રિઝલ્ટ પહેલાં... રિઝલ્ટ પછી... !

મહારાષ્ટ્રનાં ચૂંટણી પરિણામોએ સૌને ચોંકાવી દીધા ! (હરિયાણાનાં પરિણામો, અમેરિકાના પરિણામો, લોકસભાના પરિણામો… આમ જોવા જાવ તો છેલ્લાં દસેક વરસનાં ઘણાં પરિણામો) પરંતુ આ ચોંકી જનારા જે ‘સૌ’ છે, એમના સૂર કેટલા ઝડપથી બદલાઈ જતા હોય છે ? માર્ક કર્યું ?!

*** 

પરિણામો પહેલાં : કાંટે કી ટક્કર હૈ, જનતાનું મન અકળ છે…
પરિણામો પછી : ક્લીન સ્વીપ !! જનતાનો સ્પષ્ટ ચૂકાદો !!

*** 

પરિણામો પહેલાં : શરદ પવાર આ ખેલના બહુ જુના અને શાતિર ખેલાડી છે.
પરિણામો પછી : શરદ પવારનું ભવિષ્ય અંધકારમય છે ! (આઠ જ કલાકમાં અંધારું ?)

*** 

પરિણામો પહેલાં : વિપક્ષોનો દાવો છે કે ૧૬૦ થી ૧૬૫ સીટો આવશે. જનતા અમારી સાથે છે.
પરિણામો પછી : વિપક્ષોને લાગે છે કે કંઈક તો ગડબડ છે. કાં તો ઈવીએમમાં કાં તો… (પેલી જનતા સાથે હતી તેનું શું થયું ?)

*** 

પરિણામો પહેલાં : ચૂંટણીમાં ચતુષ્કોણીય મુકાબલો છે… ‘હંગ એસેમ્બલી’ની લટકતી તલવાર…
પરિણામો પછી : ચૂંટણીનાં પરિણામો એકતરફી નીકળ્યાં…  ‘હંગ એસેમ્બલી’ની અટકળો ખોટી પડી…

*** 

પરિણામો પહેલાં : વિદર્ભની પેટર્ન અલગ છે… મરાઠાવાડાનો મિજાજ અલગ છે… મુંબઈમાં મામલો જુદો છે… કોંકણપટ્ટીનું કોકડું અલગ છે…
પરિણામો પછી :  સમગ્ર મહારાષ્ટ્રમાં મહાયુતિની લહેર… (પેલો છ ભાગ બતાડનારો નકશો ક્યાં ગયો ?)

*** 

પરિણામો પહેલાં : એર-કંડીશન્ડ સ્ટુડિયોમાં બેસીને ‘અમે’ જે દેખાડવા માગીએ છીએ એ જ જોવા મળશે.
પરિણામો પછી : ગ્રાઉન્ડ રિયાલીટી અલગ હતી, જે ‘વિપક્ષો’ને ના દેખાઈ ! બોલો.

*** 

પરિણામો પહેલાં : ભાજપ હારે છે.
પરિણામો પછી : ભાજપ હાર્યું !

(અરે, આ ઝારખંડની વાત છે ! એકાદ વાર તો ક્રેડિટ લેવા દો ?)

***

- મન્નુ શેખચલ્લી

Comments