અમારા રણછોડ પટેલનો જે કંઈ રૂઆબ અને કડપ હતો એ એમની ભમરાળી મૂછોમાં જ હતો. પૂરા પંદર ફૂટ દૂરથી પણ સામેવાળાની આંખોમાં ઊડીને વળગે એવી હતી એમની મૂછો ! જાણે આમલીના જાડા સરખા કાતરા ઉપર કાળા ભમ્મરીયા કાનખજુરાઓને પરમેનેન્ટલી બેસાડી રાખ્યા હોય અને બન્ને છેડે કાળા વીંછીના બે ડંખ પણ ચોંટાડ્યા હોય એવી ‘કાતિલ’ હતી એ મૂછો !
આમ તો રણછોડભાઈ મૂળે કણબી, પણ એક જમાનામાં જ્યારે એ ‘પોલીસ પટેલ’ (મુખી) રહી ચૂકેલા ત્યારે ગામની બે ગાયો ચોરતાં પકડાયેલા એક ચોરને એમણે કચકચાવીને માત્ર બે જ લાફા મારેલા ! એમાં તો એના બે દાંત પડી ગયેલા ! ઉપરથી (એટલે કે નીચેથી) ચોરનું મૂતર પણ છૂટી ગયેલું ! ત્યારથી આખા પંથકમાં કહેવાતું કે ‘રંછોડ પટેલ તો ભલભલાને મૂતરાવી લાખે, જો !’
એ રણછોડ પટેલ એક વાર ‘અંબિકા હેરકટિંગ સલુન’માં એમના રેગ્યુલર કારીગર ભીખલા પાસે દાઢી કરાવતા બેઠા હતા ત્યારે એમની આ ભમરાળી મૂછ માટે બહુ મોટી દુર્ઘટના બની ગઈ !
બન્યું એવું કે ભીખલો અસ્ત્રા વડે પટેલની મૂછોની ધાર સરખી કરી રહ્યો હતો એ જ વખતે દુકાનમાં ઊભેલા લાલુકાકા પોતાની છીંકણીની ડબ્બી ખોલીને, એમાંથી ચપટી ભરીને પોતાના નાકમાં ખોસવા જતા હતા ત્યાં જ કોઈ કારણસર એમને એક છીંક આવી ! એ છીંકની સાથે જ હાથમાં ઝાલેલી ખુલ્લી ડબ્બી ઉછળી ! છીંકણીનો છંટકાવ આખી દુકાનમાં થયો ! અને ચાલી છીંકાછીંક…
એમાં રણછોડ પટેલ અને ભીખલાને એક સાથે છીંકો આવી !
એક… બે… ત્રણ… અને ચાર-ચાર છીંકો ખાધા પછી જ્યારે બન્ને માંડ માંડ અટક્યા ત્યારે બન્ને સ્તબ્ધ હતા ! ભીખલાની નજર એ વખતે રણછોડ પટેલના ચહેરા ઉપર હતી અને રણછોડ પટેલની નજર સામેના અરીસામાં પોતાના ચહેરા ઉપર હતી !
બન્નેએ જોયું કે એક બાજુની મૂછ અસ્ત્રાની ધારનો ભોગ બનીને ગાયબ થઈ ગઈ હતી !
ભીખો થથરી ગયો, કે હવે એક સણસણતો લાફો પડ્યો જ સમજો ! પણ રણછોડ પટેલ પ્રતિબિંબ જોઈને એવા આઘાતમાં હતા કે એકાદ મિનિટ સુધી તે લગભગ પૂતળું જ બની ગયા ! પછી જ્યારે એમને વાસ્તવિક્તાની ખબર પડી ત્યારે એ બોલ્યા :
‘આ હું કઈરું, ભીખલા ?’
ભીખલો કહે ‘મેં હું કરું ? મેં છીંયકો તો છીંયકો… પણ તમે હો છીંકેલા કેનીં? એમાં…’
ટુંકમાં, ભીખલો એમ કહેવા માંગતો હતો કે મૂછની શહીદીમાં પોતે એકલો નહીં પણ ‘સરખા ભાગે’ ભાગીદાર હતો. અહીં બીજા કોઈ સંજોગો હોત તો રણછોડ પટેલનો ગુસ્સો બોઈલરની જેમ ફાટ્યો હોત, પણ અરીસામાં પોતાનો જ ચહેરો જોઈને એ હલબલી ગયા હતા ! એ માંડમાંડ બોલ્યા :
‘ભીખલા, અવે મૂછનું હું કરવાનું ?’
ભીખલો કહે ‘બેઉ બાજુથી હરખી કરવા જહે તો બી હારી નીં લાગવાની ! એનાં કરતાં કાઢી લાખો… પાછી તો ઉગવાની જ કેનીં ?’
રણછોડ પટેલને તે વખતે આ લોજિક ગળે ઉતરી ગયું પણ આગળ જતાં એમની પોતાની શી દશા થવાની હતી તેની એમને જ ખબર નહોતી. કેમકે મૂછો સફાચટ કર્યા પછી ભીખલાએ ચહેરા ઉપર પાણી છાંટીને, નેપકીન વડે લૂછીને, જ્યારે ટુવાલ હટાવ્યો ત્યારે અરીસામાં જે ચહેરો દેખાયો તે જોઈને રણછોડ પટેલ પોતે જ આઘાતમાં સરી પડ્યા : ‘હહરીનો, મેં મૂછો વગર આવો પોણિયો દેખાતો છે ?’
શરમના માર્યા રણછોડ પટેલ જાણી જોઈને મોડી સાંજે પોતાના ઘરમાં એવી રીતે ઘૂસી ગયા કે કોઈને એમનો ચહેરો દેખાયો નહીં. પણ સવાર પડતાં જ પટલાણીને ફાળ પડી : ‘હાય હાય ! પટેલ, આ હું કઈરું ? મૂછ કાં લાખી આઈવા ?’
રણછોડ પટેલ એટલા બધા ઓઝપાઈ ગયેલા કે ત્રણ દહાડા સુધી ઘરની બહાર જ ના નીકળ્યા ! પણ ઘરમાં ય કંઈ ઓછી ખરાબ હાલત નહોતી. પટેલનાં નાનાં નાનાં પૌત્રોને મઝા પડી ગઈ :
‘દાદાની મૂછ ચોરાઈ ગેઈ ! ઊંઘમાં ઉંદરડા તાણી ગિયા !’
ઘરની બન્ને વહુઓ આમ તો આમન્યા રાખે પણ ભાણે રોટલો પીરસવા આવે, હાથમાં દાતણ સાથે લોટો આપવા આવે કે નહાવા માટે ટુવાલ ધરીને ઊભી રહે ત્યારે પોતાનું હસવું રોકવા જતાં ઘુમટો દાંતમાં ઘાલીને પણ દાંત કાઢે ! સસરાજીની જે ધાક હતી એનું તો બાષ્પીભવન થઈ ગયું હતું.
પાંચમા દિવસે હિંમત કરીને પટેલ ગામમાં નીકળ્યા. હજી સોડા બાટલીવાળા ચીમનની દુકાને જઈને ઊભા જ રહ્યા ત્યાં તો ચીમન બોલી પડ્યો : ‘પટેલ, હું થિયું ? તબિયત તો બરાબર છે કે ? કેમ આટલા નંખાઈ ચાઈલા ?’ પછી ચહેરા ઉપર નજર પડતાં જ એની અરેરાટી છૂટી ગઈ : ‘અહંહંહં… અ ! આ હું કઈરું પટેલ ? મૂછ કેમ મૂંડાવી લાઈખી ?’
એ પછીના દિવસો પટેલ માટે દુષ્કર હતા. ગામમાં જે મળે એ પૂછે ‘આ વજન કેમ કરતાં ઉતરી ગિયું ?’ કોઈ કહે : ‘ડોક્ટરને બતલાવોનીં ?’ કોઈ પૂછે : ‘પટેલ, કોઈની હાથે શરત હારી ગેલા કે?’ તો અમુક લોકો પીઠ પાછળ ગણગણતા કે ‘પટેલની મર્ડાનગીમાં જ કંઈ લોચો પઈડો લાગે…’
અગાઉ કહ્યું તેમ, રણછોડ પટેલનો જે કંઈ પ્રભાવ હતો તે એમની મૂછમાં જ હતો. મૂછ વિનાના પટેલને હવે જાણે કોઈ ગણકારતું જ નહોતું. એમાં વળી એકવાર પટેલ નજીકના ટાઉનમાં ખેતી માટેનું બિયારણ લેવા ગયા. પેલા દુકાનદાર સૌરાષ્ટ્રનો હતો. એ મૂછ વિનાનો ચહેરો જોતાંવેત આશ્ર્વાસન આપવા લાગ્યો :
‘પટેલ, થાવાનું હતું ઇ થઈ ગ્યું. સંસારમાં જે આવે છે ઇને એક દિ’ તો ઝાવું જ પડે છે. હંધુંય ઉપરવાળાના હાથમાં છે. આપણું ક્યાં કાંઈ હાલે જ છે ? આપણે તો બસ, ભગવાનને પ્રાર્થના કરી હકીં કે, બાપ, ઈના આતમાને શાંતિ દેજો…’
સ્મશાનમાંથી હમણાં જ પાછા ફરેલા ડાઘુની માફક પટેલ આ ‘શ્રધ્ધાંજલિ’ વીલે મોઢે સાંભળી રહ્યા હતાં ત્યાં દુકાનદારે છેલ્લું વાક્ય ઉમેર્યું. ‘બાકી, કોનું મરણ થ્યું છે, ઘરમાં ?’
પટેલ શું બોલે ? એમ થોડું કહે કે મારી વ્હાલી મૂછ મને છોડીને ચાલી ગઈ છે ?
દુઃખતા ઉપર ડામ હોય તેમ થોડા દિવસ પછી બીજી એક ઘટના બની. પટેલ પોતાની રોયલ એન્ફીલ્ડ (બુલેટ) મોટર સાઈકલ લઈને ટાઉનમાં ગયા હતા. બજારમાં એક ઠેકાણે હજી બાઈકને સ્ટેન્ડ ઉપર ચડાવે છે ત્યાં એક હવાલદાર આવ્યો :
‘એય ! અંઈથી ગાડી ઉઠાવ ! સાયેબ આવતા છે !’ એ તોછડાઈથી બોલ્યો.
‘એ હહરીનો કયો સાહેબ ?’ પટેલ અકળાયા. ‘મને ઓળખતો છે કે ? મેં આંતલીયા ગામનો પોલીસ પટેલ ! જાણતો છે કે ?’
‘તારી તે જાતનું પોલીસ પટેલ મારું ?’ પેલા હવાલદારે તો ઉઘડો જ લઈ નાંખ્યો. ‘કાચમાં તારું ડાચું જોયેલું કે ? ચાલ, નીકળ અંઈથી ! નીં તો બે ખાહે, મારી !’ એમ કરીને હવાલદારે પાછલી સીટ ઉપર જોરથી ડંડો ફટકાર્યો !
રણછોડ પટેલને એવું લાગ્યું કે એ ડંડો બાઈકની નહીં પોતાની પાછલી સીટ ઉપર પડ્યો ! સાલું, આટલું હડહડતું અપમાન ?
એ હવાલદાર શું બોલ્યો… ‘તારું ડાચું જોયેલું કે ?’ બસ, રણછોડ પટેલને ચાટી ગઈ ! એ સડસડાટ કીક મારીને પાછા આવ્યા ગામમાં !’
આવતાંની સાથે ‘અંબિકા હેરકટિંગ સલુન’માં જઈને ભીખલાની બોચી ઝાલી. ‘એની બેનને… તેં મારી મૂછ મુંડી લાખી એમાં જ મારી પત્તર ઠોકાઈ ચાલી ! આજે તને નીં છોડું !’ એમ કહીને પેલો ‘ફેમસ’ લાફો મારવા માટે હાથ ઉગામ્યો. ભીખલો ફફડી ગયો… બે હાથ જોડીને બોલ્યો :
‘પટેલ, વાંક તો પેલા લાલુકાકાનો ? એણે જ છીંકણીની ડબ્બી ઉંછાળી મુકેલી !’
‘તો જા, લાલુકાકાને તેડી લાવ !’ રણછોડ પટેલે હુકમ કર્યો !
