અંબાણી તમારી પાસે સો-બસ્સો કરોડ ઉછીના માગે…
અદાણી તમારી પાસે થોડો પાવર માગે…
અમિતાભ તમારી પાસે લાઈફ-લાઈન માગે…
અને રજનીકાંત તમારી ફિલ્મમાં રોલ માગે…
***
કેજરીવાલ તમને લિકર લાયસન્સ આપે…
સુનિતા વિલિયમ્સ તમને લિફ્ટ આપે…
કમલા હેરિસ તમને વોટ આપે…
અને ઝુકરબર્ગ તમને પાર્ટનરશીપ આપે…
***
ઐશ્વર્યા અભિષેકને છોડીને તમને ચાહે…
અરે, કરણ જોહર શાહરુખને છોડીને તમને બોલાવે…
દિપીકા પદુકોણ તમારા ઓટોગ્રાફ માગે…
અને રણવીર પહેરવા માટે તમારી ‘ચાદર’ માગે…
***
ધોની તમારી કંપનીનો બ્રાન્ડ એમ્બેસેડર હોય…
કોહલીની બેબી તમારી કંપનીના બેટથી ક્રિકેટ રમતી હોય…
રિવાબા જાડેજા તમારા ઘરે પુરણપોળી જમવા આવતા હોય…
અને તમે પ્રીટી ઝિન્ટા જોડે પેરિસમાં બેસીને છાશની જોડે વાઈન પીધો એ વાતે શિલ્પા શેટ્ટી તમારી જોડે રીસાઈ જતી હોય…
***
લોરેન્સ બિશ્નોઈ તમારું પ્રોટેક્શન માગે…
દાઉદ ઇબ્રાહિમ તમારી દયાની ભીખ માગે…
દયા તમારી પાસે જેઠાલાલ બાબતે સલાહ માગે…
અને જેઠાલાલ તમારી પાસે બબિતા માગે…
***
ઝેલેન્સ્કી તમને કહે, પુતિનને સમજાવો…
આયાતોલ્લા કહે, તમે નેતન્યાહુને મનાવો…
મોદી ભલે તમને કહે કે રાહુલને જરા રમાડો…
પણ રાહલ તમને જરૂર કહે કે ભૈશાબ તમે મોદીને ના છંછેડો…
***
બાકી, ભલેને ઘરમાં ફ્રીજમાં સોનાની પાટો ભરી હોય…
ભલેને કિચનના માળિયામાં ચાંદીના કોથળા ભર્યાં હોય…
ને, ભલે ને બાથરૂમના શાવરમાંથી ડાયમન્ડ વરસતા હોય..
છતાં ખિસ્સામાં દસ રૂપિયાનું પરચૂરણ તો હોય જ !
***
આવનારા વરસમાં આવાં ને આવાં સપનાં તમને રોજ આવે એવી શુભેચ્છાઓ !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment