‘ભક્ત’નું લેબલ માત્ર મોદી ભક્તો ઉપર લગાડવાની જરૂર નથી. આ ચૂંટણીમાં જોયું કે અહીં તો હાડોહાડ રાહુલ ભક્તો પણ છે !
પરંતુ બન્નેમાં ફરક શું છે ? જુઓ…
***
મોદી ભક્તો એમના કામથી ખુશ છે...
જેમ કે કલમ ૩૭૦ હટાવી, આતંકવાદ અંકુશમાં લીધો, રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠા કરાવી, કોરોના વખતે સજ્જડ કામગીરી, સ્વદેશી વેક્સિન, ગરીબો માટે મફત અનાજ, ગરીબો માટે મફત તબીબી સારવાર... વગેરે.
***
મોદી ભક્તો એમની પ્રતિભાથી અંજાયા છે...
જેમકે અનેક વિદેશી નેતાઓ મોદીનાં વખાણ કરે છે, મોદીને જોવા ટોળેટોળાં ઉમટે છે, મોદી દિવસમાં અઢાર કલાક કામ કરે છે, મોદી એક ચા વાળામાંથી દેશના વડા બન્યા... વગેરે.
***
મોદી ભક્તો મોદીજીએ બતાવેલાં સપનાંથી પણ ખુશ છે ! જેમકે ભારત વિશ્વગુરુ બની જશે, ભારત વિશ્વમાં ત્રીજી મોટી ઈકોનોમી હશે, ભારત મંગળ ઉપર પહોંચી જશે, ભારત પીઓકે પણ લઈ લેશે ! વગેરે.
***
મોદી ભક્તો મોદીજીનાં ગપ્પાં પણ સાચાં માની લે છે !
જેમ કે એમણે હિમાલયમાં તપ કરેલું, ફોન કરીને વૉર અટકાવી દીધેલી, નાના હતા ત્યારે અનેક મોટા કામો કરેલાં અને હવે પરમાત્માએ જ એમને ભારતની જવાબદારી સોંપી છે ! વગેરે.
***
એની સામે રાહુલ ભક્તોનું શું છે ?
રાહુલજીએ કોઈ ખાસ કામો નથી કર્યા.
રાહુલજીની કોઈ ભવ્ય પ્રતિભા પણ નથી.
રાહુલજીનાં કોઈ મોટાં સપનાં કે મોટાં ગપ્પાં પણ નથી !
***
છતાં રાહુલ ભક્તો રાહુલજીને કેમ પસંદ કરે છે ?
કેમકે ૨૦૦૪ પછી સત્તર વરસ સુધી એ સતત ‘મેચ્યોર’ થતા રહ્યા છે ! છેલ્લાં ત્રણ વરસમાં તો ‘ખુબ મેચ્યોર’ થઈ ગયા છે !
એમણે ભારત જોડો યાત્રા કરી, તળાવમાં ડૂબકી મારી, ઢોંસા બનાવ્યા, બાઈક રીપેર કરી, કુલીની બેગ ઉંચકી, રંધો માર્યો અને બહુ બધા ગરીબોને મળ્યા !
***
ચૂંટણી દરમ્યાન રાહુલ ભક્તોની સંખ્યા વધી ગઈ છે...
કેમકે એમને લાગે છે કે રાહુલજી એક ઝાટકે ગરીબી દૂર કરી દેશે, ખટાખટ બેન્કમાં દર મહિને ૮૫૦૦ રૂપિયા મોકલશે, પૈસાદારોના પૈસા ખૂંચવીને ગરીબોને વહેંચી દેશે અને એમની બહેન તો ઇન્દીરા ગાંધી જેવી લાગે છે !
***
મોદી ભક્તો કેવા છે ? એ તો જગજાહેર છે !
પરંતુ રાહુલ ભક્તો કેવા છે ?
એ બધા ઇન્ટેલેક્ચુઅલ છે ! ખૂબ ભણેલા છે ! સમજદાર છે ! લિબરલ છે ! લોકશાહીમાં માને છે ! અર્થશાસ્ત્રીઓ છે ! પત્રકારો છે ! લેખકો છે ! વિચારકો છે ! અને દેશના અગ્રણી નાગરિકો છે !
સાલું, આવું તો દુનિયાના કોઈ દેશમાં જોયું નથી ! બોલો, તમે જોયું છે ?
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment