સમાચાર બહુ અનોખા છે ! અમદાવાદમાં હવે શહેરના કચરામાંથી વીજળી પેદા થશે ! રોજના ૧૦૦૦ ટન કચરામાંથી બનશે રોજની ૧૦ મેગાવોટ વીજળી !
આખરે આ દેશમાં ‘કચરા’ની કિંમત થઈ રહી છે ! જુઓ…
***
અમદાવાદ રોજનો ૪૦૦૦ ટન કચરો ‘પેદા’ કરે છે ! મતલબ કે હજી તો કચરાને માત્ર પચ્ચીસ ટકા જ સન્માન મળ્યું છે યાને કે હજી પંચોતેર ટકા કચરો માત્ર ‘કચરો’ જ છે ? સરાસર ના-ઇન્સાફી હૈ હુજુર !
***
આ તો અમદાવાદ છે… હવે જોજો, જે રીતે ઘેર ઘેર પસ્તી ઉઘરાવનારા આવે છે એ રીતે કચરો ખરીદનારા નીકળશે : ‘કચરોઓઓ…. આલવાનો… બેએએન ?’
***
અમદાવાદની ગૃહિણીઓને ભાવતાલ કરવા માટે નવું ફિલ્ડ મળશે : ‘દસ કિલોના ખાલી દસ રૂપિયા ? ના હોં, પંદર આપતા હોય તો બોલો, નહિતર મારે તો વીસ વીસ કચરાપેટીઓ ભરેલી પડી છે… બીજી વીસ લઈ આઈશું !’
***
સૌથી મોટી તકલીફ મ્યુનિસિપાલીટીની કચરાગાડીને થવાની ! બહેનો રોજ કકળાટ કરશે : ‘આટ આટલાં વરસ લગી તમને મફતમાં કચરો આપ્યો… હવે તો વજન પ્રમાણે ભાવ કરીને પૈસા આલો, નહિતર લારીઓવાળા તો આવે જ છે !’
***
અગાઉ ‘પાડોશણો’ એ વાતે ઝગડતી હતી કે ‘તમારા ઘરનો કચરો અમારા આંગણામાં શેનો નાખો છે ? દેખાતું નથી ?’
હવે એ જ પડોશણો લડશે : ‘અલી, મારા આંગણાનો કચરો તું શેની રોજ વાળી વાળીને લઈ જાય છે ? અમે કંઈ આંધળા છીએ ?’
***
જુનું સ્લોગન હતું ‘ગો ઇસ્ટ યા વેસ્ટ, ઇન્ડિયા ઇઝ ધ બેસ્ટ’
પણ હવે નવું સ્લોગન આવશે ‘વ્હાય ગો ઈસ્ટ યા વેસ્ટ ? ઇન્ડિયન વેસ્ટ ઇઝ બેસ્ટ !’
***
ઇન્ડિયા હવે ‘વેસ્ટ-અર્ન’ કંટ્રી બની જશે !
***
અને વિચાર કરતાં જ હસવું આવે છે પણ મોદીજીએ ‘સ્વચ્છતા અભિયાન’ને બદલે નવું શરૂં કરવું પડશે… ‘અસ્વચ્છતા અભિયાન !’
- ગંદા હૈ પર ધંધા હૈ ! બોલો.
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment