'માઠાભારે' કંડકટરની વેંગણ પાપડી !

નવી શ્રેણી... ઝાંઝવું નામે ગામ 

ગુણવંત માસ્તર બિચારા અમારા મલીયાધરા ગામના. એ ‘બિચારા’ એટલા માટે કે વરસોથી એમનું ઘર પણ મલીયાધરામાં, અને પ્રાથમિક શાળઆની નોકરી પણ મલીયાધરામાં. પણ એક જિલ્લા શિક્ષણાધિકારીની કલમના ગોદે એમની બદલી થઈ ગઈ બિલીમોરા ટાઉન પાસે આવેલા ધકવાડા ગામની શાળામાં.

ધકવાડાની નિશાળનો સમય સવારે દસ વાગ્યાનો પણ માસ્તરોએ પહોંચવું પડે સાડા નવ વાગે. એના માટે આપણા મલીયાધરના ગુણવંત માસ્તરે પકડવી પડે એસટી બસ. જે ઘેજ નામના ગામથી બિલીમોરા સુધી દહાડામાં ફક્ત ચાર વાર આવ-જા કરતી હતી.

એ જમાનામાં માસ્તરોના પગાર એટલા ઓછા કે સેકન્ડ હેન્ડ ‘મોફા’ ખરીદવાનું પણ મોંઘું પડે. વળી, આજના જેવા છકડા પણ ચાલુ નહીં થયેલા. એટલે સૌનો હતી આધાર એકમાત્ર લીલીછમ્મ રંગની એસટી. જેને સૌ ‘લીલી’ કહેતા.

આ એસટીનું ટાઈમટેબલ ભલે બિલીમોરાના બસ-ડેપોના પાટિયે લખેલું હોય પણ ગામલોકો માટે આખી સિસ્ટમ અલગ હતી. એક તો અંતરિયાળ ગામડાંઓનો આ શાંત વિસ્તાર, એટલે ‘ધણધણ ધણધણ’ ખખડતી બસ જ્યારે ધેજ તરફ જાય ત્યારે સૌને સંભળાય કે ‘ઘેજવારી ઘેજ ઘમી (તરફ) ચાલી !’

મતલબ કે હવે બાર-પંદર મિનિટમાં એ પાછી આવવાની. ટુંકમાં, ‘ઘેજવારી’ અંદર જતી ખખડે ત્યારે ગામમાંથી જેને ‘લીલી’ (બસ) પકડવાની હોય તે લોકો આરામથી ઘરમાંથી નીકળે !

પણ બિચારા ગુણવંત માસ્તર એક તો ‘માસ્તર’, ઉપરથી ‘શિસ્તપાલન’ના ચુસ્ત આગ્રહી ! એટલે એ શરૂશરૂમાં પોતાની કાંડા ઘડિયાળમાં સમય જોઈને ઘરેથી નીકળે પણ ‘લીલી’ કોઈ માસ્તરની ઘડિયાળ મુજબ થોડી ચાલતી હોય ? એ તો આવે, એની મરજી પડે ત્યારે !

શરૂઆતના દિવસોમાં ગુણવંત માસ્તરને રોજ એક દ્રશ્ય જોવા મળે. મલીયાધરાના સ્ટોપ પાસે એક ડોહી એક પોટલું બાજુમાં મૂકીને નિરાંતે બેઠી હોય. પેલી ‘લીલી’નો આવવાનો સમય ભલે સવા આઠનો હોય પણ એ તો આવી જ ના હોય !

માસ્તર ડોશીને પૂછે ‘ઘેજવારી આવી કે ?’ ડોશી કહે ‘આવે હો ખરી !’ (મતલબ કે ક્યારેક ગુટલી પણ મારી જાય, ઠોઠ નિશાળીયાની માફક) પછી જ્યારે પોણા નવ કે છેક નવ વાગે ‘લીલી’ ડોલતી ડોલતી આવે અને મલીયાધરાના સ્ટોપ ઉપર બે-ચાર પેસેન્જરોને ઉતારે, ત્યારે ડોશી કંડકડરને બૂમ પાડીને કહે :
 
‘પિરા (પોયરા યાને કે છોકરા) વહેલો પાછો આવજે ! તાં ઘેજમાં પીવા નીં બેહી જતો !’

કંડક્ટર બસનું બારણું બંધ કરતાં પહેલાં અચૂક જવા આપે ‘ડોહી તૂ આવતી છે કે ? ચાલ, તને હો પીવડાવું !’

