ટણગાઈ રે'લી ખોપડીવારું ભૂત !


નવી શ્રેણી… ઝાંઝવુ નામે ગામ 

વલસાડ અને પારડીનો વિસ્તાર એટલે આફૂસ કેરીઓનું મેઇન જંકશન ! અહીંની કેરીઓ હવે તો ગલ્ફ કન્ટ્રીઝથી લઈને છેક અમેરિકા સુધી પહોંચે છે. જોકે આપણે જે જમાનાની વાત લઈને બેઠા છીએ એ વખતે પણ અહીંની આફૂસ અને રાજાપુરી કેરીઓની ડિમાન્ડ છેક મુંબઈ સુધી રહેતી હતી.

‘હહરીનાં કેરાં તો બો’ લાગેલાં, પણ એની બેનને… ચોરીનો બો’ ટ્રાસ !’

આ ‘ટ્રાસ’ એટલે કે ત્રાસ હતો અમારા રાબડા ગામના સોમલા ભગલાને. એની વાડીમાં ધજમજેનાં આફૂસનાં વીસ આંબા અને રાજાપુરીનાં બીજાં પંદર આંબા. પણ તકલીફ એક જ. ક્યાંકથી ચોર પેધા પડી ગયેલા, તે હજી કેરીઓ પાકે એ પહેલાં જ રાતોરાત ટોપલે ટોપલા ભરીને ચોરી જાય.

‘એની બેનના ચોટ્ટાઓને પકડે હો કેમ કરીને ? મેં તો વાડીમાં ખાટલો લાખીને હૂઈ જાંમ, તો બી એની માંયને (એની માને) કિયારે આંખ લાગેલી હોય, તે જ વખતે ચોટ્ટા કેરીઓ બેડી જતા છે !’

પરંતુ એક ઉનાળાના વેકેશનમાં સોમલા ભગલાને આ ચોરોને સીધા કરવાની તરકીબ હાથ લાગી ગઈ. વાત એમ બની કે સોમલા ભગલાનો વડોદરામાં ભણતો ભાણિયો એના દોસ્તારોને લઈને ગામડે ફરવા આવેલો. એમાં એમનાં પોતાનાં તોફાની પરાક્રમોની વાતો નીકળી. એક છોકરાએ કહ્યું :

‘મામા, અમે કોલેજ તરફથી દિવાળી વેકેશનમાં સૌરાષ્ટ્રની ટુરમાં ગયેલા. ત્યાં ચોરવાડના દરિયા કિનારે જ એક ધજમજેના ગેસ્ટ હાઉસમાં અમારો રાત-ઉતારો. રાત પડી, અમારી કોલેજની પોરીઓ (છોકરીઓ) તો હૂવા જતી રેઈ, પણ અમે પોયરા લોક દરિયા કિનારે મસ્તી કરિયા કરતા ઉતા… એમાં -’

સોમલા ભગલાને પેલી તરકીબ અહીંથી મળી. છોકરાએ કહ્યું ‘મામા, મેં ભૂત બનેલો જો !’

‘કેમ કરીને ?’

‘ટેકનિક બો’ સિમ્પલ છે. એમાં હું કરવાનું, કે બ્લેક-બોર્ડ પર લખવાના બે ચોક આવે કેનીં, તેને મોંમાં લાંબા દાંતની માફક ભેરવવાના. પછી કાળી ચાદર માથા લગી ઓઢી લેવાની… ને પછી -’

‘પછી ?’

‘બેટરી આવે કેનીં, બેટરી ? (બેટરી એટલે ટોર્ચ) તેને ચાદરમાં એવી રીતે પકડવાની કે તેની લાઈટનું ફોકસ નીચેથી બેઠું આપડા ફેસ પર પડે ! પછી અંધારામાં આમથી તેમ ચાઈલા કરવાનું ! દૂરથી જો કોઈ જુએ તો એમ જ લાગે કે હહરીના કોઈ લાંબા દાંતવારા ભૂતની ખોપડી હવામાં ટણગાઈને (લટકતી) આમથી તેમ ફરિયા કરતી છે !’

‘હું વાત કરે ! ખરેખર ?’

‘હાસ્તો ! મેં ભૂત બનીને ધીમે ધીમે પેલાં પોરી લોકના ગેસ્ટ હાઉસ ધમી (તરફ) ગિયો… ને તાં અંદરથી એક પોરી કંઈ મને જોઈને જે બીઘેલી છે… જે બીઘેલી છે.. તેણે પાડી ચીસ ! એમાં તો અમારી કોલેજની મહેતીઓ (મહિલા લેકચરરો) અને પ્રિન્સિપાલ દોડી આઈવા ! હું થિયું ? હું દેખાયું ? અમે તો જે નાઠા… જે નાઠાં… પેલી પોરીને હવાર લગી તાવ નીં ઉતરેલો !’

સોમલા ભગલાને આ તરકીબ બરોબર દિમાગમાં ફીટ થઈ ગઈ. ‘એની તે જાતના ચોર મારું… મારી વાડીમાં જો ભૂત-બૂત જોહે તો તિફા (તે બાજુ) આવહે જ નીં ને !’

વેકેશનમાં ફરવા આવેલા છોકરાઓ તો ગયા. આ તરફ સોમલા ભગલાએ ગામની નિશાળમાંથી ચોક મેળવીને એની ધાર કાઢીને, બિલકુલ ડ્રેક્યુલા જેવા દાંત બનાવ્યા ! ચહેરા ઉપર રખોડો (રાખ) ચોપડી, અને એનું લાઇટિંગ કરવા માટે છ સેલવાળી મોટી ટોર્ચ લઈ આવ્યો.

બસ, પછી તો શું ! સોમલો ભગલો રોજ રાત્રે વાડીમાં જાય, ખાટલાની આજુબાજુ વાંસડા વડે ઊભી કરેલી મચ્છરદાનીમાં ઊંઘી જાય અને જ્યારે જ્યારે વચમાં આંખ ખુલી જાય ત્યારે પેલી ટેકનિક વડે હવામાં તરતી ‘ભૂતની ખોપડી’ બનીને વાડીમાં બે આંટા મારી આવે !

આ ઉપાયથી ખરેખર ચમત્કાર થયો. સળંગ એક મહિના સુધી સોમલા ભગલાની વાડીમાં એક પણ ચોરી થઈ નહીં. આમાં એને વધારે હિંમત આવી. એને થયું કે આજુબાજુની વાડીઓને પણ આવા ‘ઘોસ્ટ પ્રોટેક્શન’ની જરૂર તો છે જ ને ? એટલે એ જ્યારે મૂડ આવે ત્યારે બીજાઓની વાડીઓમાં પણ પ્રદક્ષિણા કરવા લાગ્યો.

બસ, આમાં જ એક મોટો લોચો વાગ્યો !

વાત એમ બની કે સોમલા ભગલાની વાડીને છોડીને બે ખેતર દૂર જેની વાડી હતી તે મોહન સુખો, આ ઉનાળાની લગ્ન સિઝનમાં નવો નવો પરણેલો. ઘરમાં સરસ મજાની રૂપાળી વહુ આવી, પણ બિચારા મોહન સુખાનું ઘર નાનું. એક જ ઘરમાં બે મોટાભાઈ, બે ભાભી, એમનાં ચાર પોયરાંનો વસ્તાર. ઉપરથી ડોહા-ડોહી (મા-બાપ) તો ખરાં જ ?

આમાં ને આમાં મોહન સુખાને એની નવી નવેલી દુલ્હન રમીલા જોડે મોજ માણવાનો સરખો મોકો જ મળે નહીં. હજી રાત પડે ને ફાનસની વાટ ઝીણી કરીને માંડ બે બદન ભેગાં થાય ત્યાં તો ઘરમાં સૂતેલાં ચાર પોયરામાંથી એકાદ મૂતરવાનું થાય ! 

એનું હજી પતે ત્યાં તો ડોહો ખાંસી ખાતો ખાતો બેઠો થાય અને ફરી પાછી ઊંઘ ના આવે ત્યાં લગી ખાટલામાં બેઠો બેઠો બીડી તાણતો રહે… મોડી રાત્રે વળી ડોહી પાણી પીવા ઊભી થાય… અને બાકી હોય તે, વહેલી પરોઢે ભાભીઓ લોટા લઈને ‘ઝાડે ફરવા’ નીકળે !

આ બધી ‘રુકાવટ કે લિયે ખેદ હૈ’ જેવી સિચ્યુએશનોથી કંટાળેલા મોહને એક દિવસ જાહેર કર્યું કે ‘વાડીમાં ચોરી બો’ થતી છે, તો મેં અને મારી બૈરી રાતના વાડીમાં જ હૂવા જવાનાં !’

આમ જોવા જાવ તો કુટુંબમાં કોઈને વાંધો પણ નહોતો. પરંતુ અસલી લોચો એ જ કારણે થયો.

એક રાત્રે પોતાની વાડીમાં મચ્છરદાનીના મંડપ નીચે અને પોચી ગોદડીઓથી સજાવેલા ખાટલામાં ‘ટેન્શન ફ્રી’  હનીમૂન મનાવ્યા બાદ મોહન ઘસઘસાટ ઊંઘમાં સરી પડ્યો હતો, ત્યારે એની રૂપાળી નવી વહુ રમીલાને પેશાબ લાગી !

એ અંધારે અંધારે વાડીના આંબાઓ પસાર કરતી એક ખૂણે પહોંચી. હજી ત્યાં બેસવા જાય છે ત્યાં જ એણે જોયું કે સામેના આંબાની ડાળ નીચે એક ભૂતની ખોપડી હવામાં તરતી તરતી આમથી તેમ જઈ રહી છે !

બિચારી રમીલાનો પેશાબ બેસતાં પહેલાં જ છૂટી ગયો ! ગળામાં ચીસ અટકી ગઈ ! આંખો ફાટેલી જ રહી ગઈ ! અને તે માટીના ઢેફાંઓ વચ્ચે ફસડાઈ પડી !

આ બાજુ તરતી ખોપડી બનીને મનોમન ‘જાગતે રહોઓઓ…’ બોલી રહેલા સોમલા ભગલાને કાને પેલી ઘટનાની ભનક પણ પડી નહીં ! ઉલ્ટું, એ વાડીમાં વધુ બેચાર આંટા મારીને પછી જ ત્યાંથી ગયો ! દરમ્યાનમાં આ બધું ફાટી આંખે જોઈ રહેલી રમલીને એક નંબર ઉપરાંત ‘બે નંબર પણ’ છૂટી ગયું !

ધ્રુજતી ધ્રુજતી એ મચ્છરદાનીમાં પાછી આવીને સૂઈ ગઈ. મોહને પૂછ્યું કે ‘આમ ક્યારની હતપત હું કરિયા કરતી છે ? હરખી હૂ નીં ?’ ત્યારે રમીલાએ ફોડ પાડ્યો કે ‘આપણી વાડીમાં ભૂત ફરતું લાગે !’

મોહનને રમીલાની વાત ઉપર જરાય ભરોસો બેઠો નહીં. પરંતુ રમીલાની દશા હવે બગડતી ચાલી. એ બિચારી રાત પડે, ને અહીં વાડીમાં આવે ત્યારથી જ એના પેટમાં ફડક પેસી જાય ! આમાં ને આમાં બિચારીને જ્યાં રાત્રે એકદ વાર જ ‘એક નંબર’ માટે ઊઠવું પડતું હતું ત્યાં પાંચ પાંચ વાર નિકાલ કરવા માટે જવું પડવા લાગ્યું !

તમે જ વિચારો, રાતના ઘનઘોર અંધારામાં જો પાંચ પાંચ વાર ‘જવું’ પડે… અને દર વખતે પેલી ઉડતી ‘ટણગાઈ રે’લી’ ખોપરીનો ડર લાગતો હોય… એમાંય વળી, ફરી એકાદ વાર એ જ રીતે એ હવામાં ‘ટણગાઈ’ રહેલી ખોપડી દેખાઈ જાય તો શું હાલત થાય ?

આ બાજુ મોહનની પણ સાલી, આખી મઝા જ મરી ગઈ !

છેવટે એ જીવ ઉપર આવી ગયો : ‘એની બેનના ભૂતની તો જાત મારું… એક વાર મારી હામું જો આઈવું છે તો એની વાત છે !’

મોહને હવે ભૂતની સામે બાથ ભીડવાનું નક્કી કરી લીધું.  એણે હાથમાં લાકડી ઝાલીને બૈરીને પૂછવા માંડ્યું ‘પેલું ભૂત કી ફા’થી આવતું છે ?’ આ ફા’થી તે ફા’થી ? (આ બાજુથી કે પેલી બાજુથી) બિચારી ફફડી ગયેલી રમીલા શું જવાબ આપે ?

એટલે મોહને કાળી ચાદર ઓઢીને આખી રાત વાડીમાં આંટા મારવાનું ચાલુ કર્યું. બે ત્રણ રાત સુધી તો એને કોઈ ભૂત દેખાયું નહીં. (કેમકે સોમલા ભગલાએ પોતાનો ‘વિસ્તાર’ વધારી દીધો હતો.) પણ ચોથી રાતે મોહનને પેલી હવામાં ટણગાઈ રહેલી ખોપડી દેખાઈ ગઈ !

એ વખતનો સીન ગજબ હતો. મોહન એક આંબાના થડને ઓથે ઊભો હતો અને પેલી તરતી ખોપડી ધીમે ધીમે એની તરફ આવી રહી હતી.. થોડી વાર માટે તો મોહનના હાંજા ગડી ગયા !

‘હહરીનું… આ તો હાચોમાચ તરતું ભૂત !’

મોહનના પગ થાંભલા બની ગયા… લાકડી પકડેલા હાથની હથેળીમાં પરેસેવો વળી ગયો… છાતીમાં ‘ધકધક ધકધક થાય.. ગળામાં ચીસ ચોંટી ગઈ હતી… તાળવે જીભ ચોંટી ગઈ હતી… અને સાલી, પેલી તરતી ખોપડી એની લગભગ બાજુમાંથી જ પસાર થઈ ગઈ !’

પણ પછી મોહનને અચાનક હિંમત આવી ! એણે કચકચાવીને ડાંગ ઘુમાવી ! … પણ એ જ વખતે નીચે જમીનનાં ઢેફાં ખસવાથી જે અવાજ થયો એમાં સોમલો ભગલો ચેતી ગયો !

મોહન દાંત કચકચાવીને ‘તારી તે જાતનું ભૂત મારું…’ કહીને તરતી ખોપડીમાં ડાંગ ફટકારવા જાય છે ત્યાં જ સોમલો આગળની બાજુ ઝુકી ગયો !

એ વાર ખાલી ગયો કે તરત સોમલો નાઠો ! મોહન એની પાછળ દોડ્યો… બીજો ઘા એની પીઠ ઉપર માર્યો ! સોમલો સમજી ગયો કે અહીં ભાંડો ફૂટી જવાનો છે એટલે એ બમણા જોરે નાઠો… મોહને છૂટ્ટી ડાંગ ફેંકી… જે એના બરડે વાગી… પણ સોમલો ભગલો પોતે ઓઢેલી કાળી ચાદર હવામાં ઉછાળીને ભાગી છૂટ્યો !

પણ હવે ? બીજા જ દિવસે આખા રાબડા ગામમાં સનસનાટી ફેલાઈ ગઈ કે ‘મોહન સુખાએ એક ભૂતને લાકડીએ લાકડીએ માઈરું જો ! હહરીનું ભૂત મોહનની બૈરીને રોજ મૂતરાવી લાખતું ઉતું !’

મોહન પણ પોતાની બહાદુરીથી ફૂલાઈ ગયો હતો. એ છાતી ઠોકીને ઠાંસ મારવા લાગ્યો ‘હહરીનું ટણગાયા કરતી ખોપડીવારું ભૂત જો પાછું આઈવું તો એની ખોપડી જ ફોડી લાખા !’

આના કારણે બે વાત બની. એક તો એ કે ‘રાબડા ગામની વાડીઓમાં ભૂત થતું છે ! ’ એવી વાત ગભરાટ છવાઈ ગયો.

પણ બીજું એ બન્યું કે ‘પેલા મોહને ભૂતને લાકડીએ લાકડીએ મારેલું જો !’ એવી વાત ફેલાવાને કારણે ગામલોકોની હિંમત ખૂલી ગઈ ! હવે બધા પોતપોતાની વાડીમાં ભૂતનો સામનો કરવા માટે રાતના ઉજાગરા કરવા લાગ્યા !

ખેર, આનાથી ફાયદો તો આખા ગામને થયો. કેમકે અગાઉ જ્યાં એકાદ બે વાડીઓમાં ચોરી થતી હતી ત્યાં હવે આજુબાજુનાં ગામોમાં પણ ચોરી થતી બંધ થઈ ગઈ.

બસ, નુકસાન એકમાત્ર સોમલા ભગલાને થયું, કેમકે ‘હું પોતે જ એ ટણગાઈ રે’લી ખોપડીવારું ભૂત બનેલો’ એવી ‘ક્રેડિટ’ લેતાં તેને ડર લાગતો હતો ! ‘રખેને, આખું ગામ મને મારવા હારું મારી પછાડી દોઈડું તો ?’

***

- મન્નુ શેખચલ્લી 

E-mail : mannu41955@gmail.com

Comments