ત્રણેય ફિલ્મ ઇન્ડસ્ટ્રીની પોતપોતાની અલગ સ્ટાઈલો છે. મજાની વાત એ છે કે આપણે લોકો ત્રણેય સ્ટાઈલોને મસ્તીથી એન્જોય કરી લઈએ છીએ. જુઓ…
***
હોલીવૂડની ફિલ્મોમાં…
હીરો વિલનને મારશે તો થપ્પડ, મુક્કા કે લાતના જે અવાજ આવવા જોઈએ એવા જ આવશે.
બોલીવૂડની ફિલ્મોમાં…
થપ્પડનો અવાજ ટેબલ ઉપર ચામડાનો બેલ્ટ ફટકાર્યો હોય એવો આવશે ! મુક્કો મારશે તો રીતસર ‘ઢીશૂમ’ બોલાતું સંભળાશે ! અને લાત મારશે તો ઈંટની દિવાલ હથોડા વડે તોડી નાંખી હોય એવું સંભળાશે !
સાઉથની ફિલ્મોમાં…
બધા બોલીવૂડ જેવા જ અવાજો હશે પણ એની સાથે સાથે હાથ-પગ વીંઝાતા હોય ત્યારે જાણે હવામાં ચાબૂક વીંઝાતો હોય એવા વ્હૂશશ… વ્હૂશશ… અવાજ પણ આવશે !
***
હોલીવૂડની ફિલ્મોમાં…
પ્રેમ શી રીતે થાય છે ? એક સીનમાં હીરો હીરોઈન ક્લબમાં કે બારમાં મળે છે અને બીજા સીનમાં બંને પથારીમાં હોય છે !
બોલીવૂડની ફિલ્મોમાં…
બંનેની નજરો મળે છે ત્યાં તો બેકગ્રાઉન્ડમાં કોઈ હેએએ… હેએએએ… એવું ગાતું હોય છે ! પછી બીજા સીનમાં બંને જણા સ્વીટ્ઝરલેન્ડના પહાડોમાં, ઊટીના ધોધમાં અથવા મથુરા જેવા ટાઉનની ગલીઓમાં નાચતાં ગાતાં જોવા મળે છે !
સાઉથની ફિલ્મોમાં…
હીરો હિરોઈન એસટી બસમાં અથવા સાઈકલ ઉપર એકબીજા સાથે ટકરાય છે ! અને પછી જે ગાયન આવે છે ત્યાં ખેતરોમાં, ગામની શાક મારકેટમાં અથવા મંદિરની બહાર લાગેલા મેળામાં સેંકડો લુંગીવાળા અને સાડીઓવાળી આવીને ડાન્સ કરવા લાગે છે !
***
હોલીવૂડની ફિલ્મોમાં…
કરોળિયા, ચામાચીડીયાં, બિલાડી અને વરૂમાંથી પેદા થયેલા વિચિત્ર માનવીઓ મેઈન રોલમાં જોવા મળે છે.
બોલીવૂડની ફિલ્મોમાં…
મોટા મોટા ફિલ્મ સ્ટારોના લગ્નો વડે પેદા થયેલાં વિચિત્ર બાળકો મેઈન રોલમાં જોવા મળે છે !
સાઉથની ફિલ્મોમાં…
ફૂટપાથ ઉપર, ઝુંપડપટ્ટીમાં, અનાથાશ્રમમાં કે સરકારી હોસ્પિટલોમાં પેદા થયા હોય એ ટાઈપના લોકો મેઇન રોલમાં જોવા મળે છે ! બોલો.
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment