મહા-નોન્સેન્સ શાયરીઓ !

સાવ લોજિક વગરની સ્ટુપિડ શાયરીઓની પણ એક અલગ મઝા હોય છે. જેમકે એક આવી ફેમસ હતી કે ‘ઇકત્તર, બહત્તર, તિહત્તર… ચોહત્તર…’ પછી શું ? તો કહે ‘પંચત્તર, છત્તત્તર, સત્તત્તર… અઠત્તર !’

આવી જ નવી ‘મહા-નોન્સેન્સ’ સાંભળતા જાવ…

*** 
એકસો એક
બસ્સો એક
પાંચસો એક…
(આહાહા)
એકસો એક
બસ્સો એક
પાંચસો એક…
(આગળ શું?)
ચાંલ્લા માટે
છૂટ્ટો આપો
રૂપિયો એક !

*** 

પૂર્વ… પશ્ર્ચિમ…
ઉત્તર… દક્ષિણ…
(વાહ વાહ)
પૂર્વ… પશ્ર્ચિમ…
ઉત્તર… દક્ષિણ…
‘દિશા’ છે દયા
અને જેઠાલાલ છે ગડા !

(ચંપલ દૂર રાખજો.)

*** 

ઇશાન… અગ્નિ…
નૈઋત્ય… વાયવ્ય…
(સાંભળજો)
ઈશાન… અગ્નિ…
નૈઋત્ય… વાયવ્ય…
જો તો ખરો,
ચારે ખૂણામાં કચરો છે
ફરીથી સાફ કર !

(ખોપડી ગરમ થઈ ને ?)

*** 

જમીનથી આકાશ સુધી
આકાશથી જમીન સુધી
(આ નવી છે)
જમીનથી આકાશ સુધી
આકાશથી જમીન સુધી
‘ખાલી જગ્યા’ છે !
એક પ્રશ્નનો એક માર્ક.

(આ કવિ માર ખાશે.)

*** 

અહીંથી ત્યાં સુધી
ને ત્યાંથી અહીં સુધી
(આ ઊંચી છે)
અહીંથી ત્યાં સુધી
ને ત્યાંથી અહીં સુધી
બોલો,
ચોકીદાર આંટા મારે છે
સવાર સુધી !

(મારું ચંપલ ક્યાં છે…)

*** 

અગિયારસ બારસ
તેરસ ચૌદસ..
(ક્યા બાત હૈ)
અગિયારસ બારસ
તેરસ ચૌદસ…
(પછી)
પૂનમ… પાંડે
પૂનમ… સિન્હા
પૂનમ… ધિલ્લોન !

(સડેલા ટામેટાં ક્યાં છે ?)

*** 

જા ની વા લી
પી ના રા…
(આ બેસ્ટ છે)
જા ની વા લી
પી ના રા…
બસ,
બાકી બધા ખાનારા
ને ખાઈને મોઢું ધોનારા !

(આ કવિને કોઈ પકડો…)

*** 

એક તો
દમ જુનો રોગ છે…
બીજું, રોગ તો
દવાથી જ મટે…
ત્રીજું, દવા તો
કડવી  હોય…
અને ચોથું,
કવિતા પણ કડવી હોય ! બોલો.

(હવે તો મારવો જ પડે, કવિને !)

***

- મન્નુ શેખચલ્લી

Comments