છોકરીઓનું મોબાઈલ શોપિંગ !

હવે સમય એવો ચાલી રહ્યો છે કે જ્યારે છોકરીઓ નવો મોબાઈલ ખરીદવા જશે ત્યારે શું થશે…

*** 

‘કોઈ સારો મોબાઈલ બતાડો ને ?’

‘કઈ રેન્જમાં બતાડું ?’

‘ત્રણથી પાંચ હજારમાં હોય એવો બતાડોને.’

‘ત્રણથી પાંચ હજાર ? મેડમ, એમાં તો પેજર પણ ના આવે.’

‘અરે, ત્રણથી પાંચ હજારનું ઈએમઆઈ ! બાકી પ્રાઈસ ભલેને દોઢ બે લાખની હોય ?’

‘ઓહો ! તો આ જુઓ ફાઈવ જી, એન્ડ્રોઈડ ઓએસ, ૫૧૨ જીબી સ્ટોરેજ, લિક્વીડ ફાયર એન્ડ એક્સિડેન્ટ પ્રોટેક્શન, વન યર વોરન્ટી…’

‘એ બધું છોડો, આમાં કેમેરા કેટલા છે ?’

‘કેમેરા તો એક જ હોય ને -’

‘એમ નહીં, સેલ્ફી માટે અલગ, ગ્રુપી માટે અલગ, વિડીયો માટે અલગ, સ્લો મોશન માટે અલગ એવું ના હોય ?’

‘એટલે… એ બધું જ એકમાં છે.’

‘પણ આમાં ચકરડાં તો ચાર છે.’

‘એ લેન્સ છે. ત્રણ જાતના, અને ચોથી ફ્લેશ છે.’

‘આટલી નાની ? કેમ પેલી ગોળ રીંગ જેવી લાઈટ નથી ? રીલ્સ બનાવવા માટે ?’

‘એ તો તમારે અલગથી લેવી પડે ને.’

‘અચ્છા, આમાં ફિલ્ટર કેટલાં છે ? ચાલીસ પચાસ હોય તો જ બતાડજો.’

‘એ તો તમારે ડાઉનલોડ કરવા પડે.’

‘તો આની જોડે તમે ફ્રી શું આપો છો ? લેટેસ્ટ મેકપ કીપ આપો છો ?’

‘મેકપ કીટ ?’

‘અરે રીલ્સ બનાવવા માટે ! અને હા, આ દોઢ લાખનો ફોન લઉં તો જોડે ફોલોઅર્સ કેટલા આપો છો ?’

‘ફોલોઅર્સ ?’

‘અને હા, રોજની ૩૦૦ લાઈક અને મહિનાના ૧૫૦૦ નવા સબસ્ક્રાઈબર્સ આપતા હો, તો જ વાત કરજો.’

‘સબસ્ક્રાઈબર્સ ?’

‘તમારાથી ના પોષાતું હોય તો અત્યારથી જ ના પાડી દો, કેમકે બાજુની દુકાનમાં તો ૨૦૦ રીલ્સ પણ ફ્રીમાં બનાવીને આપવાના સ્કીમ છે !’

‘ઓકે મેડમ, તમે જે માગો છો એ બધું જ અમે આપવા તૈયાર છીએ.’

‘એમ…? તો… મોબાઈલ સાથે બોયફ્રેન્ડ કેટલા અપાવો છો ?’

(સેલ્સમેન બેહોશ.)

***

- મન્નુ શેખચલ્લી

Comments