ભલે અમે સાતમી વખત આ સરખામણી કરતા હોઈએ, પણ અમુક જુનાં નાટકોનાં નામો એવાં છે કે દર વખતે જુદી જુદી પરિસ્થિતિ ઉપર ફીટ થઈ જ જાય છે ! જુઓ…
***
(૧) ટાળો ટાળો તોય ગોટાળો
વડોદરા, સુરત અને ગોધરામાં બેસાડેલાં સ્માર્ટ વીજળી મીટરો ! અગાઉ માંડમાંડ તૂટી રહેલા પૂલો, ફૂટી જતાં પેપરો અને આખેઆખી નકલી સરકારી ઓફિસોનાં કૌભાંડો છાવર્યાં છતાં નવું કૌભાંડ બહાર આવી જ જાય છે ! લાગે છે કે ભાજપના કૌભાંડીઓ હજી ‘સ્માર્ટ’ થયા જ નથી !
***
(૨) અમે લઈ ગયા તમે રહી ગયા
આ બિચારા એવા કોંગ્રેસીઓની ઉપર ફીટ થાય છે જે ભાજપમાં જોડાવામાં મોડા પડી ગયા ! હવે તો ચૂંટણીઓ પણ પતવા આવી... રાઈના ભાવ રાતે ગયા, ભૈશાબ !
***
(૩) એકબીજાને ગમતા રહીએ
આમાં સાવ સામસામા છેડાની જોડીઓ છે... મમતા બેનરજી અને અધીર રંજન ચૌધરી, માયાવતી અને અખિલેશ યાદવ, કેજરીવાલ અને સ્વાતિ માલીવાલ, શરદ પવાર અને યેદીયુરપ્પા... સાલું, ના ફાવે તો પણ નિભાવી લેવું પડશે !
***
(૪) ગુજ્જુભાઈએ ગામ ગજવ્યું
આમાં બે હીરો છે ! બન્ને મળીને ‘ચારસો પાર... ચારસો પાર...’નો એવો દેકારો બોલાવ્યો છે કે માત્ર ગામ જ નહીં, વર્લ્ડનું મિડીયા પણ ગાજી રહ્યું છે !
***
(૫) ચૂપ રહો અને ખુશ રહો
કલાકારો : મનમોહનસિંહ, પી. ચિદમ્બરમ્, જયરામ રમેશ, સામ પિત્રોડા (મહેમાન કલાકાર) ઉપરાંત રાજનાથસિંહ, ગડકરી, શિવરાજસિંહ ચૌહાણ, વસુંધરા રાજે... તથા ભુપેન્દ્ર પટેલ, સી આર પાટિલ જેવા અનેક સ્થાનિક કલાકારો !
***
(૬) મનસુખ માનતો નથી
આ ‘મનસુખ’ એટલે મતદાર ! એમાંના ૪૦ થી ૫૦ ટકા તો મત આપવા જતા જ નથી ! ઉપરથી જે મત આપવા જાય છે એમને જાતજાતની લાલચો આપવા છતાં એના મનમાં શું છે એ કહેતા નથી !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment