ભજીયાંની દંતકથાઓ !

વરસાદી મોસમમાં ભલભલાં પરફ્યુમ કરતાં ગરમાગરમ તળાતાં ભજિયાંની સુગંધ વધુ પ્રેમીઓને (ભજિયાં પ્રેમીઓને) આકર્ષે છે !

એ જ વાત ઉપર આજે ભજિયાંની થોડી સાચી-ખોટી દંતકથાઓ સાંભળો…

*** 

સોહની-મહિવાલની દંતકથા એવી છે કે આવી ચોમાસાની મસ્ત સિઝનમાં જ્યારે સોહની ગરમાગરમ ભજિયાં તળતી હતી ત્યારે એની મસ્ત સુગંધ હવામાં તરતી તરતી છેક મહિવાલના નાક સુધી પહોંચી ગઈ હતી.

‘આહાહા.... જે ભજિયાંની સુગંધ આટલી મસ્ત છે એ તળવાવાળી તો કેટલી મસ્ત હશે !’ એવું વિચારી મહિવાલ છેક હિમાચલ પ્રદેશથી હાલતો હાલતો છેક ભાવનગર પહોંચી ગયો હતો !

અહીં ભાવનગરમાં સોહનીના બાપે એવી શરત મુકી હતી કે તું ચણાના લોટમાંથી એક લાખ વેલણ બનાવી આપ !

આ રીતે ભાવનગરમાં વણેલા ગાંઠીયાની શોધ થઈ હતી. બોલો.

*** 

અમદાવાદના ફેમસ ‘રાયપુર ભજિયાં હાઉસ’ની દંતકથા એવી છે કે ભજિયાં ખાવાનો શોખીન એક સસલો ગરમાગરમ તળાઈ રહેલા ભજિયાંની સુગંધથી આકર્ષાઈને લાળ ટપકાવતો એટલા માટે દોડ્યો હતો કે એનેય પહેલા જ ઘાણનાં ભજિયાં ખાવા હતાં !

આમાંને આમાં એણે અડફેટમાં આવતા એક કૂતરાને પાડી દીધો હતો ! કૂતરો ગભરાઈને ભાગી રહ્યો હતો...

પણ આ દૃશ્ય જોઈને અહમદશાહે ખોટો અર્થ કાઢ્યો અને અમદાવાદ શહેર વસાવી કાઢ્યું !

પણ તમે જુઓ કે આજે અહમદશાહ પણ નથી, એનું રાજ પણ નથી, છતાં અમદાવાદમાં ભજિયાંનું રાજ ચાલે છે !

*** 

નવા જમાનાની વાત કરીએ તો મહાન ફિલ્મકાર મનોજકુમાર ચણાનાં લોટની તાકાત પારખી ગયા હતા એટલે જ એમણે ‘ક્રાંતિ’ ફિલ્મમાં ગીત રખાવ્યું હતું : ‘મેરા ચના હૈ અપની મરજી કા... મરજી કા ખુદ ગરજી કા !’

*** 

એ જ રીતે કવિ ગુલઝાર જ્યારે ભજિયાં ઉપર ગીત ના લખી શક્યા ત્યારે આખી ફિલ્મ બનાવી જેનું નામ હતું ‘ખુશ્બુ’. હકીકતમાં આ ભજિયાંની જ ખુશ્બુ હતી !

*** 

નિર્માતા યશ ચોપરા ભજિયાં તળવા માટેના ઝારા ઉપર ફિદા હતા એટલે એમણે ફિલ્મ બનાવી... ‘વીર-ઝારા’ !

***

- મન્નુ શેખચલ્લી

Comments