નવી શ્રેણી... ઝાંઝવું નામે ગામ
ગામડાના લોકો ભોળા હોય છે. એમના ભોળપણને લીધે ઘણીવાર સાચૂકલા રમૂજી કિસ્સા બનતા હોય છે. તો આવો, એમનું માસૂમ અને નિર્દોષ હાસ્ય માણીએ, દર રવિવારે…
***
‘મારો ડોહો મરહે કે દા’ડે ? જરીક જોશ જોઈ આપો નીં ?’
દુનિયાનો કયો દિકરો એવો હશે જે પોતાનો બાપ ક્યારે મરે એની રાહ જોતો હોય ? કમનસીબે અમારા આંતલિયા ગામના રવિ ઉર્ફે રવલાને કોઈ ફાલતુ જ્યોતિષી પાસે આવું પૂછવા જવું પડ્યું હતું.
કારણ શું ? કારણ એટલું જ કે છેલ્લા ચાર વરસથી પથારીવશ થઈ ગયેલો એનો બાપ, એટલે કે ડાહ્યલો ડોસો, ભલભલાંને ગાંડા કરી મુકે એટલી હદે સનકી થઈ ગયો હતો. ઘરમાં બબ્બે વહુઓ (પુત્રવધુઓ) હોવા છતાં અને બન્ને વહુઓ કામઢી, શાણી અને ડાહી હોવા છતાં ડાહ્યલો ડોસો દિવસ રાત એમના કાનના કીડા ખરી જાય એવી ગાળો બોલતો હોય :
‘અલી કાં મરી ગઈ મારી ગયા જનમની હાહુઓ ? તારો હહરો મરી જવાનો… મારી રાંડેલ ચીબરીઓ ! ગામનો કૂકડો બોઈલો તિયારનો મેં ઊઠી ગેલો… પણ નીં મને દાતણ આઈપું, નીં લોટો આઈપો, કે નીં મારી પથારી બદલી ! તમારો હહરો એના ગૂ-મૂતરમાં જ તફડીને (તરફડીને) મરી જવાનો ! આ રાંડ ચૂડેલો એક દા’ડો મને મારી જ લાખવાની છે…’
બિચારી વહુઓ સસરાને નવડાવે, ધોવડાવે, સમયસર દાતણ-પાણી કરાવે અને એમનું મેલું પણ ઠેકાણે પાડે છતાં ડાહ્યલા ડોસાને બે કોડીની કદર નહીં ! ઉપરથી એમને દરેક વાતમાં શંકા પડે :
‘હહરી ડાકણે આજે મારી દાળમાં હું લાખેલું ? ઝેર લાખીને મને મારી લાખવાંની લાગે ! પણ હાંભળી લેજે પોરી ! મેં એમ કંઈ હેલાઈથી (સહેલાઈથી) મરવાનો નીં મલે ! અને મરી હો ગિયો તો તમુંને મારી મિલકતમાંથી બે રૂપિયા નીં આપા…’
ડાહ્યલા ડોસાના બન્ને દિકરામાંથી એક તો કમાવા માટે દૂભઈ (દૂબઈ) ગયેલો. બીજો એટલે આપણો રવિ ઉર્ફ રવલો થોડીઘણી જમીન હતી તેમાં ખેતી કરે, પરંતુ ગામમાં એવી વાત ચાલે કે અંગ્રેજોના જમાનામાં જ્યારે ડાહ્યલો ડોસો સાત આઠ વરસનો હતો ત્યારે એના હાથમાં સોના-ચાંદીના રાણીછાપ સિક્કાથી ભરેલો એક ચરુ (ઘડો) હાથ લાગી ગયેલો !
આ વાત સાચી એટલા માટે હશે કે ડાહ્યલા ડોસાથી પણ વીસેક વરસ મોટી ઉંમરના ઘરડાઓએ આ સિક્કા ડાહ્યલા પાસે જોયેલા ! એ વખતે સરકાર એને ચોર સમજીને જેલમાં ના ખોસી દે એ ડરથી ડાહ્યલાએ આખા ચરૂને ક્યાંક જમીનમાં દાટી દીધેલો !
આજે એ જ રાણીછાપ સિક્કાનો રોફ મારીને ડાહ્યલો ડોસો ઘરમાં સૌને દબડાવતો હતો ! એણે આ સિક્કાને એક દાબડામાં ભરીને પોતાના ખાટલા નીચે દાટી રાખેલા ! ડાહ્યલો ડોસો નહાવા બેસે કે હાજતે જવા બેસે, તો પણ એવા એંગલથી બેસે કે પોતાની ઓરડીના ખાટલા ઉપર એની નજર રહે !
બિચારા રવલાને ન તો બાપાની મિલકતમાં રસ હતો કે ન તો પેલા રાણીછાપ સિક્કામાં, પણ ડોસાનો ત્રાસ હવે એટલી હદે વધી ગયો હતો કે એને થતું હતું કે ‘મારો ડોહો અ’વે કે’દાડે મરવાનો ?’
છેલ્લા છ મહિનાથી ડોસાને રાતના સરખી ઊંઘ નહોતી આવતી. ઉપરથી હવે કોઈ દિમાગી બિમારીને કારણે ચિત્તભ્રમ અને મતિભ્રમ શરૂ થઈ ગયેલાં. અડધી રાતે ઊઠીને ઘાંટા પાડે ‘પોરીઓ... રાંડો… ઊઠો… હવાર પડી ! મેં લોટે જવાનો થિયો રે… આ વો’ઉઓ મારી મારી લાખવાની… રે…’
ડાહ્યલા ડોસાને જમવાનું આપ્યું હોય, એમણે પેટ ભરીને ખાધું પણ હોય (ઝેર જેવું ખવડાઈવું લાગે… એવાં ટોણાં મારી મારીને) છતાં હજી કલાક ના થયો હોય ત્યાં આખું ફળિયું ગાજે એવો કકળાટ શરૂ કરે. ‘મને આ લોકો ભૂખે મારી લાખવાનાં રે… હવારથી મને કંઈ ખાવા જ નીં આઈપું રે…’
ડાહ્યલા ડોસાને વહુઓ સમજાવે કે ‘તમે હમણાં થોડી વાર પેલ્લાં જ ખાધું…’ તો માને જ નહીં ! અને જ્યારે ફરીવાર ભાણું કરીને આપે ત્યારે બે કોળિયા ખાતાંની સાથે પોક મુકે ‘આ પેટમાં જતુ જ નીં મલે… રોટલામાં કંઈ ઘાલી મુકેલું લાગે…. મને મારી લાખવાના રે…’
બસ, આ જ કારણે છેક ગળે આવી ગયેલો રવલો એક જોષી પાસે ગયો હતો. જોષીએ ડોસાની જનમપત્રી જોઈને ગોળગોળ ભવિષ્ય ભાખ્યું કે ‘તારો ડોહો મરહે તે દા’ડે આખું ફળિયું બેઠું થેઈ જાહે !’
બસ, અહીંથી શરૂ થઈ હાસ્ય-કરુણ ઘટનાઓની લંગાર…
આમાં સૌથી પહેલાં રવલાને મળી ગયો એક ભૂવો ! નાંદરખા ગામના ભૂવાએ અડધો કલાક ધૂણ્યા પછી, નાળિયેરની કાચલીમાં કશુંક નાંખીને આંખો બળી જાય એવા ધૂમાડા કાઢ્યા પછી અને કાચલીમાંથી કાઢેલા દાણાને ભોંય ઉપર નાંખ્યા પછી ઉપાય બતાડ્યો :
‘એક મરઘો લેઈ આવ ! મેં અમાહની રાતે તારા ઘેરની પછવાડી આવા… તાં એ મરઘા ઉપર એવી વિધી કરા કે તારો ડોહો તણ દા’ડામાં ઠાઠડી ઉપર હૂતેલો જોવા મલહે !’
પુરા રૂપિયા પંદર ખર્ચીને (એ જમાનાના) રવલો સરસ મજાનો મરઘો લઈ આવ્યો. અમાસની રાતે પેલો ભૂવો ઘરની પછવાડે એની ધૂણવાની, ધૂમાડા કાઢવાની તથા આંખો બાળવાની સામગ્રી લઈને આવ્યો. થોડા હાકલા-પડકારા પછી એણે કોથળામાં પુરેલા મરઘાને બહાર કાઢીને રવલાના હાથમાં પકડાવ્યો અને કીધું :
‘આની ડોક મડ્ડી (મરડી) લાખ ! આ બાજુ મરઘો મરે, ને તે બાજુ તારા ડોહાની ડોક લબડી પડહે !’
બિચારા રવલાને તે વખતે ઊડી રહેલા ધૂમાડામાં આખું કાલ્પનિક દ્રશ્ય એ રીતે દેખાયું કે તે પોતે એના બાપાની ડોક મરડી રહ્યો છે ! એના હાથ ધ્રુજી ગયા ! એણે હાથમાંથી મરઘો ફેંકી દીધો :
‘મારા હગા બાપની ડોક મેં કેમ કેમ કરીને મડ્ડી લાખું ? મારાથી નીં થાય !’
મરઘો તો મુક્ત થઈને નાસી ગયો. ઉપરથી ગુસ્સે ભરાયેલા ભૂવાએ દક્ષિણા લીધા પછી પણ બે શ્રાપ મફતમાં આપ્યા !
ખેર, એ વખતે તો ડાહ્યલા ડોસાની ઘાત ટળી ગઈ પણ એ પછી એમનો ત્રાસ વધતો જ ગયો. એકવાર તો પીરસેલા ભાણાંવાળી થાળી મોટી વહુના મોઢાં ઉપર છૂટ્ટી મારી !
‘આ હું ગૂ જેવું ખાવાનું ખવડાવતી છે મને ? મારી લાખો… બધી રાંડો ભેગી થેઈને મારી જ લાખો મને ! તારો ધણી દૂભઈમાં (દૂબઈમાં) બેહીને હું (શું) કમાતો છે ? તેના કરતાં દહ ગણા પૈહા મારી પાંહે છે… મેં મરી જવા પછી અનાથાશ્રમમાં વહેંચી લાખા ! તારે જોઈએ તો મારી છાતી પર ચડીને મારી લાખ મને…’
એ દિવસે ડાહ્યલા ડોસાની મોટી વહુ યાને કે રવલાની ભાભી એટલી ગુસ્સે ભરાઈ કે તે ઘર છોડીને પિયર જતી રહી ! ઉપરથી રવલાના મોટાભાઈનો દૂબઈથી એસટીડી ફોન કરાવ્યો કે ‘ડોહો નીં હચવાતો ઓય તો એને ગાંડાની હોસ્પિટલમાં લાખી આવ ! પણ એ મારી બૈરીને કંઈ બોઈલો છે તો -’
બન્ને બાજુથી ભીંસમાં મુકાયેલા રવલાને એના મિત્રોએ નવો ઉપાય બતાડ્યો : ‘તારા ડોહાને ઊંઘની ગોળીનો પાવડર કરીને દૂધમાં પીવડાવી લાખ ! એ ઊંઘમાં ને ઊંઘમાં મરી જાહે !’
દોસ્તોએ એક હોસ્પિટલના કમ્પાઉન્ડરને સાધી રાખ્યો હતો. તેની પાસેથી ઊંઘની ગોળીઓ મેળવીને રવલાને ફરી એના બાપની ‘સોપારી’ આપી ! આ વખતે રવલો થોડો ગભરાયો ખરો. પણ પેલા મરઘાની ડોક મરડી નાંખવા જેવું ભયંકર દ્રશ્ય એને દેખાયું નહીં. એમાં એને હિંમત આવી.
રાતના સમયે જ્યારે ડાહ્યલા ડોસાએ પાણી પીવા માટે ત્રાગાં કરવા માંડ્યા ત્યારે રવલાએ એમને ઊંઘની ગોળીના પાવડરવાળું દૂધ પકડાવી દીધું. ડાહ્યા ડોસાએ ઘટક ઘટક ચાર ઘૂંટડા પીધા પણ ખરા ! પણ પછી અચાનક એની છટકી ! છ ગાળ દીધા પછી એમણે દૂધનો પ્યાલો છૂટ્ટો ફેંકતાં ઘાંટા પડ્યા :
‘હહરીના મેં પાણી માઈગું, ને તું મને દૂધ પીવડાવતો છે ? તું વળી કયા માલેતુજારનો પોયરો થેઇ ગિયો ? મને તારા પૈહાનો રૂઆબ બતલાવતો છે ?’
દૂધ તો ઢોળાઈ ગયું… પણ પછી ડોસો સવારે અગિયાર વાગ્યા લગી પથારીમાંથી ઊઠ્યો જ નહીં ત્યારે રવલાએ પોક મૂકી : ‘મારો ડોહો મરી ગિયો રે… કોઈ આવો, મારો ડોહો મરી ગિયો રે…’
ફળિયાના લોકો આવીને જુએ છો તો ડોસાના શ્ર્વાસ કંઈ અટક્યા નથી ! પણ એ બેઠો કેમ નથી થતો ? બે જણા એને બેઠો કરે કરે, ત્યાં તો રબરના પૂતળાની માફક ડાહ્યલો ડોસો ઢળી પડે છે ! આ જોઈને બિચારો રવલો ધ્રુસકે ધ્રુસકે રડે છે !
પણ સાંજે છ વાગે ચમત્કાર થયો… ડાહ્યલો ડોસો બેઠો થઈ ગયો ! એટલું જ નહીં, મોટી મોટી ગાળો પણ દેવો લાગ્યો !
બિચારા રવલાની દશા સાપે છછુંદર ગળ્યા જેવી થઈ ગઈ હતી. બાપને મરતો જુએ તો ચોધાર આંસુએ રડે અને જીવતો, ગાળો ભાંડતો જુએ તો છાતી કૂટવાનું મન થાય !
એવામાં રવલાના દોસ્તોએ નવો કારસો ઘડ્યો. ‘તું તારા ડોહાને ગાલ્લામાં (ગાડામાં) લાખીને બીલીમોરાની હોસ્પિટલમાં ડોક્ટરને બતલાવવા લેઈ જા… પાછા આવતાં જાણી જોઈને મોડું કરજે… અંધારામાં એક ઠેકાણે અમે જ તેના માથે લાકડું ફટકારીને મારી લાખહું… પછી કે’વાનું કે નાળિયેરીના ઝાડ પરથી મોટો તરોપો માથા પર પઈડો એમાં ડોહો મરી ગિયો !’
બિચારો રવલો એ શરતે તૈયાર થયો કે હું ગાડામાંથી ઉતરી જાઉં પછી જ તમારે આમ કરવાનું. ‘મારાથી મારા બાપને મરતો નીં જોવાહે !’
આખરે તખ્તો ગોઠવાઈ ગયો. રવલાએ જાતજાતનાં બહાનાં કરીને પાછા આવવાનું મોડું કર્યું. જોકે ડાહ્યલો ડોસો પેલા રાણીછાપ સિક્કાનો દાબડો બગલમાં જ રાખીને ગાડામાં સૂતો હતો !
પેલી બાજુ નક્કી કરેલી જગ્યાએ રવલાના દોસ્ત ગાડાની રાહ જોતા ઊભા હતા. દૂરથી ગાડાની નીચેના ભાગે લટકતા ફાનસની નિશાની જોઈ એટલે ત્રણે સાબદા થઈ ગયા ! જેવું ગાડું નજીક આવ્યું કે તરત ત્રણે બહાદૂરો ખાબક્યા !
પણ આ શું ? બે લાકડી ફટકારી ત્યાં જ ખ્યાલ આવી ગયો કે અહીં તો બીજું જ ગાડું અડફેટે ચડી ગયું છે ! એટલું જ નહીં, જેના માથે ડંડા પડ્યા એ બાજુના ગામનો ‘પોલીસ પટેલ’ (મુખી) હતો ! એ આ ત્રણને ઓળખી ગયો !
પછી તો જે વાત રવલાના મનમાં હતી તે આખા ગામમાં જાહેર થઈ ગઈ ! પેલા ત્રણ તો પોલીસ સ્ટેશનમાં ભાઈ-બાપા કરીને જેમતેમ છૂટ્યા પરંતુ આપણા ડાહ્યલા ડોસાને પોતાના દિકરાના ઈરાદાની ખબર પડી ગઈ !
બસ પછી તો પૂછવું જ શું ? ડાહ્યલો ડોસો હવે બમણો વીફર્યો ! એનો ઘાંટો ચૂંટણીસભાના લાઉડ સ્પીકર કરતાં મોટો થઈને ગાજવા લાગ્યો !
અગાઉ તો એ રાત્રે એકાદ બે વાર ઉપાડા લેતો હતો પણ હવે તો આખી રાત એવું ધાંધલ મચાવવા લાગ્યો કે ફળિયાનાં લોકો પણ કંટાળ્યા : ‘આ ડોહો અ’વે મરે તો હારું !’
પણ એમ કંઈ ડાહ્યલો ડોસો, મરતો હશે ? એનું તોફાનો તો વધતું જ ચાલ્યું !
જોકે બે ચાર મહિના પછી ડાહ્યલો ડોસો ખરેખર ખુબ જ બિમાર પડ્યો ! હવે તો ફળિયાવાળા ઉપરાંત ગામલોકો પણ રાહ જોતા હતા કે ડોસો ક્યારે મરે ?
પણ પેલા જોષીની ભવિષ્યવાણી સાચી પડવાની હોય એમ દિવાળીના તહેવારોની શરૂઆતમાં જ, બરોબર ધનતેરસની આગલી રાત્રે ડોસો ઢબી ગયો !
આ વખતે જ્યારે રવલાએ પોક મુકી કે તરત જ ફળિયાનાં લોકો દોડતા પહોંચી ગયા. રવલાને કહે : ‘ચૂપ ! ચૂપ ! ભાઈબીજ લગી કોઈને કે’વાનું નથી કે ડોહો મરી ગિયો છે !! હહરીના, આખા ગામે મીઠાઈ, પતાસાં ને ફટાકડા લાવી રાખેલાં છે, તે તારા જનાવર જેવા ડોહલા પાછળ બાતલ કરવાનાં કે ?’
એ રાત્રે આખું ફળિયું ભેગું થયું અને ચૂપચાપ ડાહ્યલા ડોસાની અંતિમક્રિયા રાતોરાત પતાવી દીધી ! ટુંકમા પેલા જોષીની આગાહી સાચી જ પડી કે, ‘તારો ડોહો મરહે તે દા’ડે આખું ફળિયું બેઠું થેઈ જાહે !’
***
- મન્નુ શેખચલ્લી
E-mail : mannu41955@gmail.com
આંતલીયા,વરોટી,દેવસર,કે કેહલીપાટી બાજુનુ એકાદો તોરણીયાનું કે રેવલી ,વજી અથવા ભાણિયાનો વેશ ખૂણે ખાંચરે હંતાય રે'લો હોય તો ફોમ કરીને ધધડાવી પાડોની.
ReplyDeleteझक्कास रवलो....