથી નામ પાડો… ચંદ્ર-માર્ગ… મૂન-રોડ… ચંદ્રાયાન-પથ !
***
‘ધોકો’ એટલે શું ? દગો… છેતરપિંડી… ચિટીંગ… બનાવટ… ! રાઈટ ?
તો મિત્રો, કંઈ કેટલાય વરસો પછી આપણને આ મહામૂલો દિવસ મળ્યો છે, જ્યારે આપણે ‘ધોકેબાજ’ પ્રતિભાઓનાં સન્માન કરી શકીએ !
***
સૌથી પહેલાં તો પેલા ૨૭ નકલી સરકારી અધિકારીઓને તેડાવો ! અને જાહેરમાં એમનું સન્માન કરો ! ધોકા વડે !
***
અને અસલી ભ્રષ્ટ અધિકારીઓ પણ કેમ બાકી રહી જાય ? એમણે પણ પ્રજાનાં નાણાં વડે જ પ્રજાને ‘ધોકો’ આપ્યો છે ને ! એમને પણ ધોકાવો !
***
અહીં નેતાઓનાં અલગથી સન્માન કરવાની જરૂર નથી. કેમકે એમના ચૂંટણી ઢંઢેરાનાં જુઠ્ઠાણાં જોયા છતાં એમને ચૂંટી લીધા પછી, અને ધોકો ખાવા છતાં આપણે એમને હારતોરા કરીએ જ છીએ ને !
***
છેલ્લે એક પ્રેક્ટિકલ સૂચન છે : પેલો હાટકેશ્વરનો બ્રિજ છે ને, એને તોડી પાડવાને બદલે એને વર્લ્ડ બેસ્ટ ‘ધોકા-બ્રિજ’ જાહેર કરીને એનું ફરી ‘લોકાર્પણ’ કરી નાંખો ! બાવન કરોડ બચી જશે… ધોકા-મુબારક !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment