આજકાલ દેશમાં અને વિદેશમાં એવી એવી ઘટનાઓ બની રહી છે કે એના ન્યુઝ સાંભળીને માથું ખંજવાળતા રહી જઈએ કે… આમાં શું સમજવું ?
પણ આપણી પાસે રણઝણસિંહના ઉટપટાંગ જવાબો પણ છે ! જુઓ –
***
અમેરિકાએ એક બાજુ યુક્રેનને લાંબા અંતરની મિસાઈલ વડે રશિયામાં બોમ્બ ઝીંકવાની છૂટ આપી દીધી...
અને બીજી બાજુ ૨૪ કલાકમાં યુક્રેનમાંથી પોતાની રાજદૂત કચેરીનું મકાન ખાલી કરીને તાળા પણ મારી દીધાં !
આમાં શું સમજવું ?
રણઝણસિંહ કહે છે : ‘મન્નુડા, આમાં એટલું જ હમજવાનું છે કે સૂતળી બોમ્બમાં દિવાસળી ચાંપ્યા પછી ન્યાં ઊભા નો રે’વાનું હોય.. ન્યાંથી ભાગી જાવાનું હોય !’
***
એક બાજુ જેલમાં બેઠેલા લોરેન્સ બિશ્નોઈએ સોપારી આપીને મુંબઈમાં બાબા સિદ્દકીની હત્યા કરાવી નાંખી...
અને બીજી બાજુ લોરેન્સનો ભાઈ અનમોલની બિશ્નોઈ અમેરિકામાં ખાલીસ્તાની નિજ્જરની હત્યાના કાવતરામાં ધરપકડ થઈ ગઈ !
આમાં શું સમજવું ?
રણઝણ સિંહ કહે છે : ‘મન્નુડા, આમાં હિન્દી ફિલમના ડાયલોગ જેવું છે. ‘કાનૂન કે હાથ લંબે હોતે હૈ... કભી કભી તો ઇતને લંબે હોતે હૈ કે ઠેઠ અમેરિકા તક પૂજ જાતે હૈં !’ અટલે બવ ફાંકામાં નો રે’વુ !’
***
એક બાજુ મહારાષ્ટ્ર અને ઝારખંડમાં ચૂંટણીઓ પતી...
અને બીજી બાજુ તરત જ ‘અમેરિકામાં’ અદાણી ઉપર એ મામલે કોર્ટ કેસ થયો છે કે એમણે ‘ભારતના’ સરકારી અધિકારીઓને ૨૬૫ મિલિયન ડોલરની લાંચ આપી હતી !
આમાં શું સમજવું ?
રણઝણ સિંહ કહે છે : ‘મન્નુડા, આમાં હમજવા જેવું કાંઈ છે જ નંઈ ! ભારતમાં લાંચ લેવી કે દેવી ઈ કાંઈ મોટો ગુનો ગાતો જ નથી ! કેસ અમેરિકામાં થ્યો ને નુકસાન ભારતના શેરબજારિયાને થ્યું !
આમાં ખાલી વિચારવાનું એટલું જ કે આવા નીચા ભાવે અદાણીના શેર લેવાય કે નંઈ ? બાકી ઝારખંડ-મહારાષ્ટ્રવાળું કનેક્શન જોડવું હોય તો એમ કે’વાય કે ‘અદાણી એક હૈ, તો સબ સેફ હૈ’ અને ‘અદાણી બટેંગે તો સબ કટેંગે !’
બોલો કાંઈ સમજાણું ?
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment