નવી શ્રેણી... ઝાંઝવું નામે ગામ
ગામડાના લોકો ભોળા હોય છે. એમના ભોળપણને લીધે ઘણીવાર સાચૂકલા રમૂજી કિસ્સા બનતા હોય છે. તો આવો, એમનું માસૂમ અને નિર્દોષ હાસ્ય માણીએ, દર રવિવારે…
***
‘હું વાટ કરે ? હાડા હાત હજ્જારની વિગ ?’
‘તો વરી ? છેક મુંબઇથી ઓડર કરીને બનાવેલી છે. પિચ્ચરના હિરો લોક આવે કનીં, તે આવી વિગ પે’રતા છે ! ઊંચા માંયલી !’
‘અચ્છા, અમિટાભ ને ઢરમેન્ડ્ર ને એવા બઢા !’
‘હહરીનાં, એવાં ડોહલાંનાં નામ કાં લેયા કરે ? મેં ટો અજુ જવાન છે…’
આ આખો સંવાદ ચાલી રહ્યો હતો. અમારા ગુંદલાવ ગામની એક નાનકડી દુકાનમાં. દુકાનના માલિકનું નામ બાલુ પણ નસીબ જુઓ કે બિચારાને માથે બાલ જ નહીં ! પુરી ૩૬ વરસની ઉંમર થઈ જવા છતાં એ રહી ગયેલો વાંઢો !
જોકે ચહેરો એકદમ ચમકતા ચાંદ જેવો રૂપાળો, પણ તકલીફ એક જ, કે માથું પણ પૂનમના ચાંદ જેવું ગોળમટોળ, ચમકતું અને સફાચટ ! બિચારા બાલુએ શરીર પણ બહુ સાચવેલું. ફેસ તો ભલભલા જુવાનિયાને ટક્કર મારે એવો હેન્ડસમ, પણ બાલુને નડતા હતા એના બાલ, અથવા તો ‘અ-બાલ’ !
આમ તો એણે સુરતમાં બનેલી દેશી બનાવટની ચારસો પાંચસો રૂપિયાની વિગ પહેરીને બહુ છોકરીઓ જોઈ, પણ છોકરીની પારખુ નજર તરત જ જાણી જાય કે મૂરતિયો ટકલુ છે.
આખરે આ વખતે ખાસ મુંબઈનો ધક્કો ખાઈને બાલુએ સાડા સાત હજારની વિગ વહોરેલી. આજે જ દૂરના એક ગામની છોકરીને જોવા જવાનું હતું. એટલે એણે ખાસ ગામના ‘સેલુનવારા’ને બોલાવેલો, જેથી મસ્ત ફેસ-પેક લગાડીને, બરોબર મસાજ કરાવીને પિત્તળના લોટાને જે રીતે ઘસીઘસીને સોના જેવો કરવામાં આવે તેવો ચહેરો ચમકાવી રહ્યો હતો.
હવે બન્યું એવું કે જ્યારે સવારના નવ વાગ્યાના સુમારે દુકાનમાં પેલી ‘હાડા હાત હજ્જારની વિગ’ની વાતો ચાલી રહી હતી એ વાતો દુકાનના ઓટલે નવરા બેઠેલા એક ‘ચોર’ને સંભળાઈ રહી હતી !
એ ચોર અહીં કંઈ ચોરી કરવા તો આવ્યો જ નહોતો, પણ વાત એમ હતી કે આપણા બાલુની આ દુકાન એસટી બસ-સ્ટોપની બિલકુલ સામે જ પડે. દુકાનમાં વેફરનાં પડીકાં, માવા-મસાલાના હારડા, અને શીંગ ભૂજિયાંના તોરણો લટકતાં હોય. સાથે સાથે અહીં સોડા-લેમન, પેપ્સી - ‘ઠમ્સપ’, લિમ્કા અને ‘ચિંગમ’ પીપરમિન્ટ બિસ્કીટ વગેરે પણ મળે. મુસાફરો બસની રાહ જોતા હોય ત્યારે અહીં ઓટલે બેસે, એમાં બાલુની ઘરાકી થાય.
જોગાનુજોગ પેલા ઓટલે બેઠેલા ચોરની દાઢ ‘હાડા હાત હજ્જાર’નો આંકડો સાંભળીને સળકી ! તેણે સિફ્તથી દુકાનમાં પોતાની નજરોનું માઇક્રોસ્કોપ ઘુમાવ્યું ં અહીંની ભૂગોળ એવી હતી કે દુકાનની પાછળ જ બાલુનું ઘર હતું અને પેલી વિગ, (હાડા હાત હજ્જારની) દુકાનના થડા ઉપર એક સ્ટેન્ડમાં ગોઠવેલી હતી. પેલો ‘સેલુનવારો’ બાલુના ચહેરાને પુરેપુરો ચમકાવી લીધા પછી પાણીનો ફુવારો મારી રહ્યો હતો. પોતાની આંખો ઝીણી કરીને બાલુ બોલ્યો :
‘ચાલ, વ્હેલું પટાવનીં, પછી મેં ના’વા જટો છે.’
‘પટી જ ગિયું બાલુભાઈ, બાકી, આ વખટે ટો પોરી બી પટી જવાની લાગે ! હાડા હાટ હજ્જારની વિગ લગાડહે પછી ટો ટમું ટાઇગર લાગવાના, ટાઈગર.’
‘કોન ટાઇગર ?’
‘એ, ટાઇગર હ્રોફ ! જેકી હ્રોફનો પોયરો, પેલો એક્ટર !’
સેલુનવાળો એનું કામ પતાવીને દુકાનની બહાર ગયો, બાલુ નહાવા માટે અંદર ઘરમાં ગયો… અને આ બાજુ પેલા ચોરે બિલકુલ માખણમાંથી વાળ કાઢે એ રીતે દુકાનમાંથી વિગ કાઢી લીધી !
નહાઈ-ધોઈને બાલુ ટુવાલ વડે ટાલ સાફ કરતો બહાર આવીને જુએ છે તો વિગ ગાયબ છે !! હવે ? હવે શું ? જુની વિગ તો બાલુ ‘એક્સ્ચેન્જ’ ઓફરમાં ૫૦૦ રૂપિયામાં વેચીને આવ્યો હતો !
એ પછી બાલુની કહાણીમાં ટ્રેજેડી કરતાં કોમેડી વધારે હતી. વિગ તો હતી નહીં એટલે ટોપી શોધી જોઈ પણ એય ઘરમાં નહોતી. છોકરી જોવા માટે આવનારા એક વડીલે પોતાની ટોપી ઓફર કરી પણ એ તો હતી દેશી, ધોળી, ગાંધી ટોપી ! એમાં તો બાલુ રીતસર મોરારજી દેસાઈ લાગતો હતો ! છેવટે બીજા એક વડીલની રૂંછાવાળી કાળી ટોપી પહેરી.
આ ટોપીની ખાસિયત એ હતી કે છેક કેનેડાના ટોરેન્ટો શહેરમાંથી એ વડીલના ભત્રીજાએ એમને ગિફ્ટ તરીકે આપી હતી. જોકે ભત્રીજો એ વાસ્તવિક્તા જ ભૂલી ગયેલો કે અહીં એવી રૂંછાવાળી ટોપી શિયાળામાં જ પહેરી શકાય. છતાં બાલુએ ધરાર પહેરી !
કન્યા તો અત્યંત સુંદર હતી. પરંતુ થયું એવું કે એમના ઘરમાં એ જ ટાઇમે લાઇટ ગઈ ! પંખો બંધ, ઉનાળાનો બફારો, પરસેવાના રેલા… આ બધાના કારણે વડીલોએ પોતપોતાની ધોળી ટોપીઓ કાઢીને તેના વડે પવન નાંખવા માંડ્યો… અનાયાસે બિચારા બાલુનો હાથ પણ ટોપી ઉપર ગયો અને –
તમે સમજી જ ગયા હશો કે પૂનમના ચાંદ જેવી ટાલનાં દર્શન થતાંની સાથે જ પૂનમના ચાંદ જેવો ચહેરો ધરાવતી કન્યાના હાથમાંથી ચા-નાસ્તાની ટ્રે છટકી ગઈ ! કન્યાના બાપાની તો પુરેપુરી કમાન છટકી ગઈ !
‘મારી પોરીને પન્નાવા હારુ આ ડોહલાને લેઇને આવેલા છે ? જરીક કહરમ જેવું મલે કેનીં ?’
આવા હડહડતા અપમાન પછી બાલુને બરોબરની ચાટી ગઈ. એને થયું, મારી હાડા હાત હજ્જારની લગડી આઇટમ ચોરનારને ધરતીના પડમાંથી શોધીને સાલાને જૂતે જૂતે મારું ! પણ એમ કંઈ ચોર મળતો હશે ? બાલુ બિચારો પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા ગયો તો ત્યાં પણ એની ફિરકી લેવાઈ ગઈ !
‘એ વિગ કેવી ઉ’તી ? એનો કોઈ ફોટો ખરો કે ? હાડા હાત હજ્જારનું બિલ કાં છે ? હહરીનો એનો વીમો નીં લીધેલો કે ? ફોટા વગર મુડ્ડા-માલને હોઠવાનો કેમ કરીને ? ગમ્મે ટના માઠાનાં બાલ ખેંચીને ચેક થોડી કરાય ? ફોટો જમા કરાવી જાવો, પછી જ ફરિયાડ ઢિયાન પર લેવાહે. અને… વિગ જ હોઢવાની છે કે ટારા હારુ કોઈ પોરી બી હોઢવાની છે ? અમારું માને ટો પોરી હોઢવાનું જ હારુ પડહે બાલુ !’
વિગના વિરહમાં ધીમેધીમે કરતાં આઠ મહિના વીતી ગયા પરંતુ આ બધી લમણાંફોડમાં એક દિવસ ચમત્કાર થયો ! બાલુનો ‘સેલુનવારો’ એટલે કે ધીરુ, ખબર લાવ્યો :
‘બાલુ ! કછોલી ગામમાં ટારા જ જેવી વિગ પે’રીને એક માણહ ફરટો છે !’
‘તેં કેમ કરીને જાઇણું ?’
‘ગણદેવીમાં એક સેલુનવારો મારો દોસ્તાર છે. તે કે’તો ઉતો કે તેને તાં છેક કછોલીથી એક ભાઈ બાલ કપાવા આવતો છે, તેની વિગ દહ હજ્જારની છે !’
આ ખબર સાંભળતાંની સાથે જ ‘મિસ્ટર ઇન્ડિયા’ના મોગેમ્બોની માફક બાલુ ખુશ થયો અને પછી ‘કર્મા’ના ખૂંખાર વિલન ડોક્ટર ડેંગની જેમ બાલુએ પોતાનો બદલો લેવા માટે ‘શાન’ના વિલન શાકાલની જેમ આખો પ્લાન બનાવી કાઢ્યો.
સેલુનવાળા ધીરુનું તીતીઘોડા જેવું લુના લઇને બન્ને ઉપડ્યા કછોલી ગામે જવા માટે. પણ ‘ફોટો-આઇડેન્ટીટી’ વિના એ માણસને શોધવો શી રીતે ? એનું નામ પણ ખબર નહોતું. કછોલીની દુકાને દુકાને જઈને પૂછ્યું કે ‘ટમારે ટાં કોઈ ફક્કડ વિગ પે’રેલો ઘરાક આવટો છે ?’
આનો જવાબ મળવો મુશ્કેલ એટલા માટે હતો કે એ વિગ એટલી નેચરલ અને બેસ્ટ ફિટીંગવાળી હતી કે પહેલી નજરે તો શું, પચાસમી નજરે પણ કોઈને શંકા ન જાય કે આ વિગ હશે. છતાં હવામાં તીર સમજીને બન્ને જણા કછોલીમાં આંટા મારતા રહ્યા. છેક ઢળતી સાંજે ધીરુને વિચાર આવ્યો કે –
‘કોઈ સેલુનવારાને પૂછહે તો ખબર પડી જતે, કેમકે નવી વિગ લાઇવા પેલ્લાં એ કેથે જેઈને તો બાલ કપાવતો ઓહે ને ?’
અને ખરેખર એવું જ થયું ! ‘સ્ટાર હેરકટિંગ સલુન’માં જઈને પૂછ્યું તો એ ભાઈએ ઘરાકની દાઢી કરતાં કરતાં જ રોડ તરફ આંગળી ચીંધી : ‘એ તો હરીશ તડવી ! જુઓ, એ ચાઇલો પેલા એક્ટિવા પર...’
ધીરુ અને બાલુ બહાર નીકળીને જુએ છે તો એક રેડ કલરનું એક્ટિવા દૂર જતું દેખાયું. પાછળની સીટ ઉપર રંગીન સાડીમાં કોઈ યુવતી બેઠી હતી. બાલુએ ફટાફટ ધીરુના લુનાને પેડલ માર્યા ! એ ઝટ ચાલુ ના થયું એટલે ધીરુએ પાછળથી ધક્કો માર્યો ! પણ ત્યાં સુધીમાં પેલું એક્ટિવા આગળ જઈને કઈ ગલીમાં વળી ગયું તેની ખબર પડી નહીં…
‘ચિંટા ની’ કર ! એ ચોરનું ઘર કછોલીમાં કાં છે, ટે સ્ટાર સેલુનવારો જ બટલાવ હે !’
બન્ને જણાએ સેલુનવાળા પાસે પેલા હરેશ તડવીનું પાકું સરનામું સમજી લીધું પછી એના ઘરમાં ઘૂસીને સરપ્રાઇઝ છાપો મારવાનું નક્કી કર્યું.
પરંતુ અહીં એક સાથે ત્રણ ત્રણ આઘાતજનક ઘટનાઓ બની. પહેલી ઘટના તો એ બની કે બાલુએ ઘરમાં ઘૂસતાંની સાથે ચાર મોટી મોટી ગાળો દઈને હરેશના માથેથી વિગ ખેંચી કાઢી એના કારણે હરેશને માથે જાણે વીજળી ત્રાટકી હોય એવી રીતે એ ધ્રુજવા લાગ્યો !
બીજો આઘાત બાલુની બૂમો સાંભળીને ઘરમાંથી બહાર આવેલી હરેશની પત્નીને લાગ્યો ! તે હરેશની ટાલ જોઈને ચીસ પાડી ઊઠી : ‘હાઈલાઆઆ ! તું ટાલિયો છે ? આટલા વખત લગી મને…’
પત્નીની જીભ ત્યાં જ ચોંટી ગઈ ! કેમકે ત્રીજો આઘાત તેને અને બાલુને એકસાથે લાગ્યો ! કારણ એટલું જ કે તે દિવસે વિગ ચોરાયા પછી રૂંછાવાળી ટોપી પહેરીને જે છોકરીને બાલુ જોવા ગયો હતો એ આ જ હતી… ‘રસીલા’ !
આવડા મોટા આઘાતની કળ વળ્યા પછી બાલુ રસીલાને જોઈને માંડ માંડ એટલું જ બોલેલો કે ‘આખ્ખરે ટો ટુ ટાલિયાને જ પણ્ણી ને !’
***
- મન્નુ શેખચલ્લી
E-mail : mannu41955@gmail.com
Fantastic end Lalitbhai maja avi gai Thanks a lot dear 🙏🌹
ReplyDelete