પાકિસ્તાનનો કરોડપતિ ભિખારી !

પાકિસ્તાનથી એક અનોખા ન્યુઝ આવ્યા છે ! કહે છે કે ત્યાંના ગુજરાનવાલા ટાઉનના એક ભિખારીએ એની દાદીની ‘૪૦મી’ માટે ૧.૨૦ કરોડ રૂપિયા ખર્ચીને ૨૦,૦૦૦ લોકોને બિરીયાની વગેરે જમાડ્યાં !
આમાં જોવા જેવી વાત ઘણી છે. જેમ કે…

*** 

જો પાકિસ્તાનના કોઈ ભિખારી પાસે આટલા બધા રૂપિયા હોય તો વિચાર કરો, ત્યાંના નેતાઓ કેટલા દબાવીને બેઠા હશે !

*** 

પેલા ૨૦,૦૦૦ લોકો તો એમ વિચારતા હશે કે યાર, આ ભિખારીની માત્ર એક જ દાદી હતી ? બીજી બે-ત્રણ પણ હશે ને જનાબ !
(જે મફતમાં ખાવા મળ્યું એ.)

*** 

જોકે આ ઘટના પાકિસ્તાનમાં જ બની શકે કેમકે જે દેશ ઓલરેડી ૨૩ વખત આઈએમએફની લોન (એટલે કે ભીખ) લઈ ચૂક્યું છે, ત્યાં જ ભિખારીઓ આટલા ‘એક્સ્પર્ટ’ હોય ને ?

*** 
પાકિસ્તાની સરકાર હવે સિરીયસલી વિચારી રહી છે કે હવે પછીની લોન આઈએમએફ પાસે લેવાને બદલે પાકિસ્તાનના ભિખારીઓ પાસે જ લેવી !

- કેમકે માત્ર ભિખારીઓ જ ભિખારીનું દર્દ સમજી શકે છે !

*** 

કહે છે કે આ મિજબાની માટે માત્ર ૨૫૦ બકરાઓને હલાલ કરવામાં આવ્યા હતા. આ વાત ઉપર પાકિસ્તાનની પ્રજાનું કહેવું એમ છે કે આ ભિખારી નેતાઓ કરતાં કેટલો સારો છે ! કેમકે નેતાઓ તો વરસોથી બિચારી પબ્લિકને જ ‘બકરો’ બનાવતી આવી છે !

*** 

અગાઉ સાઉદી અરેબિયામાંથી પાકિસ્તાની ભિખારીઓને પકડી પકડીને પાછા મોકલી દેતા હતા. પણ આ જોયા પછી સાઉદીવાળા પણ વિચારી રહ્યા છે કે ખાસ ભિખારીઓ માટે નવા ‘ઇન્વેસ્ટર્સ વિઝા’ જારી કરવામાં આવે !

*** 

દરમ્યાનમાં પાકિસ્તાની નાણાંપ્રધાન એ ભિખારીને મળીને તાલીમ લેવા માગે છેકે વિદેશોમાં જઈને આ ‘કળા’નો ઉપયોગ શી રીતે કરવો ?

*** 

એક રિપોર્ટ મુજબ પાકિસ્તાનની ‘આંતરરાષ્ટ્રિય ભિખારી ઉદ્યોગ’ ૪૨ બિલિયન ડોલર (૧૧,૫૫૦ અબજ પાકિસ્તાની રૂપિયા) જેટલો મોટો છે !

- અને આમાં ‘સરકારી ભીખ’ની ગણતરી કરી નથી ! બોલો, આમાં નવાઝ શરીફ અને શાહબાઝ શરીફ તો ભિખારીમાં ય ભિખારી ગણાયા કહેવાય ને !

***

- મન્નુ શેખચલ્લી

Comments