દિવાળી વખતે ઘરમાં બનાવેલા અને બહારથી મંગાવેલા નાસ્તાની ‘એક્સ્પાયરી ડેટ’ નજીક આવી ગઈ છે ! જો હજી તમે એ નાસ્તાઓ ‘પતાવ્યા’ ના હોય તો હવે શ્રીમતીજીની વોર્નિંગો ચાલુ થઈ ગઈ હશે ! સાંભળો એનું તાજું (વાસી નહીં) રચાયેલું કાવ્ય…
***
પતાવ્યા કેટલા ઘૂઘરા ?
સુંવાળી કેમ હજી પડી છે ?
પતાવો નાસ્તા, કે
વાઈફની હાકલ પડી છે !
***
દાંતને દુઃખ દેતી
‘સુખ’-ડી મક્કમ ખડી છે
ખાતાં ચક્કરો આવે
એવી ચકરી હજી બચી છે
ના ડાયાબિટિસ કે
ના એસિડીટી નડી છે
પતાવો નાસ્તા, કે
વાઈફની હાકલ પડી છે !
***
ખોરું થયું ચવાણું
ને વાસી ‘લીલો’ ચેવડો…
ઠાલા ખખડતા ઘુઘરા
કઠણ સેવોનો ભુક્કો…
કાલ કરે સે આજ કર
ડબ્બાનાં તળિયાં સાફ કર !
ટાળી છતાં ન ટળે એવી
‘અ-ટલ’ ઘડી છે !
પતાવો નાસ્તા, કે
વાઈફની હાકલ પડી છે !
***
મળશે મઠીયાં હવે
સૌને પાપડને ઠેકાણે
ને મળશે ફરસી પુરીઓ
હવે તો ભાણે જ ભાણે !
ના બાંધો કાલનું ભાથું
અરજન્ટ આજની ઘડી છે !
પતાવો નાસ્તા, કે
વાઈફની હાકલ પડી છે !
***
પતાવ્યા નાસ્તા હજી
જ્યાં માંડ માંડ હસતાં
ત્યાં આવશે શિયાળો
સિઝન, અડદિયા-પાકની !
સાબદા રહેજો સહુ
ઝુંબેશો આગળ ઘણી છે !
પતાવો નાસ્તા કે
વાઈફની હાકલ પડી છે !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment