નવરાત્રિના પાસમાં 'અનામત' !

રાહુલજી અને કોંગ્રેસીઓ આ વાંચીને હરખાઈ જશે ! પણ શાંતિ રાખો, આ કંઈ ‘મિસ ઇન્ડિયા’ નથી ચાલી રહ્યું…
બીજી બાજુ, જ્ઞાતિના આગેવાનોએ પણ ઉશ્કેરાઈ જવાની જરૂર નથી કેમ કે અમારી આ ફોર્મ્યુલા સાવ જુદી છે…

*** 

સૌથી પહેલાં તો ૫૦ ટકા પાસ માત્ર યુવાન અને સુંદર મહિલાઓ માટે જ અનામત રાખો કેમકે એમના કારણે જ નવરાત્રિ ‘જોવાલાયક’ બને છે !

*** 

પાંચ ટકા પાસ કાનના ડોક્ટરો માટે અલગ રાખવા જોઈએ કેમકે સ્પીકરોના ભયંકર અવાજથી ભલભલાનાં કાનમાં ધાક પડી જાય છે !

છેક બીજા દિવસે સવારે ઊઠીએ ત્યારે ખબર પડે છે કે ‘યાર, બરાબર સંભળાતું કેમ નથી ?’

તો કમ સે કમ બીજા દિવસે કતો કાનના ડોક્ટરને ગરબામાંથી જ શોધી લેવાય ને ?

*** 

બીજા પાંચ ટકા પાસ ગળાના ડોક્ટરો માટે અનામત રાખો ! કેમકે આવા મારફાડ ઘોંઘાટમાં ઓળખીતાંઓ જોડે ‘કેમ છો, મજામાં’ એટલી વાત કરીએ એમાં તો ગળાં છોલાઈ જાય છે !

એ તો ઠીક, ગરબામાં ઘણા વખતે મિત્રો મળી જાય તો ‘શું ચાલે છે, ક્યાં છો આજકાલ ? શેરબજારમાં કેટલા ગયા ? આ હરિયાણા / કાશ્મીર / યુક્રેન / ઇઝરાયેલ / હિઝબોલ્લા / બાંગ્લાદેશનું શું લાગે છે ?’ એવા ટોપિક ઉપર માંડ પાંચ મિનિટ વાત કરો એમાં સ્વરપેટી હડતાળ ઉપર ઉતરી જાય છે !

*** 

વીસ ટકા પાસ બેકાર ગ્રેજ્યુએટો માટે રાખો, માત્ર જુનાં આઈ-કાર્ડ બતાવવાથી એન્ટ્રી મળશે ! આમાં ભી કમ સે કમ ૯ દિવસ માટે દેશના બેરોજગારોને કંઈક ‘ધંધો’ તો મળશે ?

*** 

પંદર ટકા પાસ એવા પતિઓ માટે અનામત રાખો જેઓ અહીં ગરબા રમવા કે જોવા માટે નહીં પરંતુ પત્નીઓનાં પર્સ, સેન્ડલ અને બાળકોને સાચવવા માટે જ આવ્યા છે ! બિચ્ચારા…

*** 

અને બીજા ૫૦ ટકા પાસ એવા લોકો માટે રાખો જેઓ માત્ર ગરબા ‘જોવા’ માટે આવે છે !

તમે કહેશો કે આમાં ટોટલ ૧૪૫ ટકા થઈ ગયા ! તો સાહેબો, જો કેપેસીટી કરતાં દોઢ ગણી પબ્લિક નહીં ભરી હોય તો ઓર્ગેનાઇઝરોના ગરબા ‘હિટ’ શી રીતે કહેવાય ?

***

- મન્નુ શેખચલ્લી

Comments