માત્ર ગુજરાતીઓ જ જાણે છે કે ભજીયાં નામની વાનગીમાં કેટલા ચમત્કારી ગુણો રહેલાં છે ! જોકે હજી સુધી કોઈ વૈજ્ઞાનિકે ભજીયાંનું વૈજ્ઞાનિક પરીક્ષણ કર્યું નથી. પરંતુ એ પહેલાં વાંચી લો અમારો લેબ-રિપોર્ટ...
***
નામ : ભજીયાં, ઉર્ફે ગોટા, ઉર્ફે પકોડા, ઉર્ફે કાંદાવડા, ઉર્ફે બટાટાવડા, ઉર્ફે વેજ પકોડા વગેરે
***
આકાર : સામાન્ય રીતે અનિયમિત આકારના ગોળાકારમાં ઉપલબ્ધ હોય છે પરંતુ કાંદાવડામાંથી અણિયાળી તલવારો નીકળી આવી હોય તેવાં અપવાદો પણ ઉપલબ્ધ છે.
***
કદ (સાઇઝ) : નાની લખોટી, મોટા લખોટા, નાની દડી, મોટા દડા તેમજ નાના લાડવા જેવી વિવિધ સાઇઝોમાં પ્રાપ્ય છે.
***
પ્રાપ્તિસ્થાન : ગૃહિણીના રસોડા ઉપરાંત આ ચીજ શહેર, ગામ, ગલી, ચાર રસ્તા વગેરેના ખૂણે, ખાંચરે તેમજ હાઈવે, સબ-વે, રેલ્વે સ્ટેશન, બસ-સ્ટેશન વગેરે સ્થળે મળી આવે છે. આના માટે લારીઓ, ખૂમચા, સડકછાપ રેંકડી, ફૂટપાથ, છાપ છપરી, નાની તેમજ મોટી રેસ્ટોરન્ટોથી લઈને હાઈ-ફાઈ હોટલોમાં સર્ચ મારવી.
***
પ્રાપ્ત કરવાની પદ્ધતિ : ઘરમાં પ્રાપ્ત કરવા માટે મમ્મી અથવા પત્નીને મસ્કા મારવાના હોય છે. એ સિવાયના સ્થળોએ ધનના બદલામાં મળી શકે છે. જોકે અમુક ઠેકાણે પ્રાપ્તિસ્થાનોએ લાંબી લાઈનો હોવાની શક્યતા છે.
***
ઘટકો (ઇન્ગ્રેડિયન્ટસ) : આમાં મુખ્ય અને અનિવાર્ય ઘટક ચણાનો લોટ ઉર્ફે બેસન નામનો પદાર્થ છે. જેને અર્ધપ્રવાહી સ્વરૂપમાં લાવીને, વિવિધ વૈકલ્પિક નૈસર્ગિક પેદાશો (બટાટા, મેથી, કાંદા વગેરે) અથવા તેના અર્ધ-નક્કર ગોળાઓ તથા સસ્તું, સારું અથવા મોંઘુ તેમજ બનાવટી તેલ.
***
સીધી અસર : ભૂખની તૃપ્તિ થાય છે.
***
આડ અસર : જીભમાં ફોલ્લા પડી શકે છે, ગાલ દાઝી શકે છે, પાચનશક્તિમાં અણધાર્યા ફેરફારો થઈ શકે છે, બીજા દિવસે ચોક્કસ સ્થાનોમાં બળતરા થઈ શકે છે.
આ ઉપરાંત દાંપત્યજીવનમાં મધુરતા વધી શકે છે, મિજાજમાં સુધારો, મૂડમાં ફેરફારો, વાણીમાં ઉછાળો તથા મિત્રતામાં પૈસા કોણ ચૂકવે છે અને કોણ નથી ચૂકવતું તેના હિસાબે વ્યસ્ત પ્રમાણમાં વધારો તેમજ ઘટાડો થઈ શકે છે.
ભજીયાંનો જય હો !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment