રાજકોટમાં બની ગયેલી ભયંકર દુર્ઘટના પછી ગુજરાતના જાણીતા અને પ્રખ્યાત સેલિબ્રિટી ટાઇપના લોકોનો આક્રોશ ફાટી નીકળ્યો છે !
આ લેખકો, કવિઓ, પત્રકારો, વિચારકો, ચિંતનકારો વગેરે હરીફરીને એક વાત ઉપર આવી જાય છે કે હવે તો પ્રજાએ જ જાગૃત થવું પડશે… પ્રજાએ જ સવાલો પૂછવા પડશે !
તો અમારા એક વડીલ કાકા છે. એમને ‘જાગૃત નાગરિક’ હોવાનો જબરદસ્ત કીડો છે. એ જ્યાં જાય છે ત્યાં સવાલો પૂછતા જ હોય છે !
એકવાર એ બેન્કમાં ખાતું ખોલાવવા ગયા. ખાતું ખોલાવતાં પહેલાં એમણે બેન્ક મેનેજર આગળ સવાલોની ઝડી વરસાવી :
‘તમારી બેન્કમાં કેટલા કરોડના ગોટાળા થયા છે ? ભવિષ્યમાં ગોટાળા નહીં થાય એની કોઈ ખાતરી આપી શકો છો ? બેન્કના કેટલા રૂપિયા ધનિક લોકોને લોન આપવામાં ડૂબી ગયા છે ? તમારી બેન્કમાં દર વરસે કેટલા ઓનલાઇન ફ્રોડ થાય છે ? મારી સાથે કોઈ ઓનલાઇન ફ્રોડ નહીં થાય એની કોઈ ગેરંટી ખરી ?’
મેનેજરે એમને બહુ નમ્રતાથી કહ્યું, ‘કાકા, તમે આરટીઆઈ કરીને આ બધું જાણી શકો છો. બાકી, તમારે ખાતું ના ખોલાવવું હોય તો તમારી ઇચ્છા !’
સરવાળે કાકા હજી પોતાનું ખાતું ખોલાવી શક્યા નથી…
***
કાકા એકવાર પોતાના પૌત્રનું એક સ્કુલમાં એડમિશન કરાવવા ગયા. ત્યાં પણ તેમણે સવાલો પૂછ્યા :
‘તમારી શાળાના શિક્ષકો કેટલું ભણેલા છે ? એમને તમે કેટલો પગાર આપો છો ? એમને તમે પાર્ટ ટાઇમ શિક્ષકો કેટલા છે ? એમને તમે ફિક્સ પગારે રાખ્યા છે કે વધતા પગારે ? બાળકના ટકા ઓછા આવે કે તે નાપાસ થાય તો સ્કુલની જવાબદારી કેટલી ? અને હા, તમે આટલી બધી ફી શા માટે રાખી છે ?’
શાળામાંથી જવાબ મળ્યો : ‘અંકલ, તમે બીજી કોઈ સ્કુલમાં ટ્રાય કરો ને ?’
- હજી બાબાનું એડમિશન થયું નથી !
***
કાકા જ્યારે જ્યારે રેસ્ટોરન્ટમાં જમવા માટે જાય ત્યારે પણ સવાલ કરે છે :
‘અહીં હેલ્થ ખાતાવાળા વરસમાં કેટલી વાર ચેકીંગ કરવા આવે છે ? તમારા કીચનમાં સંપૂર્ણ સ્વચ્છતા છે એની ખાતરી શી રીતે કરવી ? તમે વીસ રૂપિયાની પાણીની બોટલના ત્રીસ રૂપિયા કેમ લો છો ? તમારી પંજાબી સબ્જીની કરી કેટલા દિવસ પહેલાં બનેલી હોય છે ?’
હાલત એ છે કે સંતોષકારક જવાબોના અભાવે કાકા હજી સુધી કોઈ રેસ્ટોરન્ટમાં જમી શક્યા નથી !
***
હા, એક ઘટના બની છે !
વીજળી કંપનીવાળા કાકાના ઘરે આવ્યા હતા અને કાકાને પૂછ્યા વિના જ સ્માર્ટ મીટર લગાડીને જતા રહ્યા છે !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment