હોઠ તો ગુલાબી પાંખડી જેવા જ હોય અને વાળ તો કાળા વાદળની ઘટા સમાન જ હોય… એવી સરખામણીઓ હવે જુની થઈ ગઈ છે ! આજના જમાનામાં સરખામણીના વન-લાઈનર્સમાં પણ હવે નવા ટ્વિસ્ટ આવી રહ્યા છે ! જુઓ…
***
મોબાઈલમાં આવી પડતાં ‘સ્માઈલીઓ’ અને શાકભાજીવાળો મફતમાં જે ‘ઝભલાં કોથળી’ આપે છે એમાં તાત્વિક રીતે તો કોઈ ફેર છે જ નહીં !
***
હા, ફરક એટલો જ કે બહેનો કોઈપણ કારણ વિના ‘ઝભલાં કોથળીઓ’ સંઘરી રાખે છે !
***
મોબાઈલમાં વારંવાર ચોંટી-ચોંટીને ચાલતી મુવી અને મોલમાં દુકાને દુકાને અટકી જતી પત્ની સરખો જ ત્રાસ આપે છે !
***
હા, ફરક એટલો કે દુકાને ચોંટી જતી પત્ની સરવાળે ખુબ જ મોઘી પડે છે !
***
યાદ રાખજો કોઈપણ ટ્રાફિકમાં એમ્બ્યુલન્સ વાનની સ્પીડ કરતાં પિત્ઝા ડીલીવરી કરનારાની બાઈકની સ્પીડ હંમેશા વધારે જ હોવાની !
***
હા, કારણ કે લાશ ઠંડી પડી જશે તો ચાલશે પણ પિત્ઝા ઠંડો ના પડવો જોઈએ !
***
વાયરલ થઈ ગયેલા વિડીયોના વ્યુઝની સંખ્યા ટાઈલ્સ ઉપર ઢોળાઈ ગયેલી ખાંડ ઉપર ભેગી થતી કીડીઓની જેમ સતત વધ્યા જ કરતી હોય છે !
***
હા, પરંતુ રોજ સવાર પડે ને ત્રીસ ત્રીસ મિનિટ લાંબા રાજકીય વિશ્લેષણો અથવા નામ પણ ના સાંભળ્યું હોય એવી ગુજરાતી ફિલ્મના બીબાંઢાળ બોરિંગ રિવ્યુની સંખ્યા…
...વાસી રોટલાને સુંઘ્યા વિના જતાં રહેનારાં કુતરાંઓની માફક સ્થિર જ રહે છે ! (સુંઘી જોજો !)
***
ચોમાસામાં રસ્તાઓ ઉપર જેટલા ખાડા પડી જાય છે તેની સંખ્યા અને ફેસબુકમાં વરસાદ વિશે ટપકવા માંડતી કવિતાઓની સંખ્યા.. આ બંને ‘કુદરતી આપત્તિ’ જ કહેવાય ! (એનો કોઈ ઉપાય ના હોય.)
***
બાકી, ફેસબુકના ફ્રેન્ડઝ, ઇન્સ્ટાગ્રામનાં ફોલોઅર્સ અને યુ-ટ્યુબના સબ-સ્ક્રાઈબરો ફૂગ્ગામાં ભરાતી હવા જેવા હોય છે… તમે પંપ મારવાનું બંધ કરશો કે તરત જ નીકળી જશે !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment