આજકાલ મેરેજના રિસેપ્શનોમાં જેટલા રૂપિયાની ડીશો (મિનિમમ બે જણા તો જાઓ છો ને.) ખાઈએ છીએ એનાથી વધારે રૂપિયાનું કવર આપવાનો રીવાજ રહ્યો જ નથી… તેમ છતાં અમુક સાવધાનીઓ જરૂરી છે !
***
હાથમાં ખાલી ડીશ લેતા પહેલાં આખા એરિયામાં એક રાઉન્ડ મારીને જોઈ લેવું કે અહીં ડીનરમાં શું શું આઈટમો છે. નહિતર ત્રણ-ત્રણ ‘લાઈવ ઢોંસા’ ઝાપટી લીધા પછી ખબર પડશે કે અલ્યા, તમારા ફેવરીટ ‘લાઈવ પિત્ઝા’નું કાઉન્ટર પણ ક્યાંક હતું !
***
વધારે સેફ્ટી માટે ડીશમાં કંઈપણ ભરતાં પહેલાં ફ્રેન્ડની ડીશમાંથી અમુક આઈટમો જરૂર ચાખી લેવી ! નહિતર અઘરા અંગ્રેજી નામવાળી વાનગીનું રંગરોગાન જોઈને લીધા પછી એ જ ચીજ સાવ વિચિત્ર સ્વાદવાળી નીકળવાની શક્યતા છે !
એટલું જ નહીં, એ વાનગીની ગ્રેવી દદડીને તમારી ફેવરીટ પંજાબી સબ્જીની ગ્રેવીમાં મિક્સ થશે તો તમારાં ‘બેય’ બગડશે !
***
વારંવાર લાઈનોમાં ઊભા ના રહેવું હોય તો ડીશમાં દાળ-ભાત લઈને ટેબલ ખુરશી પર બેસી જાવ ! વેઈટર તમને બધું જ લાવી લાવીને આપી જશે ! (વેઈટર કદી લાઈનમાં નથી ઊભો રહેતો. આ તમારી જાણ ખાતર.)
***
છતાં જો ઓળખીતા અને સગાંઓ સાથે ઊભા ઊભા જ ખાવાનો વારો આવે તો (અને ખાવાનું ખરેખર મસ્ત હોય તો) વાતોમાં ‘ખ્યાતિકાંડ’ જેવો ગરમાગરમ ટોપિક છેડી દો… પછી જોજો, આજુબાજુના સાત જણા બોલવામાંથી ઊંચા નહીં આવે અને તમારે ખાવામાંથી ઊંચા આવવાની જરૂર નહીં પડે !
***
અને હા, સોમરસ (નશીલું પીણું)ની બેઠક ક્યાં છે એ શોધવા માટે બારીક અવલોકનની મદદ લેવી… જે ખૂણા તરફ છૂટક છૂટક લોકો મક્કમ પગલે જતા દેખાય અને ડોલતા પગલે પાછા આવતા દેખાય ત્યાં જ એ હશે !
જલસા કરો રાજ્જા !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment