સુવાક્યોમાં ઝોલ છે !

રોજ સવાર પડે ને મોબાઈલમાં ટપકી પડતાં સુવાક્યોથી કોની જિંદગીઓ સુધરતી હશે ? એ તો ઠીક, કયો માઈનોલાલ એક ટકા પણ વધારે સમજુ બનતો હશે ?

એટલે જ, અમને તો સુવાક્ય વાંચતાંની સાથે જ એમાં ‘ઝોલ’ દેખાય છે, બોસ ! તમે પણ જુઓ…

*** 

સુવાક્ય : ‘સત્ય હંમેશાં કડવું હોય છે.’
ઝોલ : અચ્છા ? તો પછી ખાંડ, ગોળ, ચોકલેટ, મીઠાઈ, કેક… આ બધું ‘અસત્ય’ છે ?’

*** 

સુવાક્ય : ‘સર્વ દિશાઓમાંથી શુભ વિચારો આવવા દો.’
ઝોલ : પછી એ બધું ડિલીટ કોણ કરશે ? તમારો કાકો ?

*** 

સુવાક્ય : ‘દુનિયા હંમેશાં ઉગતા સૂર્યની પૂજા કરે છે.’
ઝોલ : હા ભઈ હા ! પણ બોસ, બધા જલસા તો રાત્રે જ થાય છે ને ?

*** 

સુવાક્ય : ‘ઇચ્છા દુઃખની મા છે.’
ઝોલ : આમાં બોસ તમારે કુટુંબ નિયોજન ખાતામાં જ ફરિયાદ કરવી પડે !

*** 

સુવાક્ય : ‘ધીરજના્‌ ફળ મીઠાં હોય છે.’
ઝોલ : અને ધીરજનાં લીંબું ?

*** 

સુવાક્ય : ‘આખરે સત્યનો જ વિજય થાય છે.’
ઝોલ : થતો હશે, પણ એ ‘આખર’ આવે ત્યાં સુધી અસત્ય આપણી પથારી ફેરવી ફેરવીને ઢીલા-ઢસ કરી નાખે છે, એનું શું ?

*** 

સુવાક્ય : ‘ના મળે અધિકાર ત્યારે ગર્જના કરવી પડે, નહિતર આખી જિંદગી યાચના કરવી પડે.’
ઝોલ : આવું લખનાર એની પત્ની સામે એકાદ ગર્જના કરી બતાવે તો માનવું !

*** 

સુવાક્ય : ‘એવી વ્યક્તિને પસંદ કરો જે તમને દરેક પરિસ્થિતિમાં પસંદ કરે, એવી નહીં કે જે એના મૂડ પ્રમાણે તમને પસંદ કરે.’
ઝોલ : બસ, આમાંને આમાં કંઈ કેટલાય છોકરાઓ ૪૦-૪૦ વરસના વાંઢા રહી ગયા !

*** 

સુવાક્ય : ‘સંબંધની શરૂઆત બે વ્યક્તિના નિર્ણયથી થાય છે અને અંત કોઈ એકના નિર્ણયથી થાય છે.’
ઝોલ : બહુ લાંબો વિચાર ના કરો… એ સંબંધને ‘નોકરી’ કહેવાય છે ! જલ્સા કરોને બોસ..

***

- મન્નુ શેખચલ્લી

Comments