લાલુ કાકો આવ્યો તો ખરો પણ એણે નવી ખો આપી. એણે કહ્યું, ‘બેનની જાત મારું… છીંકણીની ડબ્બી મેં જાણી જોઈને થોડી ઉછાળેલી ? એ તો પેલા ભગલાએ પાણીનો ફુવારો જ એવો મારેલો કે મારી આંખમાં ટીપું પઈડું ! મેં વળી હું પઈડું… હું પઈડું… એમ કરું તાં તો ફૂવારાનાં ટીપાં મારા નાંકમાં ગિયાં ! એમાં આવી છીંક… એટલે જ હહરી છીંકણીની દાબડી છટકી !’
રણછોડ પટેલ આજે બદલો લેવાના મૂડમાં હતા. તેમણે ત્રાડ પાડી. ‘કાં છે ભગલો ? તેને તેડી લાવ !!’
ભગલો કારીગર આજે રજા ઉપર હતો છતાં ભીખલો મારતી સાઈકલે ઈને તેને તેડી લાવ્યો. ભગલાએ આરોપીના પિંજરામાં ઊભા રહીને બચાવમાં કહ્યું :
‘મેં તો એટલું બધું પાણી મારતે જ નીં, પણ પેલું પોયરું જે બાલ કપાવવા આવેલું તેના બાલ એટલા કઠણ કે ઊભ્ભા ને ઊભ્ભા જ રેય ! એટલે વળી મેં જરી જોરમાં ફૂવારો-’
‘કોણનું ઉતું તે પોયરું ? તે પોયરાને તેડી લાવ !’ પટેલે નવું સમન્સ કાઢ્યું.
જવાબમાં ભીખલો નીચું મોં ઘાલી ગયો : ‘પટેલ, પોયરું તો -’ એણે જરા ખચકાઈને કહ્યું : ‘પોયરું તો સવિતા મહેતીનું છે.’
આ ‘સવિતા મહેતી’ એટલે કોણ ? તો અહીં ગામની પ્રાથમિક શાળાની શિક્ષિકા ! હવે એ ભણેલી ગણેલી બાઈને કંઈ અહીં સલુનની અદાલતમાં થોડી બોલાવાય ? એટલે ‘બુલેટ’ લઈને રણછોડ પટેલ જાતે એમના ઘરે ગયા.
‘ઓહો, રણછોડ પટેલ ? આવો, આવો ! મેં તો તમને પેલ્લાં ઓળઈખા જ નીં ! આ મૂછ કેમ કઢાવી લાખી ?’
સવિતા મહેતી આગળ પટેલ શું કહે ? છતાં ધૂંધવાતે અવાજે એમણે ફરિયાદ તો કરી જ કે આ તમારા પોયરાનાં કડક બાલને લીધે જ મારી મૂછ ગઈ. ઉપરથી ન્યાય માગ્યો કે ‘પોયરાનું મુંડન કરાવી લાખો ! તો જ મને ન્યાય મલહે !’
ભણેલાં ગણેલાં સવિતા ટિચરની હવે છટકી. એમણે સાડીનો છેડો કમરે ખોસતાં કહ્યું : ‘પેલી પંદરમી ઓગસ્ટે નિહાળમાં ઝંડો ફરકાવવા તમે જ આવેલા કેનીં ? તે વખતે તો મૂછ ઉપર હાથ ફેરવી ફેરવીને બહાદૂરીની મોટી મોટી વાતો કરતા ઉતા કે રાણા પ્રતાપ કેવા જબરા ? શિવાજી મહારાજની કેવી ખુમારી ? શહીદ ભગતસિંહ કેવા મરદ?
...અને એ જ બધા મૂછવાળા મરદની વાત કરવાવારા તમે આવડા અમથા પોઈરાં ઉપર બહાદૂરી બતલાવવા આઈવા કે ?’
રણછોડ પટેલ ઘીસ ખાઈ ગયા ! વાત તો સાચી જ હતી ને ? ઉપરથી મહેતીએ સલાહ આપી : ‘સુખે દુઃખે બે ત્રણ મહિના ખેંચી કા’ડોનીં ? મૂછ પાછી ઊગી નીકળહે…’
- છેવટે રણછોડ પટેલે એ જ કર્યું.
***
- મન્નુ શેખચલ્લી
E-mail : mannu41955@gmail.com
Comments
Post a Comment