ડોશી બોખા દાંતે હસતી રહે અને ‘લીલી’ પાછી આવે તેની શાંતિથી બેસીને રાહ જોતી રહે. પણ ‘લીલી’ એમ કંઈ ઝટ પાછી આવે ? ગુણવંત માસ્તર જુએ કે સાલી, દર વખતે કમ સે કમ અડધો પોણો કલાકે બસ પાછી ફરે !

આમાં ને આમાં માસ્તરને એમની નિશાળમાં ઠપકો મળે એ તો ઠીક, નિશાળનાં પોયરાં પણ જાણે કે ગુણવંત માસ્તરનો પે’લ્લો પિરિયડ નિશાળના બીજા પિરિયડ પે’લ્લાં ચાલુ જ નીં થવાનો ! આમાં ને આમાં ગુણવંત માસ્તરની ‘શિસ્તપ્રિયતા’ની ઇમેજ બગડતી ચાલી.

છેવટે એમણે તપાસ કરી કે પેલી ‘લીલી’ને ઘેજથી પાછા આવતાં આટલી વાર કેમ લાગે છે ? તો ખબર પડી કે ઘેજના બસ-સ્ટોપ સામે જ એક દારૂનું પીઠું છે ! માસ્તરને થયું કે ‘હહરીનો હવાર હવારમાં દારૂ કોણ પીતો છે ?’ ત્યારે ખબર પડી કે બસનો જે કંડક્ટર છે, કાળુ ભૂરિયો, તેની બૈરી રિસાઈને અહીં ઘેજ ગામમાં, તેના પિયરમાં, આવીને બેસી ગઈ છે !

કાળુ ભૂરિયો રોજ સવાર સવારના બે પ્યાલી દારૂ પેટમાં નાંખીને એની બૈરી દામલી (દમયંતી)ના ઘર આગળ જઈને તાયફો કરે… કોઈ દહાડો ઘાંટાઘાંટી કરીને ઝગડો કરે, તો કોઈ દહાડો રડી રડીને એને મનાવે ! કોઈવાર ઘરમાં ઘૂસીને દામલીને બહાર ખેંચી લાવીને કહે ‘ચાલ, તેને લેવા હારુ મેં લાખ રૂપિયાની ગાડી લેઈને આઈવો !’ તો ક્યારેક ઘરના બંધ બારણાં ઉપર મુઠ્ઠીઓ પછાડતાં ધમકી આપે ‘જો તૂં નીં આઈવી તો મેં ઝેર પીને મરી જવા !’

જોકે દામલી અને એનાં ઘરવાળાં મચક ના આપે. એટલે છેવટે કાળુ કંડક્ટર કંટાળીને બસને રિટર્ન જર્ની માટે ઉપાડે. ગુણવંત માસ્તરે આ જાણ્યા પછી શું કર્યું ? અરે, માસ્તર કરી કરીને આખરે કરે પણ શું ? એમણે બિલીમોરા ડેપોમાં લેખિત ફરિયાદ આપી.

પણ એમ કંઈ સળવળે ? એટલે પંદર દિવસ પછી જાતે જઈને (શનિવારે અડધો દિવસ હતો એટલે સમય કાઢીને) ડેપો મેનેજર આગળ મૌખિક રજૂઆત કરી. જાડા ચશ્મા પહેરેલા ઘરડા ડેપો મેનેજરે કહ્યું : 

‘જુવો માસ્તર, મેં ફરિયાડ ટો ઉપર મોકલી આપી છે, પણ આમાં કંઈ હધરવાનું (થવાનું) નીં મલે, કેમકે એ કાળુ ભૂરિયો બો માઠાભારે માણહ છે. કોઈ દા’ડો રખે ને તમને હો મારી-બારી પાડહે જો !’

છેક હવે ગુણવંત માસ્તરને ભાન થયું કે સાલું, કાલુ કંડક્ટર તો દેખાવે જ ‘માઠાભારે’ (માથાભારે) લાગતો હતો ! ખાસ્સો પોણા છ ફૂટ ઊંચો, સતત લાલઘુમ રહેત આંખો, વાંકડીયા ઝીણા વાળ, મોટી ભરાવદાર મૂછો, શર્ટનાં ત્રણ બટન ખુલ્લાં, શર્ટની નીચે પરસેવાથી ગંધાતી છાતી ઉપર કાળા વાળની રૂંવાટી અને પહોળો ભારેખમ પંજો !

આ ભારેખમ પંજો ખરેખર કેટલા વજનનો હતો (સની દેઉલના ‘ઢાઈ કિલો’ની જેમ) તેની ખબર પણ બે ચાર દિવસમાં પડી ગઈ. માસ્તરે જ્યારે એક ‘આંતલિયા’ (ધકવાડા ગામે જવા માટેનું સ્ટોપ)ની ટિકીટ માગી ત્યારે કાળુ ભૂરિયાએ પૈસા લેવાને બદલે માસ્તરનું જડબું પંજા વડે પકડીને હચમચાવતાં ગાળ દઈને દમદાટી આપેલી,  ‘ડેપોમાં મારા નામની ફરિયાડ કરવાવારો તું જ કે ?’
માસ્તરનું જડબું એવું સખત રીતે હલી ગયેલું કે તે ‘હા’ પણ ના પાડી શક્યા અને ‘ના’ પણ નહીં ! હવે થાય શું ? ‘માઠાભારે’ માણહ સાથે પનારો પાડ્યા વિના છૂટકો જ નહોતો.

એમાં વળી એક દિવસથી માસ્તરનું ‘સમયપત્રક’ વધારે ખોરવાયું ! બન્યું એવું કે તલાવચોરા ગામે, જ્યારે એક દિવસ બસ ઊભી રહી ત્યારે દરવાજેથી પિત્તળની ઘંટડી જેવો કોઈ સ્ત્રીનો અવાજ સંભળાયો ‘અરે, જરીક મારો ટોપલો ઉંચકાવો નીં !’

તાજા અંબોડામાં ખોસેલું લાલ જાસૂદનું ફૂલ, હાથમાં ચાર રંગની બાર બાર બંગડીઓ, કછોટો મારીને પહેરેલી ચસોચસ સાડી અને ઘાટીલી કાયા ધરાવતી એ ટોપલાવાળીને જોતાં જ કાળુ કંડક્ટરની આંખોમાં ચમક આવી ! તેણે ટોપલો ઉપાડીને બસમાં લેતા પૂછ્યું ‘હું છે તારા ટોપલામાં ?’

‘મારી વાડીના વેંગણ-પાપડી છે ! ખાવાનો કે ?’

આહાહા… જે બિન્દાસ લહેકાથી એ બોલી એના ઉપર કાળુ ભૂરિયો ફિદા થઈ ગયો. એ હતી લીલા ઉર્ફે લીલાવતી ! બસ, પછી તો બિલીમોરા-ઘેજવાળી બસ બબ્બે ઠેકાણે લેટ થવા માંડી ! પહેલાં ઘેજમાં મોડું થાય, પછી તલાવચોરા આવતાં પહેલાં જ, જ્યાં લીલાવતીનું ઝુંપડું સડકને અડીને ઊભું છે, ત્યાં બસ ઊભી રહેવા લાગી ! લીલા જ્યાં લગી વેંગણ-પાપડીનું ટોપલું લઈને આવે નહીં ત્યાં લગી ‘રિસેસ’ !

એ પછી તો ‘લીલી’ બસ વેંગણ-પાપડીની 'લીલા' માટે પંદર-વીસ મિનિટ ઊભી રહેવા લાગી. કાળુ બસમાંથી ઉતરીને ઝૂંપડામાં જાય, ‘લીલા’ કરે, અને પાછો સજોડે આવે પછી જ બસ ઉપડે !

હવે તો ગુણવંત માસ્તરનો મગજનો પારો થર્મોમીટર તોડીને બહાર નીકળી જાય એટલો ગરમ થવા લાગ્યો, પણ થાય શું ? જ્યાં સામેનો માણસ જ ‘માઠાભારે’ હોય ત્યાં ?

પરંતુ પેલું કહે છે ને, અંતે તો સત્યનો જ વિજય થાય છે, અથવા ઉપરવાળો બધું જુએ છે… આમાં ઉપરવાળો નહીં પણ એક ‘કારવાળો’ આખી વાતમાં એન્ટ્રી મારે છે.

બન્યું એવું કે એ સમયના એક જિલ્લા પ્રમુખ, નામે વસંતભાઈ ભીમાભાઈ, કોઈ કામસર પોતાની એમ્બેસેડર કાર લઈને ઘેજ ગામે આવેલા. પણ ‘ધોળી’ યાને કે કાર બગડી ગઈ. એટલે નાછૂટકે આ નેતાજી ‘લીલી’માં એટલે કે બસમાં બેઠા. એ જ બસમાં આપણા ગુણવંત માસ્તર ચડ્યા !

જુએ છે તો પોતાની રોજની સીટ ઉપર આજે કોઈ આર કરેલાં ઉજળાં દૂધ જેવાં ખાદીનાં વસ્ત્રો પહેરેલા નેતા બેઠા છે !

ગુણવંત માસ્તરે એમની બાજુની સીટમાં બેસતાં શુદ્ધ ગુજરાતીમાં પોતાનો પરિચય આપ્યો અને વિવેકપૂર્ણ વાત શરૂ કરી.

હવે જ્યાં ‘લીલી’ પેલા તલાવચોરા ગામના રસ્તે, પેલી લીલાની ઝુંપડી પાસે ઊભી રહી… કાળુ કંડક્ટર ‘લીલા’ કરવા ઉતર્યો… અને પંદર મિનિટ સુધી પાછો ના ફર્યો એટલે નેતાજી અકળાયા : ‘હહરીનું આ હું ચાલતું છે ?’

માસ્તરે આખી વાત સમજાવી કે ‘આ તો અડધું જ છે ! બાકીનું અડધું ધેજ ગામમાં ચાલતું છે !’ પુરેપુરો મામલો સમજાવ્યા પછી માસ્તરે ઉમેર્યું કે ‘આ હહરીનો કંડક્ટર ‘માઠાભારે’ છે એટલે એની હાંમે કોઈ પગલાં લેવાની હિંમત નીં કરતું. જો તમે એને સસ્પેન્ડ કરાવી લાખે તો બો’ ઉપકાર થહે, કેમકે નિહાળમાં મારી જે શિસ્તપ્રિય શિક્ષકની છાપ છે…’

‘બસ બસ’. નેતાજીએ હાથ ઊંચો કરતાં કહ્યું ‘હમજોનં, તમારું કામ થેઇ ગિયું.’

હવે કામ શી રીતે થયું ? શું કંડક્ટર કાળુ સસ્પેન્ડ થયો ? ના ! શું પ્રમુખ સાહેબે બિલીમોરા બસ ડેપોમાં જઈને મેનેજરનો ઉધડો લીધો ? ના ! એમણે જુદી જ ‘રાજનીતિ’ ચલાવી….

બે દિવસ પછી ઘેજના બસ-સ્ટોપથી એક સ્ત્રી બસમાં બેસે છે. એણે છેક પેટ સુધીનો ઘુમટો તાણ્યો છે… ટિકીટ પણ એક શબ્દ બોલ્યા વિના લે છે. પણ…

જેવી લીલી બસ પેલા તલાવચોરા ગામના રસ્તે લીલાની ઝુંપડી પાસે ઊભી રહી અને કાળુ કંડક્ટર ‘લીલા’ કરવા માટે ઝુંપડીમાં ગયો કે તરત જ આ સ્ત્રીએ ઘૂમટો ખોલી નાંખ્યો ! પછી તે ચંડિકાનું સ્વરૂપ ધારણ કરીને, હાથમાં લૂગડાં ધોવાના ધોકા સાથે ઝૂંપડીમાં ઘસી ગઈ !

બસ, એ પછી બસમાં બેઠેલા પેસેન્જરોને એક પણ પૈસાનો વધારાનો મનોરંજન ટેક્સ ભર્યા વિના ડબલ્યુ ડબલ્યુ એફને પણ ટક્કર મારે એવી ‘લેડીઝ-ફાઈટ’ જોવા મળી ! કેમકે… એ ઘુમટાવાળી ચંડિકા બીજી કોઈ નહીં પણ કાળુ કંડક્ટરની પિયર જઈને બેસી ગયેલી પત્ની હતી !

પછી તો જે થવાનું હતું તે જ થયું. કાળુની બૈરી દામલી પિયર છોડીને સાસરે રહેવા આવી ગઈ. એટલું જ નહીં એણે બિલીમોરા ડેપોની ઓફિસમાં જઈને ધાંધલ ધમાલ મચાવી કે કાળુની ‘બદલી’ બીજા રૂટ ઉપર થઈ ગઈ !

અને હા, થોડા જ દિવસોમાં ગુણવંત માસ્તરે પોતાની ધકવાડા ગામની શાળામાં ચુસ્ત ‘શિસ્તપાલન-કર્તા’ની ઈમેજ ઊભી કરી લીધી.

***

-મન્નુ શેખચલ્લી 

E-mail : mannu41955@gmail.com

Comments

  1. Excellent dear Lalit Bhai yaar Super Imagination 😄😄 Thanks a lot🌹🙏🌹

    ReplyDelete

Post a Comment