આજકાલ આ ત્રણ વસ્તુઓ જોખમમાં આવી ગઈ છે… લોકશાહી, વાણીસ્વાતંત્ર્ય અને બંધારણ ! પરંતુ જે લોકોને આ જોખમો દેખાય છે એ પોતે કેવા છે ?
***
અમુક નેતાઓ અને પાર્ટીઓ...
આ લોકો નવા સંસદ ભવનના ઉદ્ઘાટન સમારંભનો તો વિરોધ કરે છે...
- અને સાથે સાથે કહે છે કે લોકશાહી જોખમમાં છે !
***
અમુક નેતાઓ...
એમના ઉપર ભ્રષ્ટાચારના આરોપો હોવા છતાં એમને જેલની બહાર આવીને ચૂંટણીમાં પ્રચાર કરવાની છૂટ મેળવે છે...
બહાર આવીને તે આક્ષેપો કરે છે કે જો તમે મને જીતાડશો તો બીજા જ દિવસે હું જેલમાંથી છૂટી જઈશ !
- અને એ જ લોકો કહે છે કે લોકશાહી ખતરામાં છે !
***
અમુક પાર્ટીઓ...
તમામ વિરોધપક્ષના નેતાઓને જેલમાં પૂર્યા પછી બળજબરીથી બંધારણમાં ‘સેક્યુલરિઝમ’ ઘૂસાડે છે...
- હવે એ જ લોકો બીક બતાડે છે કે બંધારણમાં મોટા ફેરફારો થઈ જશે ! અરે, બંધારણ રહેશે જ નહીં !
***
અમુક પત્રકારો...
એક સમયે દોઢ વરસ સુધી પ્રેસ ઉપર કડક સેન્સરશીપ હતી એ વાત જ ભૂલી ગયા છે...
અને હવે કાગારોળ મચાવી રહ્યા છે કે પત્રકારત્વનું સ્વાતંત્ર્ય છીનવાઈ રહ્યું છે !
***
હજારો બુદ્ધિજીવીઓ...
રોજ બ્લોગ લખે છે, વ્લોગ ચલાવે છે, ફેસબુક ઇન્સ્ટાગ્રામ ટ્વિટર વગેરે પર બેધડક ટીકાઓ કરે છે, યુ-ટ્યુબમાં પોતપોતાની ચેનલમાં મનફાવે તેમ બોલે છે, અખબારોમાં લેખો લખે છે, ન્યુઝ ચેનલમાં બેધડક બોલે છે...
... છતાં સતત કકળાટ કરે છે કે અમારો અવાજ દબાવવામાં આવે છે !
***
અનેક ઇન્ફ્લુએન્સરો...
સ્ટેન્ડ-અપ કોમેડીમાં ગાળો બોલે છે, સોશિયલ મિડીયામાં અભદ્ર ભાષામાં જોક્સ કરે છે, વિવિધ એપ્સમાં પોતાના અર્ધનગ્ન ફોટા લગાડે છે...
... એમને લાગે છે કે અહીં ‘આઝાદી’ નથી !
***
પણ આ બધા કરતાં લોકશાહીના બેસ્ટ રક્ષકો એ છે...
જે મોબાઈલમાં આ બધું જ જુએ છે, જોશમાં આવીને ફોરવર્ડ પણ કરે છે, પરંતુ વોટ આપવા તો જતા જ નથી ! લોકશાહી ઝિન્દાબાદ.
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment