એક બિલ્ડીંગમાંથી ૫૦ લાખ રૂપિયાનો તોડ કરીને નીકળી રહેલા આઈએએસ ઓફિસર પોતાની લાલ-ભૂરી લાઈટ અને સાયરનવાળી કારમાં બેસવા જ જતા હતા ત્યાં કારના દરવાજે ઊભેલા ઇન્સ્પેક્ટરને જોઈને તે ચોંકી ગયા.
ઇન્સ્પેક્ટરે શાંતિની ઓફિસર સાહેબના ખભે હાથ મુકીને પૂછ્યું : ‘કેટલા રૂપિયાનો તોડ કર્યો ? આ બેગમાં કેટલા છે ?’
ઓફિસર થોથવાઈ ગયા. ‘વોટ ડુ યુ મિન ?’
ઇન્સ્પેક્ટરે ધીમે રહીને સાહેબને પોતાની પોલીસ જીપમાં પુરા માન સાથે આગલી સીટમાં બેસાડતાં કહ્યું :
‘જુઓ, મને બધી જ ખબર છે. અહીં જે બિલ્ડરની ઓફિસ છે ત્યાં જઈને તમે એક કરોડો રૂપિયાની સરકારી જમીનનો બહુ મોટો પ્લોટ પાણીના ભાવે અપાવી દેવાનો સોદો કરીને આવી રહ્યા છો.’
‘ઇન્સ્પેક્ટર, જરા સંભાળીને બોલો. તમે જાણતા નથી કે હું કોણ છું.’
‘જાણું છું.’ ઇન્સ્પેક્ટર હસ્યા. ‘તમે એક નકલી આઈએએસ ઓફિસર બનીને ફરી રહ્યા છો. આ પહેલાં તમે કમ સે કમ ત્રણ મોટી જમીનો સસ્તામાં અપાવી દેવાના વાયદા કરીને સાત જણાને બાટલામાં ઉતારી ચૂક્યા છો.’
હવે ઓફિસરની બોલતી બંધ થઈ ગઈ. ઇન્સ્પેક્ટરે કહ્યુ :
‘છેલ્લા બે વરસથી હું તમારા પગલાં ચાંપી રહ્યો છું. પણ મારી પાસે પુરાવા નહોતા. પરંતુ હવે બધા પ્રફુ લઈને બેઠો છું…’
ઓફિસરના ટાંટિયા ધ્રુજવા લાગ્યા.
ઇન્સ્પેક્ટરે વારાફરતી નકલી આઈએએસ ઓફિસરના કૌભાંડોની યાદી સંભળાવવા માંડી. હજી યાદી અડધી જ પતી ત્યાં ઓફિસર બોલી ઉઠ્યા :
‘યાર, મુદ્દાની વાત કરો ને ? આ બધા કેસ કરીને તમને શું મળવાનું ? એના કરતાં -’
‘એના કરતાં શું ?’ ઇન્સ્પેક્ટરે સૂચક રીતે હથેળી ખંજવાળી.
ઓફિસર બોલ્યા : ‘બે કરોડ ચાલશે ?’
‘પાંચ કરોડ. પણ કેશ.’
‘ડન !’ ઓફિસર ખુશ થઈ ગયા.
બીજા દિવસની રાત્રે શહેરથી દૂર એક સૂમસામ જગ્યાએ ઓફિસરે ઇન્સ્પેકટરને પાંચ બેગો આપી. બંને છૂટા પડ્યા…
પણ બીજા જ દિવસે ઇન્સ્પેક્ટરનો ફોન આવ્યો ‘હરામખોર ! આ બધી જ નોટ નકલી છે !’
ઓફિસરે કહ્યું ‘તું પણ નકલી ઇન્સ્પેક્ટર જ છે ને ? જા, થાય તે કરી લેજે !’
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment