સાવધાન ! વાંચ્યા પછી દિમાગમાં...

આજકાલ અમુક ચેતવણીઓ અથવા સુચનાઓ એવી વિચિત્ર હોય છે કે સ્હેજ માથું ખંજવાળ્યા પછી આપણને એમાં મોડે મોડે ટ્યુબલાઈટ થતી હોય છે ! જુઓ નમૂના…

*** 

રીતસરનો જુગાર રમાડતા હોય એવી એપની જાહેરખબરમાં આવતો મોટો ફિલ્મસ્ટાર કહેતો હોય છે ‘જિમ્મેદારી સે ખેલેં, ઇસ કી આદત લગ સકતી હૈ !’

- આ તો એવી વાત થઈ કે ‘દારૂ, ચરસ, ગાંજા ઔર ડ્રગ્સ કા સેવન જિમ્મેદારી સે કહેં… ઈસ કી આદત લગ સકતી હૈ !’

*** 

મ્યુચ્યુઅલ ફંડની જાહેરખબરમાં લાંબી લાંબી સૂચના હોય છે કે ‘યહ બાજાર કે જોખિમોં કે આધિન હૈં, કૃપયા નિવેશ કરને સે પહલે યોજના સે જુડે દસ્તાવેજ ધ્યાન સે પઢેં !’

- આ તો એવી વાત થઈ કે ‘હર પ્રકાર કી શાદી જોખિમોં કે આધિન હૈં ! કૃપયા શાદી કરને સે પહલે પહલે શાદીશૂદા પુરુષોં કે ચહેરે ધ્યાન સે પઢેં !’

*** 

કોઈ સત્યઘટના અથવા કોઈ વ્યક્તિની લાઈફ ઉપર આધારિત ફિલ્મની શરૂઆતમાં લખેલું આવે છે કે ‘યહ ચિત્રપટ કી કહાની સંપૂર્ણતઃ કાલ્પનિક હૈ. ઇસ મેં દિખાયે ગયે પાત્રોં કા કિસી ભી જીવીત યા મૃત વ્યક્તિ કે સાથ કોઈ સંબંધ નહીં હૈ !’

- આ પણ એવી વાત થઈ કે ‘આજ કે અખબાર મેં છપી હુઈ સભી ખબરેં કાલ્પનિક હૈં ! ઇસ મેં સમ્મિલીત સારે ભ્રષ્ટ ચરિત્રોં કા કિસી ભી જીવીત યા મૃત નેતા સે કોઈ સંબંધ નહીં હૈ !’

*** 

સિગારેટના પેકેટ ઉપર તો હિન્દીમાં એક અજીબ ટાઈપની સૂચના લખેલી હોય છે : ‘આજ હી તંબાકું છોડેં. કોલ કરે ૧૮૦૦-૧૧-૨૩૫૬ !’

- આ તો સાવ એવી વાત થઈને, કે જંતુનાશક દવાના ડબ્બા ઉપર લખ્યું હોય કે ‘આત્મહત્યા કરતાં પહેલાં હમણાં જ કોલ કરો… નંબર ફલાણા ફલાણા…!’

*** 

અમુક પ્રોડક્ટ્સની રૂપાળી જાહેરખબરમાં લખેલું હોય છે કે ‘અહીં દર્શાવેલી પ્રોડક્ટ અને વાસ્તવિક પ્રોડક્ટમાં અંતર હોઈ શકે છે.’

- આ તો બિલકુલ એવી વાત થઈ કે ચૂંટણી વખતે જાહેર કરેલા ઢંઢેરામાં જે લખ્યું હોય કે ‘અહીં આપેલાં વચનો અને તેના અમલમાં… અંતર હોય તો પણ તમે શું ઉખાડી લેવાના હતા ?’ બોલો.

***

- મન્નુ શેખચલ્લી

Comments