અગાઉ દિવાળીમાં લક્ષ્મીપૂજન ચોપડા ઉપર થતું હતું. પછી કોમ્પ્યુટરના સ્ક્રીન ઉપર થવા લાગ્યું. હવે મોબાઈલ ઉપર ચાંલ્લા કરે છે. કેમકે એમાં ‘ઓનલાઈન લક્ષ્મી’ છે !
આ સિવાય પણ અમારી પાસે દિવાળીનું બીજું ઘણું દોઢ ડહાપણ છે ! વાંચો…
***
અમુક ચાંપલા લોકો મોબાઈલમાં મેસેજ ફેરવે છે કે ‘ભૈશાબ, હેપ્પી દિવાલીમાં દીવાના ફોટા ના મુકશો… મોબાઈલ ઓલરેડી દાઝી ગયો છે !’
લો બોલો. તો છાપામાં જે દીવાના ફોટા આવે છે એનું શું ? છાપું તો કાગળનું હોય છે ! સળગી ના જાય ?
***
એક મેસેજ એવો ફરી રહ્યો છે જેમાં સોનાની પાટો નીકળતી દેખાય છે ! ઉપર લખે છે ‘ધક્કા મુક્કી ના કરતા, વારાફરતી બધાને મળશે !’
ઠીક છે, પણ એ જ રીતે છાપામાં રોજ પહેલે પાને જાહેરખબરમાં જે સુંદર યુવતીઓ આવે છે એનું શું કરવાનું છે ? ભાભીને પૂછી જોયું છે ?
***
દશેરા વખતે મેસેજોમાં કહેતા હતા ‘તમારી અંદર રહેલા રાવણને મારો !’
દિવાળીમાં સલાહ આપે છે ‘તમારી અંદરના અંધકારને દૂર કરો !’
- જાણે આપણી અંદર રહેલો પેલો રાવણ મરતાં મરતાં અંદરની લાઈટોના વાયરો કાપી ગયો હોય !
***
એવી શીખામણો પણ આવે છે કે હેપ્પી દિવાળીના રેડીમેઈડ મેસેજો ફોરવર્ડ ના કરો, જાતે ઓરીજીનલ મેસેજ લખો !
લો બોલો, આજની જનરેશન જ્યાં ‘દીપાવલિ કી શુભકામના’ને બદલે ‘દી પાવલી કી શુભકામના’ લખે છે. એમને આવું શીખવાડો છો ?
***
અમારું દોઢ ડહાપણ કહે છે કે આપણા ઘરે માંડ મહિને એક ટપાલ આવે છે. છતાં પોસ્ટમેનો શેના બોણી માગે છે ?
ખરેખર બોણી આપવી હોય તો એમેઝોન, સ્વીગી અને ઝોમેટોના ડિલીવરી બોયને આપવી જોઈએ ! શું કહો છો.
***
અને એવા મેસેજો પણ આવે છે કે ‘અરેરે વરસો પહેલાં માંડ બે પતાસાં ખાઈને કેટલા રાજી થઈ જતા હતા ! આજે આખું ફ્રીજ મીઠાઈના બોક્સોથી ભરાઈ જાય છે, છતાં…’
તો એમને એટલું જ કહેવાનું કે પંદર દહાડા પછી કંટાળીને એ મીઠાઈઓ કામવાળીને જ આપવાનાં છો, તો આજે જ આપી દો ને ? સાચા આશીર્વાદ મળશે… શુભ દિપાવલી !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment