નવા વરસના નવા સંકલ્પો !

આપણે જોશમાં આવીને ‘આમ કરી નાંખું’ ‘તેમ કરી નાંખું’ એવા ઝનૂનમાં આવીને નવા વરસનો કોઈ અઘરો સંકલ્પ કરી બેસીએ છીએ. પછી એ તૂટી જાય ત્યારે દુઃખી દુઃખી થઈ જઈએ છીએ !
પણ મિત્રો, સંકલ્પ જ એવો હોય કે જે તૂટે જ નહીં ! તો…?

*** 

અઘરો સંકલ્પ :
આ વરસે હું મોબાઈલનો વપરાશ અડધો કરી નાંખીશ.

સહેલો સંકલ્પ :
આ વરસે હું બે મોબાઈલ રાખીશ ! જેથી બંનેનો વપરાશ અડધો-અડધ થઈ જાય !

*** 

અઘરો સંકલ્પ :
મારી ફાંદ ઘટાડીશ. ન્યુટ્રીશીયસ ડાયેટ પ્લાન મુજબ ભોજન લઈશ. મોર્નિંગ વોક અને કસરત ચાલુ કરીશ. વગેરે.

સહેલો સંકલ્પ :
આ બધાં જુનાં ટ્રાઉઝરો, જીન્સ, પેન્ટ, શર્ટ, ટી-શર્ટ, કુરતા વગેરે જે કમરેથી અને પેટ આગળ ટાઈટ પડે છે એ બધાં પ્યાલા બૈણીમાં કાઢી નાંખીશ ! અને બિલકુલ નવી ડિઝાઈનનાં નવાં કપડાં પહેરવાનું ચાલુ કરીશ !

*** 

અઘરો સંકલ્પ :
પત્નીને ઘરના કામમાં મદદ કરીશ.

સહેલો સંકલ્પ :
ઘરનું કામ કરતી વખતે કિચનમાં રોજ એકાદ કાચનું વાસણ ફોડી નાંખીશ ! દૂધ ઉભરાવી નાંખીશ ! શાક સમારતી વખતે જાણી જોઈને આંગળીમાં સ્હેજ કાપો મુકી દઈશ ! પોતું કરતી વખતે ‘ભૂલથી’ મેલું પાણી કારપેટ પર ઢોળી મુખીશ ! જેથી પત્ની જ કહેશે : ‘તમે રહેવા દો ભૈશાબ !’

*** 

અઘરો સંકલ્પ :
બીજાઓને મદદ કરીશ.

સહેલો સંકલ્પ :
બીજા પાસે મદદ માગીશ !

*** 

અઘરો સંકલ્પ :
ગરીબોને મદદ કરીશ.

સહેલો સંકલ્પ :
‘ગરીબ’ બની જઈશ ! (કમ સે કમ ગરીબોને મદદ કરવાનો જેણે સંકલ્પ લીધો છે એ લોકો તો મદદ કરશે જ ને ?)

*** 

અઘરો સંકલ્પ :
શુભ વિચારો કરીશ. પોઝિટીવ વિચારો કરીશ. પ્રેરણાત્મક વિચારો કરીશ.

સહેલો સંકલ્પ :
રોજ સવારે ઉઠીને મોબાઈલમાં મિનિમમ ૧૦૦ જણાને શુભ, પોઝિટીવ અને પ્રેરણાત્મક વિચારો ફોરવર્ડ કરીશ ! જા બિલાડી મોભામોભ !

***

- મન્નુ શેખચલ્લી

Comments