મહારાષ્ટ્રના મતદારોનું મહા- કન્ફ્યુઝન !

અમેરિકાની ચૂંટણી તો પતી ગઈ પણ બોસ, ખરો ગૂંચવાડો તો મહારાષ્ટ્રની ચૂંટણીઓમાં છે ! બિચારો મહારાષ્ટ્રનો મતદાર મહા-ગુંચવાડામાં ફસાયો છે… જુઓ…

*** 

અમેરિકામાં સહેલું હતું. કાં તો તમે ‘ભાઈ’ને વોટ આપો, અથવા કાં તો ‘બાઈ’ને વોટ આપો… સિમ્પલ.

*** 

મહારાષ્ટ્રમાં લોચો એ છે કે ચૂંટણી ચિન્હો પણ બે નથી ! અહીં ઘડિયાળ, મશાલ, તીર કામઠુ, હાથ, પગ, લાકડી, લોટો, કાતર, તગારું, તંબૂરો… એટલાં બધાં નિશાન છે કે દિમાગનું દહી થઈ જાય !

*** 

બીજો રસ્તો છે કે ઉમેદવારનો મતપત્રકમાં જે નંબર છે તે યાદ રાખો…

તો એમાં ત્રણ નંબરવાળો કહે છે કે પાંચ નંબરવાળાએ મને દગો દીધો છે. પાંચ નંબરવાળો કહે છે કે બે નંબરવાળો દગાબાજ છે. બે નંબરવાળો કહે છે કે ચૂંટાયા પછી ચાર નંબરવાળો તમને દગો આપશે ! અને ચાર નંબરવાળો કહે છે કે મારું ચૂંટણી ચિન્હ એક નંબરવાળાએ ચોરી લીધું છે ! 

એટલું જ નહીં ચાર ચાર ઉમેદવારોના ચૂંટણી ચિન્હોના કેસ હજી કોર્ટમાં ચાલે છે !

*** 

મારા કાકા કહે છે કે ‘કાકા’ને જ વોટ આપજે. મારો ભત્રીજો કહે છે કે ‘ભત્રીજા’ને જ મત આપવાનો છે. પણ ભત્રીજાને તો બધા ‘દાદા’ કહીને બોલાવે છે ! મારા દાદા કહે છે કે મહારાષ્ટ્રમાં જેની ‘દાદાગિરી’ હતી એને તો બધા ‘ભાઉસાહેબ’ કહેતા હતા…

હે સઘળી કાય ભાંજગડી ચાલલી રે ?

*** 

જે ‘મહાયુતિ’વાળા છે એ કહે છે કે અમે ‘વિકાસમાં માનીએ છીએ. પણ જે સામેની પાર્ટી છે એમણે પોતાનું નામ ‘મહાવિકાસ’ રાખ્યું છે ! એ તો ઠીક, પણ જે આજે ‘મહાવિકાસ’વાળા છે એમાંથી જ અડધા લોકો ખસી જવાથી પાર્ટીનો ‘લઘુવિકાસ’ થયો છે !’

*** 

જે ગઈકાલે ‘યુતિ’માં હતા તે આજે ‘અઘાડી’માં છે ! જે ગઈકાલે ‘અઘાડી’માં હતા તે આજે ‘સ્વતંત્ર’ થઈને ઊભા છે ! અને જે પરમ દિવસ સુધી ‘સ્વતંત્ર’ ઊભા હતા તે કોઈના ‘શરણ’માં જવાથી ‘બેસી’ ગયા છે !

*** 

સૌથી મજાની વાત એ છે કે આ વખતે એક એક મતની કિંમત ૧ લાખ સુધી જઈ શકે છે ! પણ હલો, એ પૈસા મતદારને નહીં ‘બળવાખોર’ને મળવાના છે ! 

જય મહારાષ્ટ્ર ! જય મહા-કન્ફ્યુઝન !

***

- મન્નુ શેખચલ્લી

Comments