નવી રાજકીય સિક્વલો !

બોલીવૂડમાં તો આમેય કોઈને કશું નવું સૂઝતું નથી એટલે બધા સિક્વલોમાં ફાંફાં મારી રહ્યા છે… હેરાફેરી-થ્રી, દે દે પ્યાર દે-ટુ, હાઉસફૂલ- ફાઈવ…

એ જ રીતે દેશના ટાંટિયાખેંચૂ રાજકારણમાં પણ આમ જોવા જાવ તો હરીફરીને જૂની ફિલ્મોની સિક્વલો જ આવતી રહી છે. (જેમ કે ગરીબી હટાઓ- વન, ટુ, થ્રી, ફોર, ફાઈવ…)

પરંતુ નજીકના ભવિષ્યમાં આપણને નવી સિક્વલો જોવા મળવાની છે ! દાખલા તરીકે…

*** 

મહા-મહારાષ્ટ્ર-થ્રી :
ચૂંટણીના પરિણામો જાહેર થાય એટલી જ વાર છે ! એ પછી મહા અઘાડી ‘છોટે અઘાડી’ બની શકે, મહાયૂતિ ‘મહાદુઃખી’ થઈ શકે… અજીત પવાર જે ‘કિંગમેકર’ના રોલમાં હતા તે ‘કિંગબ્રેકર’ બની શકે છે… એટલું જ નહીં, શિવસેના-ટુ પછી ‘શિવસેના-થ્રી’ પણ આવી શકે છે !

*** 

ઈડી રિટર્ન્સ :
લોકસભાની ચૂંટણી પહેલાં ઈડીની જે સ્ક્રીપ્ટ હતી તે હવે બદલાઈ રહી છે. હવે ભ્રષ્ટ નેતાઓને બદલે ઈડી ‘વોટ જિહાદ’ અને ‘બાંગ્લાદેશી ઘૂસણખોરી’ નામના નવા વિલનો સામે લડી રહી છે !

*** 

વોશિંગ મશીન-ફોર
ગુજરાતમાં જેની પહેલી ફિલ્મ લોન્ચ થઈ હતી એ બીજેપી વોશિંગ મશીનની બીજી અને ત્રીજી આવૃત્તિઓ આપણે જોઈ ચૂક્યા છીએ… હવે મહારાષ્ટ્રના રિઝલ્ટ બહાર પડે કે તરત એ ‘ફ્રેન્ચાઈઝી’માં કોને કોને રોલ મળે છે તે જોવા મળશે.

*** 

પલ્ટુરામ-ફાઈવ
ઘડીકમાં ભાજપ સાથે, ઘડીકમાં ઈન્ડી ગઠબંધનમાં, ક્યારેક વળી હાથમાં લાલુજીની ‘લાલટેન’ સાથે તો ક્યારેક અગિયાર અગિયાર નેતાઓ સાથે ઊંચા હાથ મિલાવીને ફોટા પડાવનાર આ હરફનમૌલા કલાકાર આજકાલ મોદીજીને પાંચ પાંચ વાર પગે પડતા દેખાયા છે ! મતલબ કે પોસ્ટરમાં દેખાય છે તે અલગ છે અને સ્ટોરી નીકળશે કંઈ જુદી જ ! જોતા રહેજો…

*** 

પાકિસ્તાન-રિપ્લે ફોર-એવર
ભારતમાં આતંકવાદ હોય, આઈસીસી ટ્રોફીમાં આડોડાઈ હોય કે કાશ્મીરનો જુનો પુરાણો રાગ હોય… આ પાકિસ્તાની મુવીની કેસેટ વારંવાર રિપ્લે થતી રહે છે. છતાં સૌને લાગે છે કે ‘ન્યુ રિલીઝ’ છે ! બોલો.

***

- મન્નુ શેખચલ્લી

Comments